અત્યારે નોબેલ પ્રાઈઝની જાહેરાત થઇ રહી છે તો તેના વિષે કેટલીક રસપ્રદ વિગતો પણ સામે આવી રહી છે. વિશ્વનો સૌથી પ્રસિદ્ધ અને સૌથી મોટી ઈનામી રકમ ધરાવતો નોબેલ પુરસ્કાર જ્યારથી તેની સ્થાપના થઇ ત્યારથી જ ચર્ચા અને આકર્ષણનો વિષય રહ્યો છે. તેના સ્થાપક સ્વીડનના આલ્ફ્રેડ બર્નહાર્ડ નોબેલ કેમિકલ ઈજનેર હતા અને તેમણે ડાયનામાઈટ અને બીજા વિસ્ફોટકો બનાવીને ધનોપાર્જન કરેલું જેની ઘણા લોકો ટીકા કરતા હતા. જયારે તેમના ભાઈનું મૃત્યુ થયું ત્યારે એક ફ્રેન્ચ સમાચાર પત્રને એવું ભૂલ થઇ કે આલ્ફ્રેડ મૃત્યુ પામ્યા છે એટલે તેના સમાચાર છાપતા લખેલું કે મોતનો સોદાગર મૃત્યુ પામ્યો છે. આવા આલ્ફ્રેડ નોબેલ દ્વારા પોતાની અંગત ધન સંપત્તિથી નોબેલ પારિતોષિકની સ્થાપના કરી. પ્રથમ નોબેલ ઈ.સ. ૧૯૦૧ માં એનાયત થયેલું.નોબેલ પારિતોષિક વિષે કેટલીયે રસપ્રદ અને વિવાદાસ્પદ વાતો હોઈ શકે પરંતુ તે પૈકી બ્રિટાનિકા દ્વારા કેટલીક બાબતો તેની વેબસાઈટ પર રજુ કરવામાં આવી છે. એક બાબત તો એ છે કે નોબેલ પારિતોષિક પ્રાપ્ત વ્યક્તિઓમાં મહિલાઓની સંખ્યા ખુબ ઓછી છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં ૯૬૦ વ્યક્તિ અને ૩૦ સંસ્થાઓને નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યા છે પરંતુ તે પૈકી મહિલાઓ માત્ર ૬૧ છે. એટલે કે જે વિશ્વમાં લગભગ અડધો અડધી મહિલાઓ હોય તેમાંથી માત્ર ૬% મહિલાઓ જ નોબેલ પ્રાઈઝ માટે લાયક ઠરે તેવું હોય? આમ તો કેટલીય મહિલાઓના મહત્ત્વપૂર્ણ યોગદાનને નજર અંદાજ કરાયા હોય ત્યારે જ તેમની સંખ્યા માત્ર ૬% હોવી જોઈએ પરંતુ તે પૈકી જોસલીન બેલ બરનાલનુ નામ વારેવારે ચર્ચામાં આવે છે. પલ્સર તારાની શોધ કરવા માટે વૈજ્ઞાનિકોને નોબેલ પ્રાઈઝ તો એનાયત થયું પરંતુ તેના માટે કામ કરનાર વૈજ્ઞાનિકો પૈકી જોસલીન નામની મહિલા વૈજ્ઞાનિકને પુરસ્કારની યાદીમાં શામેલ કરવામાં નહોતી આવી. આ બાબતને લઈને ઘણીવાર નોબેલ સમિતિની ટીકા થાય છે.

નોબેલ શાંતિ પુરષ્કારની સૌથી વધારે ટીકા થતી હોય તેવું જોવા મળ્યું છે. કેટલાય એવા લાયક વ્યક્તિઓ છે કે જેને નોબેલ પુરષ્કાર ક્યારેય મળ્યો નથી – જેમ કે મહાત્મા ગાંધી. જો નેલસન મંડેલાને ગાંધી ચિંધ્યા રસ્તે સ્વતંત્રતા માટે અને રંગભેદ વિરુદ્ધ ચળવળ ચલાવવા નોબેલ મળી શકતું હોય તો ગાંધીને ખુદને કેમ નહિ? યાસર અરાફાત પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઈઝેશનના નેતા હતા અને તેમણે ઓસ્લો રેકોર્ડ પર સહમતી કરવા માટે ઈઝરાઈલના સાઇમં પેરેસ અને યિતઝક રબીન સાથે વિભાજીત નોબેલ શાંતિ પુરષ્કાર મળેલો. કહેવાય છે કે અરાફતની નેતાગીરી હેઠળ પણ પીએલઓએ હિંસક કૃત્યો તો કરેલા જ. બારાક ઓબામાને તો શાંતિ પુરષ્કાર તેની રાષ્ટ્રપતિ પદની શરૂઆતમાં જ મળી ગયેલું અને આપણે સૌ જાણીએ છીએ કે તેના બે વખત મળીને કુલ આઠ વર્ષના રાષ્ટ્રપતિ પદ દરમિયાન અમેરિકાએ કેટલાય હુમલા કર્યા જેમાં લખો લોકોના જીવ ગયા. વાત તો ત્યાં સુધી છે કે એકવખત હિટલરને પણ ૧૯૩૯માં નોબેલ શાંતિ પુરષ્કાર માટે નામાંકિત કરવામાં આવેલા! કહેવાય છે કે સ્વીડનના એક ધારાશાસ્ત્રીએ મજાક ખાતર જ હિટલરનું નામ પ્રસ્તાવિત કર્યું હતું પરંતુ સમિતિની યાદીમાં તે રહેલું અને જયારે આ બાબતની આખરી ટીકા થઇ ત્યારે સમિતિએ હિટલરના નામને પડતું મૂકેલું. આમ તો હિટલરને આપવામાં આવ્યું હોત તો પણ તે નોબેલ પારિતોષિક ન સ્વિકારાત તે વાત તો નિશ્ચિત છે કેમ કે વર્ષ ૧૯૩૫માં હિટલરના ખુબ મોટા ટીકાકાર એવા એક જર્મન પત્રકાર કાર્લ વોન ઓસિતઝકીને જયારે નોબેલ આપવામાં આવ્યું ત્યારે જ હિટલરે હુકમ બહાર પડેલો કે કોઈ જર્મન નાગરિક નોબેલ પારિતોષિક સ્વીકારશે નહિ! તો પછી તે પોતે કેવી રીતે લેતા? તેણે વિકલ્પ તરીકે જર્મન નેશનલ પ્રાઈઝ ફોર આર્ટસ એન્ડ સાયન્સની સ્થાપના કરેલી. રિચાર્ડ કુહનને ૧૯૩૮માં રસાયણ વિજ્ઞાન, એડોલ્ફ બ્યુટેનન્દને ૧૯૩૯માં રસાયણ વિજ્ઞાન, જોર્હાર્ડ ડોમાજકને ૧૯૩૯માં તબીબી વિજ્ઞાન માટે નોબેલ પારિતોષિક એનાયત થયેલા પરંતુ હિટલરે તેમને એ પુરષ્કાર સ્વીકારવા દીધા નહોતા. ઘણા સમય બાદ પરિસ્થિતિ બદલાતા આ વૈજ્ઞાનિકોએ પોતાના પુરસ્કાર સ્વીકારેલા.

કેટલાક વિજેતાઓએ નોબેલ પારિતોષિક ન સ્વીકાર્યા હોવાના કિસ્સાઓ પણ છે. જેમ કે જિન પોલ સાત્રે નામના ખુબ પ્રસિદ્ધ સાહિત્યકારે તેમને એનાયત થયેલ સાહિત્યિક નોબેલ પારિતોષિક સ્વીકારવાથી ઇન્કાર કરી દીધેલો. તેમની નીતિ હતી કે કોઈ ઓફીસીઅલ પારિતોષિક કે એવોર્ડ ન સ્વીકારવો અને તે નીતિ અનુસાર તેમણે ૧૯૬૪નું નોબેલ પણ ઠુકરાવી દીધેલું. ત્યારબાદ વર્ષ ૧૯૭૩માં લે ડ્યુક થો – વિયેતનામીઝ નેતા કે જેઓએ અમેરિકાના હેન્રી કિસીંજર સાથે વાટાઘાટો કરીને યુદ્ધવિરામ કરાવેલો તેમણે પણ કિસીંજર સાથે ભાગીદારીમાં મળનાર નોબેલ શાંતિ પુરષ્કાર સ્વીકારવાથી એવું કહીને ઇન્કાર કરેલો કે હજુ વિયેતનામમાં શાંતિ સ્થપાઈ ક્યાં છે?

આવા અનેક વિવાદો અને ટીકાઓના કેન્દ્ર બનેલા પરંતુ વિશ્વના સૌથી સુપ્રસિદ્ધ અને સૌથી મોટી રકમ ધરાવતા નોબેલ પ્રાઈઝની વર્ષ ૨૦૨૩ માટે પણ જાહેરાત થઇ ગઈ છે. જે પૈકી ભૌતિક વિજ્ઞાન માટે પિયેરે અગોસ્ટીની, ફેરેંક ક્રાઉસ તથા એન લ’હુલીયરને સંયુક્ત રીતે; રસાયણ વિજ્ઞાનનું પારિતોષિક માટે મોઉન્ગી બવેન્ડી, લુઈસ બ્રુસ અને એલેક્સિ એકીમોવને સંયુક્ત રીતે; તબીબી વિજ્ઞાન માટેનો પુરષ્કાર કેટલીન કારિકો અને ડ્રેવ વિસમેનને સંયુક્ત રીતે; સાહિત્ય માટે જોન ફોસ્સને સ્વતંત્ર રીતે; અર્થશાસ્ત્ર માટે ક્લોડિયા ગોલ્ડિનને અંગત રીતે તથા શાંતિ માટે ઈરાનની મહિલા નરગીસ અહમદીને સ્વતંત્ર રીતે એનાયત કરવામાં આવશે.

Don’t miss new articles