સાચું શું અને ખોટું શું તેનો નિર્ણય કરવો ક્યારેક આપણા માટે જીવનમાં મુશ્કેલ થઇ પડે છે. સમાજે નક્કી કરેલા ધારાધોરણો અને નિયમોને આધારે જીવન જીવવાની કોશિશ કરનારા, નીતિ-નિયમોનું પાલન કરનારા લોકો માટે કેટલીયવાર આવા પ્રશ્નો ઉભા થાય છે. ધર્મસંકટ જેને કહે છે તેવી પરિસ્થિતિમાં આપણે ફસાઈએ ત્યારે શું નિર્ણય લેવો તે નક્કી કરવું મુશ્કેલ બનતું હોય છે.

સમાજના નિયમો એટલા મુશ્કેલ હોય છે અને તે ઘણીવાર જુના સમય અનુસાર બનાવેલા હોય છે. આ નિયમો સમય સાથે જલ્દી બદલાતા નથી. લોકોના વિચારો બદલાય, તેમની ઈચ્છાઓ બદલાય પરંતુ જો સમાજના ધારાધોરણ ન બદલાય તો લોકો કેવી રીતે સમન્વય સાધે તે અસમંજસ ઉભી થાય છે. કેટલાય યુવાનોને આવી સ્થિતિમાંથી પસાર થવું પડે છે. ખાસ કરીને જેમના માતા-પિતા પોતાના સમયના નિયમોને વધારે ચુસ્ત પાલન કરાવવા માટે તત્પર હોય તેમના પરિવારમાં ક્યારેક તો વિખવાદ પણ થતા હોય છે. યુવાનોને બદલાવું હોય, નવો ચીલો ચીતરવો હોય પણ માતા-પિતા અને દાદા-દાદી સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખવા ઇચ્છતા હોય ત્યારે આ સમસ્યા ઉભી થાય. આવા સમયે જો બંને પેઢી એકબીજાને સમજવાની કોશિશ કરે, માધ્યમ માર્ગ શોધીને નવો રસ્તો શોધવાનો પ્રયત્ન કરે તો સમાધાન શક્ય છે.

એકવાત યાદ રાખવી જોઈએ કે જે રીતે ટેક્નોલોજીનો વિકાસ થઇ રહ્યો છે તેનાથી આજની પેઢી ઝડપથી પરિવર્તિત થઇ રહી છે. પહેલા વિસ વર્ષે એક પેઢી – જનરેશન બદલાઈ ગણાતી, હવે તો દર સાત વર્ષે જનરેશન બદલાય છે. તેનું કારણ છે કે વિશ્વ એકબીજાની નજીક આવી રહ્યું છે, એક નાના ગામડાની જેમ વિશ્વના ખૂણે ખૂણે વસતા લોકો એકબીજાના સંપર્કમાં આવી રહ્યા છે. તેઓ એકબીજા પાસેથી શીખે છે, એકબીજાને શીખવે છે, વિચારો અને પરંપરાઓની આપ-લે કરે છે. પરિણામ આપણે જોઈએ છીએ તેમ – વિકાસ, પરિવર્તન અને આધુનિકતા બહુ ઝડપથી આવે છે.

જે લોકો કહેતા કે આ આપણી સંસ્કૃતિ નથી, આપણને ન શોભે તે હવે તેમના ઘર આંગણે આવીને ઉભું છે. બે સંસ્કૃતિઓ વચ્ચે તફાવત કરવો શક્ય રહ્યો નથી. માત્ર સમન્વય જ કરી શકાય તેમ છે. તેમના સારા સારા પાસાઓને સ્વીકારીને નવી અદ્યતન પરંપરા ઉભી થઇ રહી હોય તો તેને થવા દેવી જોઈએ. નાહકના ક્લેશ ઉભા કરીને, સમાજમાં અને પરિવારમાં ઘર્ષણ ઉભા કરવાથી કોઈ ફાયદો થતો નથી.

આગળ જતા તો સમય હજુ પણ જુદો આવવાનો છે. અત્યારે જે રીતે આપણે સોશ્યિલ મીડિયાના માધ્યમથી એકબીજાનો સંપર્ક કરી શકીયે છીએ તેવી જ રીતે જયારે મેટાવર્સ અને વર્ચ્યુઅલ રિયાલિટી વધારે પ્રચલિત બનશે ત્યારે આપનો એક અવતાર પણ ઉભો થશે જે એ નવી દુનિયામાં જીવતો હશે. તે આપણું જ અસ્તિત્વ હશે પરંતુ આભાસી દુનિયામાં. આ સમયને પણ સ્વીકારવા માટે, જીવવા માટે અને માણવા માટે માનસિક રીતે તૈયાર થઇ જાઓ.

Don’t miss new articles