કેન્યામાં પ્રાણીઓ અને સફારીનું ખુબ મહત્ત્વ છે કેમ કે અહીં વન્યજીવને લાગતું પર્યટન અર્થવ્યવસ્થા અને રોજગારસર્જનમાં ખુબ અગત્યનું છે. અહીંના લોકોને પણ વન્યજીવ અંગે ખુબ લાગણી અને જાણકારી છે. વર્ષ ૨૦૧૮માં કેન્યામાં વિશ્વનો છેલ્લો બચેલ ઉત્તરી શ્વેત ગેંડો મૃત્યુ પામ્યો. તેનું નામ સુદાન અને ઉમર ૪૫ વર્ષની હતી. તે ગેંડાની ઉત્તરી શ્વેત ઉપજાતિનો આખરી નર ગેંડો હતો. હવે આ ઉપજાતિમાં માત્ર બે માદા જ બચી છે જે સુદાનની પુત્રી નાજિન અને પૌત્રી ફાતુ છે. વર્ષ ૨૦૦૯માં ચેક પ્રાણીસંગ્રહાલયમાંથી આખરી બચેલા બે નર અને બે માદા ઉત્તરી શ્વેત ગેંડાંઓને કેન્યાના ઓલ પેજેટા સંગ્રહાલયમાં લાવવામાં આવેલા. ઓલ પેજેટા ગેંડાંઓની સંવર્ધન શાળા છે જ્યાં વિશ્વના છેલ્લા બચેલા બે શ્વેત ગેંડા એન્ડ લગભગ ૧૪૦ જેટલા બ્લેક રાઈનો નિષ્ણાતોની દેખરેખ નીચે રાખવામાં આવ્યા છે.

આવો નિર્ણય લેવા પાછળનો ઈરાદો એ હતો કે ગેંડા પોતાના પ્રાકૃતિક વાતાવરણ તરફ આવશે અને જગ્યા બદલાશે તો કદાચ પ્રજોત્પતિ શક્ય બનશે. પરંતુ પ્રજોત્પતીના ચાર વર્ષના નિષ્ફળ પ્રયાસો બાદ સુદાનને આ કાર્યથી નિવૃત કરવામાં આવ્યો હતો. બંને માદા નાજિન અને તેની પુત્રી ફાતુના દક્ષિણી શ્વેત ગેંડા સાથેના પ્રજોત્પતીના પ્રયાસો પણ નિષ્ફળ નીવડ્યા છે. ઉત્તરી શ્વેત ગેંડાની ઉપજાતિ ઘણા સમયથી વિલુપ્તીના આરે હતી અને આ આખરી નર ગેંડો છેલ્લા કેટલાક વર્ષોમાં વૃદ્ધત્વને કારણે નાદુરસ્ત તબિયતથી જીવી રહ્યો હતો. તાજેતરમાં બીમારીઓને કારણે તેણે દેહત્યાગ કર્યો. હવે આ ઉપજાતિનું અસ્તિત્વ માત્ર સુદાનના થીજવીને રાખવામાં આવેલા શુક્રાણુઓનો ઉપયોગ કરીને અથવા તો બચેલી માળાઓ સાથે દક્ષિણી શ્વેત ગેંડા દ્વારા પ્રજોત્પતિ કરવાથી ટકી શકે તેમ છે.

ગયા વર્ષે ડેટિંગ એપ ટિંડર પર સુદાનનું એકાઉન્ટ ખોલવામાં આવેલું – જેનો ઉદેશ્ય આ વિલુપ્ત થતી ઉપજાતિ પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવા ઉપરાંત IVF માટે ભંડોળ એકઠા કરવાનો હતો. આ ટ્રીટમેન્ટ ખુબ મોંઘી હોય છે અને તેની સફળતાની સંભાવના પણ ઓછી હોય છે.


પૃથ્વી પર વસતા સસ્તાં પ્રાણીઓમાં હાથી પછી ગેંડા સૌથી મોટું પ્રાણી છે. ગેંડાની કુલ પાંચ પ્રજાતિ છે અને તેમાં શ્વેત ગેંડા માત્ર બે પ્રકારના હોય છે – ઉત્તરી શ્વેત અને દક્ષિણી શ્વેત. ઉત્તરી શ્વેતમાં હવે માત્ર બે માદા બચી છે જયારે દક્ષિણી શ્વેત ગેંડાની સંખ્યા અત્યારે લગભગ વીસેક હજાર જેટલી છે. આ ઉપરાંત કાલા ગેંડાની ચાર ઉપજાતિઓ છે અને તેમની કુલ સંખ્યા અત્યારે પાંચેક હજાર જેટલી છે. એક સીંગદા વાળા મહાકાય ગેંડાની પ્રજાતિમાં સાડા ત્રણ હજાર, સુમાત્રા ગેંડાઓમાં લગભગ સો અને જાવા ગેંડાઓમાં લગભગ સડસઠ બચ્યા છે. આ બધી જ પ્રજાતિઓ લુપ્તતાની નજીક પહોંચી રહી છે તે દુઃખની વાત છે. તેની સૌથી મોટું કારણ ગેરકાયદેસર રીતે ગેંડાંઓનો શિકાર છે. ગેંડાના સીંગડા ચીનમાં ઊંચી કિંમતે વેંચાતા હોવાથી ૧૯૭૦-૮૦ના દશકમાં તેમનો ખુબ શિકાર થયો. ચીનમાં ગેંડાના સીંગમાંથી કોઈક પ્રકારની દવા બનાવવામાં આવે છે. ઉપરાંત આફ્રિકાના યમન જેવા દેશોમાં ખંજરના હાથા બનાવવા માટે પણ તેનો ઉપયોગ થતો.

૧૯૬૦ની આસપાસ કેન્યામાં વિસ હજારથી વધારે બ્લેક રાઈનો – ગેંડા હતા. પરંતુ ગેરકાયદેસરના શિકાર – પોંચિંગ – ને કારણે ૧૯૮૦ સુધીમાં માત્ર ૩૦૦ ગેંડા બચેલા. ત્યારબાદ જાગૃતિ આવતા થયેલા સંવર્ધન અને સંરક્ષણના પ્રયાસોથી આ સંખ્યામાં થોડો વધારો તો થયો છે. અત્યારે કેન્યામાં લગભગ કુલ ૧૭૪૦ જેટલા ગેંડા છે જેમાંથી ૯૦૦ જેટલા બ્લેક ગેંડા છે. કેન્યાએ વન્ય જીવોના સંરક્ષણના ઘણા પ્રયત્નો કર્યા હોવા છતાંય કેટલીયવાર પોંચિંગના બનાવો બનતા હોય છે. ઉપરાંત દુષ્કાળ અને બીજા કારણોથી પણ વન્ય જીવોનો નાશ થઇ રહ્યો છે. હાથીઓની સંખ્યામાં પણ ઘણો ઘટાડો થયો છે અને અત્યારે ચાલી રહેલી દુષ્કાળની સ્થિતિને કારણે કેટલાય વન્ય જીવો કેન્યાથી ટાન્ઝાનિયાના કે યુગાન્ડાના જંગલોમાં પ્રયાણ કરી ગયા છે તેવું જોવા મળ્યું છે.