કેન્યામાં સૌથી વધારે લોકો આવે છે પર્યટન માટે. આ ખાસ પ્રકારનું પર્યટન છે – વન્યજીવ સંબંધી પર્યટન. વાઇલ્ડલાઇફ ટુરિઝમ માટે કેન્યા વિશ્વમાં પ્રસિદ્ધ છે. ખાસ કરીને કેન્યામાં આવેલ મસાઇ મારા નેશનલ પાર્ક લોકો માટે મોટું આકર્ષણનું કેન્દ્ર છે. પરંતુ કેન્યાની રાજધાની નૈરોબી શહેરના કિનારે જ આવેલો નૈરોબી નેશનલ પાર્ક પણ લોકોને પસંદ પડી જાય તેવી જગ્યા છે. નૈરોબી શહેરના કેન્દ્રથી માત્ર દશ કિમીના અંતરે આવેલ વિશ્વનો એકમાત્ર વન્યજીવ પાર્ક છે જે શહેરથી આટલી નજીક હોય. આ વિશાલ વન્યજીવ અભ્યારણ્ય લગભગ ૧૧૭ ચોરસ કિમીના વિસ્તારમાં ફેલાયેલું છે. તેમ છતાં આફ્રિકાના અન્ય નેશનલ પાર્કની સરખામણીમાં આ ઘણું નાનું ગણાય. વળી નૈરોબી નેશનલ પાર્ક સમુદ્રથી ૧૫૦૦-૧૮૦૦ મીટરની ઊંચાઈ પર સ્થિત છે. ઇસ ૧૯૪૬માં નૈરોબી નેશનલ પાર્કની સ્થાપના થયેલી.

સવાના પ્રકારના ઘાસના મેદાન, નાના મોટા કાંટાળા છોડ, કેન્યા ઓલિવ અને કેપ ચેસ્ટનટના વૃક્ષો, ખીણ અને નદીઓના અનેક પ્રવાહોથી બનેલ આ પાર્કમાં લગભગ ૧૦૦ પ્રકારના જાનવર જોવા મળે છે. આફ્રિકાના બિગ ફાઈવ એટલે કે મોટા પાંચ જાનવર તરીકે જેને ઓળખવામાં આવે છે તે પૈકી ચાર આ પાર્કમાં મળે છે. આ બિગ ફાઈવમાં સિંહ, જંગલી ભેંસ, ચિતા, રાઈનો અને હાથીનો સમાવેશ થાય છે. હાથી સિવાયના બીજા ચારેય જાનવર નૈરોબી નેશનલ પાર્કમાં છે. આ પાર્ક રાઈનો માટે અભ્યારણ્ય ધરાવે છે અને અહીં મોટા કરાયેલા રાઈનોને બીજા પાર્કમાં લઇ જવામાં આવે છે. આ પાર્કમાં ઝીબ્રા, જિરાફ, કેટલાય પ્રકારના હરણ વગેરે જોવા મોટી સંખ્યામાં જોવા મળે છે. અહીં વાઇલ્ડબિસ્ટ અને ઝિબ્રાના માઈગ્રેશન – સ્થળાંતરના સુંદર દ્રશ્યો જોવા મળે છે.

નૈરોબી નેશનલ પાર્ક પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર એમ ત્રણ બાજુથી ઇલેક્ટ્રિક તાર વડે ઘેરાયેલો છે અને દક્ષિણમાં તે ખુલ્લો છે જ્યાં મબાગથી નદી વહે છે તથા પાર્કની જમીન આગળ જતા અથી-કપીટી અને કિટેન્ગેલા મેદાનોમાં ભળી જાય છે. આ બાજુથી પ્રાણીઓ અવરજવર કરીને બીજા મેદાનો અને નેશનલ પાર્કમાં આવ જા કરે છે. આ પાર્કમાં પ્રાણીઓના ફોટો લઈએ ત્યારે તેના બેકગ્રાઉન્ડમાં નૈરોબી શહેરની મોટી ઊંચી ઇમારતો પણ આવે છે જેથી તે સુંદર અને આશ્ચર્ય જનક દ્રશ્ય બની રહે છે.

મેરવીન કોવી નામના કેન્યાના વન્યજીવ સંરક્ષકે ન માત્ર કેન્યાના પરંતુ પૂર્વ આફ્રિકાના બધા જ નેશનલ પાર્ક સ્થાપવામાં મોટો ભાગ ભજવ્યો છે અને તેણે પ્રવાસીઓના આગમનને ધ્યાનમાં રાખીને આ બધા જ નેશનલ પાર્ક બનાવ્યા છે. તેણે જ નૈરોબી નેશનલ પાર્કના વન્ય જીવો અને શહેરમાં વધી રહેલી વસ્તી વચ્ચે ચાલુ થયેલા ઘર્ષણને અટકાવવા પ્રયત્ન કરેલા અને તેમાં સફળ પણ રહ્યા. કોવી સ્કોટિશ ખેડૂતનો વંશજ હતો જે દક્ષિણ આફ્રિકામાં સ્થિત હતા. તેના પિતાએ ચીફ મેજિસ્ટ્રેટની નોકરી છોડીને કેન્યામાં સ્થાયી થવાનું નક્કી કર્યું. કોવીએ નૈરોબીમાં જ શાળાકીય અભ્યાસ કર્યો અને પછી તે ઇંગ્લેન્ડ ભણવા ગયો. નવ વર્ષના ઇંગ્લેન્ડના અભ્યાસ બાદ નૈરોબી પરત આવ્યા બાદ કોવીએ જોયું કે આટલા વર્ષોમાં તો વન્ય જીવોની સંખ્યા ખુબ ઘટી ગઈ હતી. એ બાબતથી પ્રભાવિત થઈને તેણે અથાગ પ્રયત્ન કરીને સરકારને નેશનલ પાર્ક સ્થાપિત કરવા મનાવી. તેના પ્રયત્નોથી અને તેની આગેવાની હેઠળ કેન્યાનો પ્રથમ નેશનલ પાર્ક – નૈરોબી નેશનલ પાર્ક ઇસ ૧૯૪૬માં સ્થાપિત થયો. ત્યારબાદ તો તેણે કેન્યા, યુગાન્ડા, તાન્ઝાનિયામાં અનેક નેશનલ પાર્ક સ્થાપ્યા. તેની સંકલ્પના એવી હતી કે જો પ્રવાસીઓ – પર્યટકોના આવવાની વ્યવસ્થા જાળવવામાં આવે તો જ આવા પાર્કને સાચવવા માટે આવશ્યક ભંડોળની વ્યવસ્થા થઇ શકે. પર્યટનમાંથી થતી અવાક દ્વારા આવા વન્યજીવ પાર્કની દેખરેખ અને જાળવણી સારી રીતે થઇ શકે.

નૈરોબી નેશનલ પાર્કમાં ઇસ ૧૯૬૩માં નૈરોબી પ્રાણી અનાથાલયની પણ સ્થાપના કરવામાં આવી હતી જ્યાં ઘાયલ વન્ય જીવોની સારવાર કરવામાં આવે છે. અહીં સિંહ, ચિતા, શિયાળ ઉપરાંત બીજા અનેક પક્ષીઓ અને પ્રાણીઓનો ઈલાજ થાય છે. અહીં અનેક જાનવરોનો ઈલાજ કરવામાં આવે છે અને ઉછેરવામાં પણ આવે છે.

Don’t miss new articles