કોઈ દેશ પ્રગતિ કરે ત્યારે તેની અર્થવ્યવસ્થા અને સમાજવ્યવસ્થામાં ઉત્તરોત્તર સુધારા થાય, લોકોના શિક્ષણ વધે, સવલતો વધે તેમજ આરોગ્ય અને પરિવહનને લગતી સેવાઓ સુગમ અને સુલભ બને છે. આવા પરિમાણોને આધારે આપણે કોઈ દેશને વિકસિત કે વિકાસશીલ કે અવિકસિત કહી શકીએ છીએ. ભારતને આપણે વિકાસશીલ દેશોની શ્રેણીમાં મૂકીએ છીએ કેમ કે આ બધા પરિમાણોમાં ભારત હવે પછાત રહ્યો નથી, ધીમે ધીમે પ્રગતિ થઇ રહી છે અને લોકોને મળતી સગવડોમાં વધારો થઇ રહ્યો છે. જો કે તેને આપણે યુકે જેવા દેશ સાથે સરખાવીએ તો હજુ ઘણું કરવાનું બાકી છે તે વાત સ્પષ્ટ થાય.

જયારે દેશના વિકાસની વાત ચાલતી હોય ત્યારે માત્ર આર્થિક વૃદ્ધિ અને નાગરિક સવલતો ઉપર ભાર મુકવા કરતા લોકોના અભિગમ, વિચારસરણી અને આવડતને પણ ધ્યાનમાં લેવા જોઈએ, કેમ કે તેના આધારે જ દેશની ભવિષ્યની સ્થિતિ નક્કી થાય છે. માત્ર દેશ ધનવાન થઇ જાય, સારા રસ્તાઓ બની જાય અને મોટા મોટા શોપિંગ મોલ બનવા માંડે પરંતુ જો લોકોમાં શિક્ષણનું સ્તર ન સુધરે, લોકોનું આરોગ્ય ન સુધરે, તેમની સ્કિલ – કૌશલ નબળું રહે, તેમને પોતાની સામાજિક જવાબદારીઓ અંગે જાગૃકતા ન આવે તો દેશનું ભવિષ્ય સારું ભાંખી શકાય નહિ. આ બાબતમાં જો ભારતનું મૂલ્યાંકન કરીએ તો આપણને દેશનું ભવિષ્ય ઘણું સુઘડ દેખાય છે. લોકો ખુબ કૌશલ્યપૂર્ણ છે, ભણેલા ગણેલા છે. આપણા દેશના ડોક્ટર અને એન્જીનીઅર લોકો વિદેશોમાં પોતાની પ્રતિભાના આધારે ખુબ પ્રગતિ કરે છે. દેશમાં આરોગ્ય સેવાઓ ખુબ સારી બની રહી છે – એટલી સારી કે કેટલાય દેશના લોકો ભારતમાં ઉપચાર માટે આવે છે.

એક બાબત ભારતના લોકો અંગે ખુબ ગમે તેવી છે કે તેઓ જયારે વિદેશમાં જાય અને ત્યાં સ્થાયી વસવાટ કરવા લાગે ત્યારે પણ દેશ અને માતૃભૂમિ માટે હૃદયમાં પ્રેમ જાળવી રાખે છે, સંપર્ક બનાવી રાખે છે એટલું જ નહિ પરંતુ તેઓ જે કમાય તેમાંથી ઘણીવાર અમુક હિસ્સાનું દેશમાં રોકાણ પણ કરે છે. આવા રોકાણથી, તેમના તરફથી આવતી પ્રેષિત રકમથી દેશમાં વિકાસના દરને વેગ મળે છે. તમને ખ્યાલ હશે કે વિશ્વમાં સૌથી વધારે સ્થળાંતરિત લોકો ભારતીય છે અને અત્યારે લગભગ ૩૨ મિલિયન ભારતીય લોકો વિદેશમાં રહે છે. તાજેતરમાં સ્થળાંતર કરનાર ભારતીયોનો આંકડો દર વર્ષે લગભગ ૨.૫ મિલિયન જેટલો રહે છે. તેઓ ભારતમાં સારા પ્રમાણમાં રેમિટન્સ મોકલે છે, વર્ષ ૨૦૨૧માં ભારતમાં કુલ $૮૯ બિલિયન જેટલું રેમિટન્સ, પ્રેષિત રકમ, આવેલું. સૌથી વધારે રેમિટન્સ યુએસએથી આવે છે અને સૌથી વધારે સ્થળાંતરિત ભારતીયો પણ ત્યાં જ છે – લગભગ ૪.૫ મિલિયન જેટલા. ત્યાર પછીના ક્રમે યુએઈ આવે છે.

વિદેશમાં રહેતા ભારતીયો ઘણીવાર ઇચ્છતા હોય છે કે તેઓ પોતાની માતૃભૂમિ માટે કોઈક રીતે મદદરૂપ થાય, પરંતુ એ બાબત અંગે મૂંઝવણ રહેતી હોય છે કે તેઓ કેમ કરીને પોતાના સામર્થ્ય પ્રમાણે દેશને મદદ કરી શકે, જેથી ન માત્ર જન્મભૂમિને પરંતુ પોતાને પણ ફાયદો થાય. એક રસ્તો એ છે કે પોતાના બચેલા નાણાંમાંથી અમુક ભાગ ભારતમાં નિવેશ કરવા ઉપરાંત પોતે જે તે દેશમાં રહેતા હોય તે દેશમાં ભારત વિષે, ભારતની સંસ્કૃતિ અને પરંપરા વિષે માહિતીનો પ્રચાર પ્રસાર કરી શકે છે. ભારત અંગે જો કોઈ ગેરસમજ તે દેશમાં પ્રવર્તતી હોય તો તેને દૂર કરે, ભારતમાં આવેલા પ્રવાસના સ્થળો અંગે માહિતી ફેલાવે જેથી દેશમાં વધારે પ્રવાસીઓ આવે અને દેશને આવક તો થાય જ પરંતુ આવનારા વ્યક્તિના મનમાં ઇન્ડિયા પ્રત્યે સદ્ભાવ જાગે. તેઓ ભારતમાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ અંગે પણ માહિતી આપી શકે અને જેમને જરૂર હોય તેને મેડિકલ ટુરિઝમ માટે અહીં આવવાની સલાહ આપી શકે. ભારતીય ઉત્સવો અને પરંપરાઓને પોતાના વસવાટના દેશમાં ઉજવીને, સ્થાનિક લોકોને તેમાં શામેલ કરીને દેશ પ્રત્યેની ગુડવિલ વધારી શકાય. આ ઉપરાંત તેઓએ એ વાતની હંમેશા કાળજી રાખવી જોઈએ કે તેઓ જેટલું સારું વર્તન કરશે, કાયદા-નિયમોનું પાલન કરશે તેટલી જ સારી છાપ ભારતની ઉપજાવશે. એટલા માટે વિદેશમાં રહેતા ભારતીયો પોતાને દેશ અને સંસ્કૃતિના પ્રતિનિધિ તરીકે, એમ્બેસેડર તરીકે જુએ તે આવશ્યક છે.

Don’t miss new articles