નૂર ઇનાયત ખાન ભારતીય મૂળની પહેલી મહિલા છે કે જેને બ્રિટનમાં બ્લુ તકતી (Blue Plaque) દ્વારા સમ્માનવામાં આવી છે. બ્રિટિશ ઇતિહાસમાં સારું અને યાદગાર કામ કરનાર મહાનુભાવોના નામની બ્લુ તકતી તેમના નિવાસસ્થાન કે અન્ય જગ્યાએ લગાડીને તે સ્થળને એક સ્મરાકચીહ્નન બનાવવામાં આવે છે. આવું સમ્માન પ્રાપ્ત કરનાર આ પ્રથમ ભારતીય મૂળની મહિલા રેડીઓ ઓપરેટર હતી અને નાઝીઓના કબ્જામાં રહેલા ફ્રાન્સમાં જઈને ફ્રેન્ચ રેઝિસ્ટન્સ ફોર્સ સાથે કામ કરેલું. આ રીતે બ્રિટનથી ફ્રાન્સ મોકલવામાં આવેલ તે પ્રથમ મહિલા વાયરલેસ ઓપરેટર અને બ્રિટિશ જાસૂસ હતી. નૂર ઇનાયત ખાને સ્પેશ્યિલ ઓપરેશન એક્ષેકયુટીવ તરીકે ૧૯૪૩માં બ્રિટિશ ફોર્સ જોઈન કરી હતી. તેની સાથે દગો થઇ જતા તે પકડાઈ ગયેલી અને ૧૯૪૪ના સપ્ટેમ્બરમાં તેને મૃત્યુદંડ આપયેલો. મોસ્કોમાં જન્મેલી નૂરના પિતા ઇનાયત ખાન ભારતીય નવાબ મુસ્લિમ હતા. તેની માતા ટીપું સુલતાનની વંશજ હતી.

યુકેમાં લોકડાઉન હળવું થતા અને સમર આવતા લોકોએ બીચ પર અને રેવ પાર્ટી કરવાનું શરુ કર્યું. નિઃસંદેહ તેનાથી કોરોનાના કેસોમાં વધારો થયો. આવી પ્રવૃત્તિઓને રોકવા હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે રેવ પાર્ટીનું આયોજન કરનારને ૧૦,૦૦૦ પાઉન્ડ સુધીનો દંડ ફટકારવાનો નિયમ કર્યો છે. વેસ્ટ ગ્લેમોર્ગન ગામમાં તેમ છતાંય લગભગ ૩૦૦૦ લોકોની રેવ પાર્ટી યોજાઈ. પોલીસે બે આયોજકોને ૧૦-૧૦ હજાર પાઉન્ડનો દંડ ફટકાર્યો. થેટફોર્ડ ફોરેસ્ટમાં ૫૦૦થી વધારે લોકોએ મળીને એક પાર્ટી કરેલી. તેના ઉપરાંત પોલીસે બીજી પણ કેટલીક જગ્યાએ ૩૦ થી વધારે લોકોને એકઠા કરીને પાર્ટી કરનારા લોકો પર મોટો દંડ ફટકાર્યો છે. યુકેમાં હવે ફરીથી રોજના લગભગ ત્રણેક હજાર કેસ આવવા લાગ્યા છે. યુરોપમાં પણ કોરોનાનાં કેસોની સંખ્યા વધી રહી છે અને પરિણામે યુકેએ ઘણાય દેશોને ક્વોરેન્ટાઇનની લિસ્ટમાં ઉમેરી દીધા છે. એવું લાગી રહ્યું છે કે કોરોનાનો બીજો તબક્કો શરુ થવાની શરૂઆત થઇ ગઈ છે.

ફરીથી કોરોનાના કેસો નિયંત્રણની બહાર ન જાય એટલા માટે યુકે સરકારે થોડા સાવચેતીના પગલાં વધાર્યા છે. માસ્ક પહેરવાનો ફરજીયાત કરવા ઉપરાંત ફરીથી લોકોને સૂચના આપવામાં આવી છે કે ૬થી વધારે લોકોએ ક્યાંય એકઠા ન થવું. એક તરફ શાળા ખુલવાની શરૂઆત થઇ રહી છે અને ઓફિસે જવા લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ લોકોને ઘરે કે સામાજિક પ્રસંગોમાં એકઠા થવાથી રોકવામાં આવી રહ્યા છે. બંને વચ્ચે સંતુલન જાળવવાની કોશિશ સરકાર કરી રહી છે. એક સંભળાયું છે કે કોરોનાનાં બીજા તબક્કાની આશંકાને કારણે સરકારે તબીબોને ઓક્ટોબરમાં રજા ન લેવા અપીલ કરી છે. પરંતુ તે સામે લંડનમાં ટ્રફાલ્ગર સ્ક્વેરમાં મોટી સંખ્યામાં લોકોએ એકઠા મળીને કોરોનાવાઇરસને એક હોક્સ ગણાવ્યો અને સરકારના લોકડાઉનના નિયમો અંગે વિરોધ કર્યો. વિરોધ પક્ષના પૂર્વ નેતા જેરેમી કોર્બિનના ભાઈએ તેમાં ભાષણ કરેલું અને એટલા માટે તેને પણ પોલીસે ૧૦,૦૦૦ પાઉન્ડના દંડની નોટિસ ફટકારી છે. અત્યારના સરકારી નિયમો પ્રમાણે કોઈ પ્રદર્શન કે સામાજિક પ્રસંગ માટે ૩૦થી વધારે લોકોએ એકઠા ન થવું.

આ વર્ષે બ્રિટનમાં આવતા પ્રવાસીઓ આવી શક્યા નથી. છેલ્લા થોડા સમયમાં યુરોપથી થોડા લોકો આવ્યા હોય કે થોડા ઘણા લોકો કેમેય કરીને બીજા કોઈ દેશોમાંથી ફરવા આવ્યા હોય તેના સિવાય પ્રવાસીઓના ન આવવાથી યુકેને આ વર્ષે ઘણું નુકશાન ભોગવવું પડ્યું છે. રેસ્ટોરન્ટ, ફેશન, હોટેલ, ટ્રાવેલ, ટેક્ષી અને બીજા કેટલાય ધંધાઓને નુકશાન થઇ રહ્યું છે અને કેટલાય બંધ થઇ ગયા છે અને બીજા કેટલાક બંધ થવાના આરે છે.

Don’t miss new articles