યુકે કોરોના વાઇરસના નવા સ્ટ્રેઇનની અસર હેઠળ ફરીથી લોકડાઉનમાં આવી ગયું છે અને અહીં ક્રિસ્મસ પણ લોકડાઉનમાં જ ઉજવવાની છે. અલગ અલગ વિસ્તારોમાં લોકડાઉનના અલગ સ્ટેજ છે પરંતુ લંડન તો સ્ટેજ ૪માં છે એટલે કે સૌથી આકરા લોકડાઉનમાં છે. લોકો બહાર આવી જઈ શકે પરંતુ આવશ્યક હોય તો જ. જેમ માર્ચમાં લાગેલું તેવું જ લોકડાઉં અહીં ફરીથી ૩૦મી ડિસેમ્બર સુધી લાગ્યું છે અને સરકાર ૩૦મી ડિસેમ્બરે ફરીથી આગળના સમય માટે નિર્ણય કરશે. આ દરમિયાન લોકો પોતાના ઘરોમાં રહીને ક્રિસ્મસ ઉજવાશે અને નવા વર્ષમાં પણ કઈ ખાસ છૂટછાટ મળવાની શક્યતા દેખાતી નથી. બ્રિટિશ લોકો માટે ક્રિસમસ સૌથી મોટો તહેવાર છે અને તેના માટે તો ખુબ તૈયારી થતી હોય છે. શહેરોમાં લાઈટ લાગી જાય છે અને લંડન નગરી તો જાણે રૂપશણગાર કરેલી દુલ્હન હોય તેવી લાગે છે. આ વર્ષે પણ લાઇટ્સ અને ડેકોરેશન પણ થઇ ગયા છે. પરંતુ ક્રિસમસ આવે તે પહેલા લગાવાયેલા સ્ટેજ ૪ ના નિયંત્રણોને કારણે બે પરિવાર પણ ક્રિસમસ પર મળી શકે તેમ નથી. એટલે કે હવે સૌએ પોતપોતાના ઘરમાં રહીને જ ક્રિસમસ મનાવવાની છે.
અહીં છેલ્લા કેટલાક દિવસોમાં લગભગ ૩૫ હજાર જેટલા કોરોનાના કેસ રોજ આવી રહ્યા છે. સાડા છ કરોડની વસ્તીમાં પાંત્રીસ હજારથી વધારે કેસ એટલે બહુ કહેવાય. બુધવારનો મૃત્યુનો આંક પણ ૭૦૦થી વધારે નો હતો. હેલ્થ સેક્રેટરી – એટલે આપણા આરોગ્ય મંત્રીની સમકક્ષ – પોતે જ કહી ચુક્યા છે કે કોરોનાનો નવો સ્ટ્રેઇન ઝડપથી ફેલાઈ રહ્યો છે અને નિયંત્રણની બહાર છે. યુકેના વૈજ્ઞાનિકોએ સતત ચાલી રહેલી રિસર્ચના આધારે શરૂઆતના સ્તરમાં જ કોરોનાનો નવો સ્ટ્રેઇન પકડી પડ્યો છે અને તેને કારણે આકરા લોકડાઉનના પગલાં લેવાયા છે. ઘણા દેશો સાથે યુકેની ફ્લાઇટ બંધ થઇ ગઈ છે. ભારતે પણ ૨૨મી ડિસેમ્બરની રાતથી ૩૧મી ડિસેમ્બરની માધ્ય રાત્રિ સુધી યુકે સાથેના બધા જ મુસાફરી વિમાનો બંધ કરી દીધા છે. ભારતના કેટલાક લોકો જે અહીંથી જવા માટે નીકળવાના હતા તેઓ હવે નીકળી શકશે નહિ. એક રીતે જોઈએ તો યુકે એ સમયસર જાહેર કરી દીધું કે અહીં નવો સ્ટ્રેઇન મળ્યો છે અને તે વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે જેથી કરીને બીજા દેશોમાં વધારે વાઇરસ ન ફેલાય. લોકોને પણ પ્રવાસ ન કરવાની સલાહ આપેલી. યુકેના નાગરિકોને બિઝનેસ સિવાય કોઈ કારણથી પ્રવાસ ન કરવાની સૂચના આપેલી. પરંતુ જે લોકો યુકેથી પોતાના દેશમાં જઈ રહ્યા હોય તેને તો યુકે કેવી રીતે રોકે? બીજા દેશના નાગરિકો પોતપોતાના ઘરે જવા માંગે તો તેના પર નિયંત્રણ લગાવવું શક્ય નથી. તેને કારણે એવા સમાચાર પણ આવ્યા છે કે યુકેથી ભારત ગયેલા કેટલાક લોકો સંક્રમિત મળ્યા છે અને તેમનામાં નવા સ્ટ્રેઇન હોવાની જાણકારી વહેતી થઇ છે.
કોરોના વાઇરસ સામે લડવું અને તેનાથી દેશને શક્ય હોય તેટલો સુરક્ષિત રાખવો સરકાર માટે સૌથી મોટી ચેલેન્જ છે. યુકે સરકારે સૌથી પહેલા ફાઈઝરની રસીને માન્યતા આપી અને પ્રાથમિકતાના ધોરણે લોકોને રસી આપવાનું શરુ કરી દીધેલું અને સૌ એવી આશા રાખી રહ્યા હતા કે એક-બે મહિનામાં યુકેમાં બધું સામાન્ય થઇ જશે. મોટા ભાગના લોકોને રસી લાગી જશે એટલે ચિંતા નહિ રહે. પરંતુ હવે આ કોરોનાનો નવો સ્ટ્રેઇન શું છે અને તેની સામે ફાઈઝરની અત્યારે બનાવાયેલી રસી કામ કરશે કે કેમ તે પ્રશ્નો પણ ઉભા થયા છે અને તે સૌ માટે ચિંતાજનક છે.
આ દરમિયાન ક્રિસમસના એક દિવસ પહેલા, ૨૪મી ડિસેમ્બરની સાંજે યુકે અને યુરોપીઅન યુનિયન વચ્ચે બ્રેક્ઝિટ અંગે થોડી સમજૂતી થઇ હોવાનું જાહેર થયું છે. નો ડીલ બ્રેક્ઝિટમાંથી યુકે અને ઈયુ બચી ગયા છે. ડીલ કેટલી બાબતોને આવરી લે છે અને તે બંને પાર્લામેન્ટમાં પસાર થાય છે કે કેમ તે ચર્ચા ચાલી રહી છે. નો ડીલ કરતા નાની ડીલ પણ સારી તેવું વિચારીને બોરિસ જોહ્ન્સને ઈયુ સાથે આજે સમજૂતી પર સહમતી આપી દીધી અને લોકોને ક્રિસમસ ઇવ પર સારા સમાચાર આપ્યા છે.