એ સમય વીતી ગયો જયારે લોકોને ગુલામ બનાવવા માટે તેમને બંધી બનાવવામાં આવતા, તેમના પર નિયંત્રણ સ્થાપિત કરવા માટે પ્રતિબંધો મુકવામાં આવતા. પરંતુ આજે લોકો પર નિયંત્રણ પ્રસ્થાપિત કરવા માટે તેમને કઈ ન કરવાનું કહેવાને બદલે તેમની ઈચ્છા થાય તે કરવાનું કહેવામાં આવે છે. આધુનિક યુગના લોકો પર મૂડીવાદીઓ દ્વારા પ્રભાવરૂપી નિયંત્રણ મુકવામાં આવી રહ્યું છે. ‘તમે આવું ન કરી શકો’ કે ‘તમારે એવું ન કરવું જોઈએ’ જેવી સૂચના તો નકારાત્મક ગણાય અને તે માત્ર સરકારી કાયદાઓમાં જ શોભે પરંતુ ‘તમારી ક્ષમતાને ઓળખો’, ‘તમે દુનિયા જીતી શકો છો’, ‘તમારા ઉદેશ્યો સિદ્ધ કરવાની શક્તિ તમારામાં છે’, જેવી સકારાત્મક અને પ્રભાવી સલાહ દ્વારા આજે દરેક વ્યક્તિને એક દિશામાં દોરવામાં આવી રહી છે અને તે છે સ્વકેન્દ્રિતા તરફની. અંગ્રેજીમાં તેના માટે શબ્દ છે નાર્સિસિઝમ.

નાર્સિસીસ્ટ વ્યક્તિને આપણે ગુજરાતીમાં સ્વકેન્દ્રી વ્યક્તિ કહી શકીએ. તેનું ધ્યાન હંમેશા ખુદ પર જ હોય છે. તેને માટે સ્વયંનું મહત્ત્વ એટલું વધારે હોય છે કે તે માણસ અન્ય કોઈની જરૂરિયાતોને સમજી શકતો નથી. બીજાની જરૂરિયાતોનો ખ્યાલ રાખી શકતો નથી. આ પ્રકારની સ્વકેન્દ્રીતા તરફ લોકોને દોરવાનું કામ આજના મૂડીવાદી કોર્પોરેશન કરી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે તેના માટે એક વ્યૂહાત્મક પ્રક્રિયા પણ નિર્ધારિત કરવામાં આવી છે જે ધીમે ધીમે વ્યક્તિઓ પર કાર્ય કરે છે અને તેમને પોતાના પ્રભાવમાં લાવે છે. વ્યક્તિ કેન્દ્રિત સમાજ અને સ્વયં કેન્દ્રિત વ્યક્તિઓ તૈયાર કરવાનું આ બીડું ઝડપનાર મૂડીવાદી સંગઠનો અને પશ્ચિમી સમાજનું આખરી ધ્યેય શું હોઈ શકે તે તો નિશ્ચિત રીતે ન કહી શકાય પરંતુ આ પ્રક્રિયાનું એક લક્ષ્ય છે વધારેને વધારે સ્વતંત્ર, સ્વચ્છંદી અને મૂડીવાદી સમાજ તૈયાર કરવાનું. તેવું કરવાથી દરેક વ્યક્તિ પોતાના જીવન, પોતાના મહત્ત્વ અને પોતાના જીવનની ચમકદમક પર ધ્યાન આપે છે. તે પોતાના જીવનને વધારે સારું બનાવવા, લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહેવા પ્રયત્નરત રહે છે. આ પ્રયત્નોનો ફાયદો આખરે તો ઉપભોક્તાવાદ – કંઝ્યુમરિઝમ – વધારશે, કંપનીઓનો નફો વધારશે.

આ નફો વધારવાની દોડ, વધારે વેંચવાની હરીફાઈ કરનારા મૂડીવાદી સંગઠનો પોતાની જાહેરાતોમાં કેવી રીતે વ્યક્તિને સર્વેસર્વા બતાવે છે, પોતાના ઉત્પાદનોનો ઉપયોગ કરનાર સમાજમાં સૌથી શ્રેષ્ઠ રહે છે તેવું બતાવે છે તે આપણે સૌએ જોયું છે. એક ઠંડા પીણાંથી લોકો ચેમ્પિયન બની જાય, એક પરફ્યુમ છાંટવાથી બધી જ સ્ત્રીઓ પોતાની તરફ આકર્ષિત થાય, એક ખાસ કંપનીની કાર ખરીદવાથી જીવન સંતોષકારક બને, વગેરે જેવી જાહેરાતો દ્વારા આખરે તો આપણે વ્યક્તિને ઉપભોગવાદી જ બનાવી રહ્યા છીએ ને? પરંતુ સ્વકેન્દ્રિતા વિકસારવા માટે માત્ર આવી જાહેરાત પૂરતી નથી. તેના માટે વ્યક્તિની વિચારસરણી પણ બદલવી પડે છે. લોકોને એવું સમજાવવું પડે છે કે તેમના જીવનમાં આ બધા જ ઉત્પાદનોનું શું મહત્ત્વ છે.

લોકોની વિચારસરણી બદલવા માટે પહેલા તો તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે. પ્રેરણાનો વરસાદ વરસાવવામાં આવે છે. તેમની ક્ષમતા અંગે વધારે પડતો વિશ્વાસ અપાવવામાં આવે છે. આ દિશામાં સોશ્યિલ મીડિયા, મોટિવેશનલ પુસ્તકો અને વક્તાઓ ખુબ મહેનત કરે છે. ધીમે ધિમે વ્યક્તિને વિશ્વાસ આવે કે પોતે ધારેલા લક્ષ્યો હાંસલ કરી શકવાની ક્ષમતા ધરાવે છે ત્યારે તેને ધીમે ધીમે ચમકીલા દમકીલાં જીવન તરફ દોરી જવામાં આવે છે. આ સ્વકેન્દ્રીતા એવી હોય છે કે તેમાં વ્યક્તિ પોતે કોઈ સ્વયંનિર્ધારીત લક્ષ્યની ટોંચ પર પહોંચવાની દોડમાં ભાગે છે. જેમાં તેનો પરિવાર અને સમાજ સાથે હોય તે આવશ્યક નથી. મોટાભાગના કિસ્સાઓમાં વ્યક્તિ એકલી જ દોડતી હોય છે. પોતાનું મહત્ત્વ અને સ્થાન સ્થાપિત કરવા તે બધા જ સંબંધોને બંધન ગણવા લાગે છે. આ જ વિચારસરણી છે જેને કારણે પરિવાર કે સમાજનું સ્થાન વ્યક્તિના જીવનમાં ગૌણ બને છે. થોડા પૈસા વધારે કમાવા માટે લોકો પરિવારથી દૂર રહેવા તૈયાર થઇ જાય છે. જીવનની સુખ સગવડો પ્રાપ્ત કરવા માટે સંબંધોને સમર્પિત કરી દેવામાં આવે છે. આઈ, મી એન્ડ માયસેલ્ફની ફિલોસોફીથી જીવતી વ્યક્તિઓની સંખ્યા ધીંમે ધીમે વધવા લાગે છે અને પરિણામે તૈયાર થાય છે સ્વકેન્દ્રી – નાર્સિસીસ્ટ વ્યક્તિઓનો આખો સમાજ.

આ પ્રકારની નાર્સિસિઝમ – સ્વકેન્દ્રીતાની ફિલોસોફી કેવી રીતે લોકોના મનમાં ઘુસાડવામાં આવી રહી છે તેનો અભ્યાસ કરીને તેનાથી બચવું છે કે કેમ તેના અંગે નિર્ણય દરેક વ્યક્તિએ પોતે જ કરવો પડશે. આપણે જીવનના લક્ષ્યો જાતે નિર્ધારિત કરી રહ્યા છીએ કે આપણી આસપાસ ચાલી રહેલ વ્યૂહાત્મક પ્રક્રિયાનો શિકાર બનીને ગુમરાહ થઇ રહ્યા છીએ તે સમજવા માટે પણ આપણા પોતાનાથી વધારે સક્ષમ બીજું કોઈ ન હોઈ શકે.