વાસ્તવિકતા અને ભ્રમમાં કેટલો તફાવત છે તે પણ વાસ્તવિકતા અને ભ્રમ જેવું જ છે. આપણે જેને વાસ્તવિકતા માનીએ છીએ તે આપનો ભ્રમ હોઈ શકે અને જેને અપને ભ્રમ સમજીને અવગણી દેતા હોઈએ છીએ તે જ સત્ય હોઈ શકે. સૃષ્ટિ અને જીવનમાં શું સત્ય છે અને શું મિથ્યા છે તે વ્યક્તિના શાણપણ પર આધાર રાખે છે. આ વિવેકબુદ્ધિ અને શાણપણ જ્ઞાનથી આવે છે જે બધા પાસે હોતું નથી. જ્ઞાનના આવા અભાવને પણ આપણે ક્યારેક અજ્ઞાનતા નહિ પરંતુ વાસ્તવિકતા માનતા હોઈએ છીએ – કેવો ભ્રમ?
વિશ્વમાં, ખાસ કરીને ભારતીય સંસ્કૃતિમાં આપણે પરલોકની વાત કરનારા કેટલાય લોકો જોઈએ છીએ. સદીઓથી ઋષિમુનિઓ અને શાસ્ત્રોમાં પૃથ્વીથી પર અલગ દુનિયા છે તેવું કહેવાતું આવ્યું છે. આ જીવનથી પહેલા અને જીવન પછી પણ આપણે આત્મા થકી અસ્તિત્વ ધરાવીએ છીએ તે વાત વારંવાર સમજાવવામાં આવવી છે. પરંતુ જો તે સત્ય હોય તો આ જીવન ભ્રમ છે કે પછી જીવનોત્તર અસ્તિત્વ ભ્રમ છે? જેને માયા કહીયે છીએ તે શું એક સપનું છે જે આખું જીવન આપણે જોઈએ છીએ અને આખરે મૃત્યુના સ્વરૂપે તૂટે છે એની આ સ્વપ્નની માયાવી દુનિયામાંથી આપણે વાસ્તવિક વિશ્વમાં પગ મૂકીએ છીએ? આવા પ્રશ્નો ગૂઢ અને અકળ તો છે પરંતુ તેમ છતાંય તેને સમજાવવા કેટલાય દર્શનશાસ્ત્રીઓએ સમયે સમયે મહેનત કરી છે. વિજ્ઞાન અને દર્શનશાસ્ત્રમાં ઘણો ફરક છે અને વિજ્ઞાનની નજરથી પર હોય તે બધું જ અવૈજ્ઞાનિક છે તેવું સમજનારા શાણા લોકો ક્યારેક માનવજાતના જ્ઞાનને જ સંપૂર્ણ માનીને અજ્ઞાનતાના વિશાલ વ્યાપને માપવાનું તો દૂર રહ્યું પરંતુ સ્વીકારવાનું પણ ભૂલી જતા હોય છે. આવી સ્થિતિ આપણને સૌને દુન્યવી અને માયાવી અભિગમ તરફ પ્રેરિત કરે છે.
વ્યક્તિએ જીવનની ટૂંકાઈ અને ક્ષણભંગુરતાને ધ્યાનમાં લઈને શું પોતાની બુદ્ધિની મર્યાદાને સ્વીકારવાની કોશિશ કરવી જોઈએ કે પછી જેટલું જોયું તેટલું ખરું અને જાણ્યું તેટલું સત્ય એવું માનીને પોતાનો વ્યાપ માર્યાદિત કરી લેવો જોઈએ. જો કે કેટલીય વખત અજાણ્યાનો આનંદ ઘણો વધારે હોય છે અને જાણવાનું દુઃખ અપાર. આવી સ્થિતિમાંથી બચવા માટે પણ લોકો દુન્યવી સૃષ્ટિને જ વાસ્તવિકતા માનીને જીવતા હોય છે. તેની સામે આ દુનિયાના દુઃખોની સામે એક આશા તરીકે કેટલાય લોકો પરલોકને વાસ્તવિકતા માનીને પણ જીવન વિતાવતા હોય છે અને આ જીવન પછી આનંદ અને સુખની પ્રાપ્તિના ખ્વાબોમાં રાચતા હોય છે. ખરેખર તો બે માંથી કઈ વાસ્તવિકતા છે અને ક્યુ સ્વપ્ન તે પણ આપણને ખબર હોતી નથી.
જેમ ગીતાના અગિયારમા અધ્યાયના આઠમા શ્લોકમાં ‘દિવ્યમ દદામિ તે ચક્ષુ: પશ્ય મેં યોગામઇશ્વરમ’ કહીને શ્રીકૃષ્ણ ભગવાં અર્જુનને પોતાનું પરમેશ્વર સ્વરૂપ જોઈ શકે તે માટે દિવ્ય દ્રષ્ટિ આપે છે તે રીતે આપણને પણ કોઈ દિવ્ય ચક્ષુ મળે તો કદાચ વાસ્તવિકતા અને માયા વચ્ચેનું સમય અને ભેદ બંને જોવા મળે. અત્યારે તો આપણે મનુષ્ય જીવનની મર્યાદામાં ન તો વાસ્તવિકતા કે ન તો ભ્રમ ને સમજવા સમર્થ છીએ.