આ સપ્તાહ દરમિયાન કેન્યાના સર્વોચ્ચ ન્યાયાલયે રાષ્ટ્રપતિની ચૂંટણીના કેસનો નિકાલ આપી દીધો. હારેલા ઉમેદવાર રાયલા ઓડિંગાની બધી જ પિટિશનને ફગાવીને સર્વોચ્ચ ન્યાયાલયે કેન્યાના ચૂંટણી પંચના નિર્ણયને માન્ય ગણાવી વિલિયમ રૂટોને કેન્યાના પાંચમા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા જાહેર કર્યા. દુઃખી હૃદયે રાયલા ઓડિંગાએ સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયનો આદર કરશે તેવું જાહેર કર્યું અને શાંતિથી પરિણામનો સ્વીકાર થયો. અહીં ચૂંટણી પરિણામને લઈને હિંસા થવાની ઘટનાઓ બનવાનો ઇતિહાસ છે અને એટલા માટે લોકો ચિંતામાં હતા પરંતુ બધું સારી રીતે થાળે પડતા લોકોએ નિરાંતનો શ્વાસ લીધો અને પોતપોતાના કામે લાગ્યા છે.
વિલિયમ રૂટો આવતા મંગળવારે રાષ્ટ્રપતિ તરીકે સોગંદ લેશે અને તેના માટે ખુબ મોટી વ્યવસ્થા કરવામાં આવી છે. વિદેશથી કેટલાય રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, મંત્રી વગેરે આ ઉજવણીમાં ભાગ લેવાના છે અને પરિણામે નૈરોબીમાં કેટલાય વિદેશી મહેમાનો આવતા સપ્તાહ દરમિયાન જોવા મળશે.

અત્યારનો સમય કેન્યામાં ખુબ વ્યસ્ત ચાલી રહ્યો છે. તહેવારોનો માહોલ છે. બે-અઢી વર્ષથી જે ઉત્સવો મહાવી શકાયા નહોતા તેમને ખુબ ધામધૂમથી ઉજવવા માટે દરેક સંગઠન પુરજોશમાં તૈયારી કરી રહ્યા છે. મલયાલમ સંગઠન ઓણમની ઉજવણી કરવા ભગવાન અયપ્પાના મંદિરમા રોજ ફૂલોની રંગોળી કરે છે અને વિષ્ણુ પૂજા કરે છે. ફૂલોની આ રંગોળીને પુકોલમ કહેવાય છે. આ સપ્તાહના અંતે તો એકસાથે અનેક કાર્યક્રમો અને ઉત્સવો આયોજિત છે. ઓણમની ઉજવણી માટે મલયાલમ સિવાય પણ દક્ષિણ ભારતના લોકો મોટો મેળાવડો ગોઠવી
રહ્યા છે જેમાં દક્ષિણ ભારતીય સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત ત્યાંની સ્વાદિષ્ટ વાનગીઓ પણ પીરસવામાં આવવાની છે. કેરળના લોકોએ બનાવેલું લોર્ડ અયપ્પા મંદિર શ્રી રામ મંદિરના પ્રાંગણમાં આવેલું છે અને તેને વિસ વર્ષ થઇ ગયા છે.

કન્નડ સંગઠન દ્વારા શુક્ર-શનિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને બિઝનેસ ઇવેન્ટ પ્લાન કરવામાં આવ્યા છે. તેઓએ તો કન્નડના સુપ્રસિદ્ધ ફિલ્મ કલાકાર માનો મૂર્તિનો સંગીત જલસો પણ ગોઠવ્યો છે. આ ઉપરાંત તેઓએ કર્ણાટકના ભોજન, ગીતસંગીત અને નૃત્યના કાર્યક્રમો આયોજિત કર્યા છે. હજારોની સંખ્યામાં લોકો ત્યાં આવવાના છે અને આ કાર્યક્રમનો લાભ લેવાના છે.

એક સૌથી સારી વાત અહીંની એ છે કે દેશના દરેક વિસ્તારમાંથી આવેલા લોકો કેન્યામાં વસ્યા છે. તેઓ એકબીજા સાથે હળીમળીને તો રહે જ છે પરંતુ એકબીજાના તહેવારો સાથે મળીને ઉજવે છે. જે તે સંગઠન પોતાના તહેવાર પર કાર્યક્રમનું આયોજન કરે અને તેમાં બીજા ક્ષેત્રના થોડા ઘણા લોકોને આમંત્રિત કરે. સૌ સાથે મળીને તહેવાર ઉજવે અને મજા કરે.

અહીં ભાષાને લઈને પણ સારી જાગૃતિ છે. કેરાલાના લોકો પોતાના બાળકોને મલયાલમ, તામિલનાડુના લોકો તમિલ અને કર્ણાટકના લોકો કન્નડ ભાષા શીખવાડે છે. તેવી જ રીતે દેશના બીજા ભાગના લોકો પણ પોતપોતાની ભાષા અને સંસ્કૃતિ તેમની નવી પેઢીમાં જળવાઈ રહે તેવા ઉદેશ્યથી ભાષા જ્ઞાન અને સાંસ્કૃતિક જ્ઞાન પર સારો એવો ભાર મૂકે છે.

રવિવારે તો ઓસ્વાલ સેન્ટરમાં ચારેક હજાર જૈન ઓસ્વાલ સમુદાયના લોકો મળવાના છે અને સંવત્સરીનો કાર્યક્રમ ઉજવવાના છે. ઓસ્વાલ સેન્ટર અહીં એક બહુ મોટું સંગઠન છે અને તેની પોતાની શાળા પણ ચાલે છે. જૈન લોકોનું અહીંના વેપાર ધંધામાં સારું એવું વર્ચસ્વ છે. તેઓ ઘણા દાયકાઓથી અહીં આવીને વસ્યા છે, ખાસ કરીને આપણા સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના લોકો છે. તેમને અહીં વેપાર ધંધો સારો મળ્યો એટલે છ-સાત દાયકા પહેલા પણ અલ્પવિકસિત આફ્રિકાને તેઓએ ખેડ્યો અને પોતાના નસીબ અજમાવ્યા. જેમ કહેવાય છે કે કોયલાની ખાણમાંથી જ હીરો નીકળે તેમ તેઓને એ સમયે અંધારિયા ગણાતા આફ્રિકા ખંડમાંથી સમૃદ્ધિનો હીરો હાથ લાગ્યો છે જેને વધારે માવજત અને સંવર્ધનથી આ સમુદાયે ખુબ ચમકાવ્યો છે.

મોટાભાગના લોકો એવું કહે છે કે તેઓ કેન્યા આવ્યા પછી ક્યારેય તેમને અહીંથી પાછા ફરવાનું મન થયું જ નથી. અહીં તેમણે નાનું ભારત વસાવ્યું છે અને સુંદર હરિયાળા પ્રદેશમાં સમશીતોષ્ણ આબોહવા અને ઓર્ગેનિક ખાદ્ય પદાર્થોનો આનંદ લઈને તેઓ અહીં જ વસી જવા પ્રેરાય છે.

Don’t miss new articles