ક્રિસ્મસ અને નવું વર્ષ પૂરું થયું અને લંડનની જાહોજલાલી કેસીનોમાં લગાવેલી ગેમમાં બધા પૈસા હારી ગયા હોય તેવા ખેલાડીના ઉત્સાહની જેમ ગાયબ થઇ ગઈ. બધી લાઈટોની જગમગાટ ઝાંખી પડી ગઈ. ક્રિસ્મસ માટે લગાવેલા વૃક્ષો હટાવી લેવાયા. સજાવેલી બિલ્ડીંગ પાછી પોતાના મૂળ રૂપમાં આવી ગઈ. વિન્ટર વન્ડરલેન્ડ સમેટી લેવાયું. ડિસ્કાઉન્ટની ભરમાર ધીમે ધીમે ઓછી થઇ. રજા પર ગયેલા લોકો પાછા કામે આવવા લાગ્યા. ટ્રફાલ્ગર સ્કવેર પર લગાવેલું મોટું ક્રિસ્મસનું ઝાડ પણ હટાવી લેવાયું છે. અહીં લગાવવામાં આવતું યુકેનું સૌથી પ્રખ્યાત નાતાલ વૃક્ષ દર વર્ષે નોર્વેથી આવે છે. ૧૯૪૭થી આ પરંપરા રહી છે. બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટને કરેલી મદદની કૃતજ્ઞતા માટે નોર્વે દર વર્ષે નાતાલ વૃક્ષ મોકલે છે. આ વૃક્ષ ડિસેમ્બરની શરૂઆતથી ૬ઠી જાન્યુઆરી સુધી ત્યાં રહે છે.

દર ગુરુ અને શુક્રવારે લોકો ઓફિસેથી છૂટીને પબમાં મળવાનું શરુ કરવા માંડ્યા છે. રજાઓ પછીનું પહેલું કામનું અઠવાડિયું શરુ થયું એટલે સૌ પોતપોતાની રજાઓ વિષે વાતો કરતા જોવા મળે છે. પબમાં પણ આવી જ વાતો સંભળાય છે. બ્રેક્ઝિટ અંગે નિર્ણય કરવાનો હતો અને એટલા માટે યુકેની પાર્લામેન્ટમાં જે ખરડો મુકવામાં આવેલો તે પણ બહુમતીથી વધારે ચર્ચા વિના પસાર થઇ ગયો. જાણે કે સાંસદોનો પણ ક્રિસમસના સમયમાં વધારે ચર્ચા કરવાનો મૂડ ન હોય તેમ! તે ખરડાથી બોરિસ જોન્સનને બ્રેક્ઝિટની સમજૂતી કરવા સતા આપવામાં આવી છે. હવે ધીમે ધીમે બ્રેક્ઝિટ અંગેનું કામ શરુ થશે. બોરિસ જોન્સન પણ ક્રિસમસની રજા માણવા ગયેલા અને હવે પાછા આવ્યા છે. અહીં બધા લોકો રજા લે છે. સરકારી નેતાઓ પણ પોતાનું વેકેશન કરવા જતા રહે છે.

રજામાં પરિવાર સાથે રહેવું અને ઓફિસના કે બિઝનેસના કામની ચિંતાથી દૂર રહેવું તે અહીંનું ક્લચર છે. સાંજે પણ ઓફિસથી ઘરે ગયા પછી કોઈ કામને લગતા ફોન કરવાનું પસંદ કરતા નથી. અહીંના લોકોને માટે ઓફિસનો સમય અને અંગત સમય તદ્દન અલગ અલગ છે. કેટલાક સીનીઅર લોકો કે જેમને તાકીદના કાર્યો કરવા પડતા હોય તેમના સિવાય બીજા કોઈને ઓફિસના સમય પછી કામ અંગેના કોલ ઉઠાવવાની ફરજ પાડવામાં આવતી નથી. ઇમેઇલ પણ ઘરેથી કોઈ ચેક કરતુ નથી. એટલા માટે ક્રિસમસની રજાઓ પરથી પાછા આવ્યા બાદ લોકોએ પોતાના ઈનબોક્સમાં ઢગલો થયેલા ઇમેઇલ વાંચી વાંચીને તેનો નિકાલ લાવવાનું શરુ કર્યું છે.

ફરીથી લંડન અને યુકે કામની ગતિ પકડી લેશે પરંતુ હજી શિયાળાનો સમય હોવાથી સુરજ તો ચાર-પાંચ વાગ્યે આથમી જાય છે અને દિવસ દરમિયાન પણ વધારે સૂર્યપ્રકાશ રહેતો નથી. લાગે છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી આવા જ ઠંડા અને ટૂંકા દિવસો વાળા નીકળશે. માર્ચ આવતા આવતા મોસમમાં પણ પરિવર્તન આવવું શરુ થઇ જશે. ત્યાં સુધીમાં તો બ્રેક્ઝિટની દિશા પણ નક્કી થવા માંડશે.

આ સમય દરમિયાન લંડનમાં મેયરની ચૂંટણી માટે પ્રચાર શરુ થયો છે. ૭ મે ૨૦૨૦ના રોજ લંડન મેયરની ચૂંટણી યોજાવાની છે. દર વખતેની જેમ આ વખતે પણ મકાન, સાફ હવા, ટ્રાન્સપોર્ટ વગેરે જેવા મુદ્દાઓ ચૂંટણી પ્રચારમાં છે જ પરંતુ સૌથી વધારે જોર પકડી રહ્યો છે તે મુદ્દો છે લંડનમાં વધી રહેલ ગુનાખોરી. ખાસ કરીને ચાકુ-છરીના ગુના. કેટલાય લોકોને છરી મારીને લૂંટવામાં આવ્યા છે અને ઇજા પહોંચાડાઇ છે. કેટલાક લોકોના તો મૃત્યુ પણ થયા છે. ખાસ કરીને પ્રવાસીઓના આવવાના સમયમાં આવા ગુના વધી જાય છે. ચોરી, લુંટફાંટ અને ઘરફોડીના ગુના લંડનમાં કેવી રીતે નિયંત્રણમાં આવી શકે તે મેયરની ચૂંટણીઓ એક મહત્વનો મુદ્દો બની ગયો છે. જોઈએ કે નવા મેયરનો લંડનને પ્રદુષણમુક્ત તથા ટ્રાફીકમુક્ત કરવાનો, ઘરવિહોણા લોકો માટે ઘર પુરા પાડવાનો, જાહેર યાતાયાત અંગેનો તથા શહેરને ગુનામુક્ત કરવાનો શું પ્લાન છે.

Don’t miss new articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *