ક્યારેક કોઈ પ્રોજેક્ટ હાથમાં લીધો હોય અને તેના માટે જેટલી મહેનત કે નાણાંનું કમિટમેન્ટ કર્યું હોય તેના કરતા વાસ્તવમાં ઘણું વધી જાય તેવું બને છે? જેમ કે ઘર બનાવવાનું શરુ કરીએ ત્યારે એક પછી એક ખર્ચ વધતો જ જાય છે. સાદો કલર કરાવવાનો હોય તેને બદલે ઊંચી ક્વોલીટીનો રંગ વાપરીને ઘરને વધારે સુંદર બનાવવું, બાથરૂમમાં પહેલા નક્કી કર્યા હોય તેના કરતા વધારે મોંઘા ફિટિંગ કરાવવા, ટાઇલ્સ પણ સાધારણ નંખાવવાને બદલે બહુ મોંઘી હોય તેવી પસંદ કરવી – આ રીતે કરતા કરતા ઘરનું બજેટ પહેલા નક્કી કર્યું હોય તેના કરતા અનેકગણું વધી જાય છે. આ રીતે આપણું કમિટમેન્ટ પણ વધતું જાય છે અને ઘણીવાર તો આપણે ગજાબહાર જતા રહીએ છીએ.
ક્યારેક આ રીતે કમિટમેન્ટ વધારવા માટે આપણી નાદાની જવાબદાર હોય છે. કોન્ટ્રાક્ટર કહે કે સાહેબ, એટલો ખર્ચ કરો છો તો ભેગાભેગ થોડું વધારે કરાવી લો. એકવારમાં પતી જશે. વળી એક બે જણના ઉદાહરણ આપે એટલે આપણને લાગે કે જો બીજા લોકો કરી શકતા હોય તો આપણે શા માટે ન કરી શકીએ? આ વખતે આપણું બજેટ, આપણી જરૂરિયાત વગેરે જેવા વિચારો મગજમાં આવતા નથી. માત્ર વધારે સારું કામ કરાવવાની, બીજા કરતા સારું દેખાવાની તમન્ના જ હોય છે જે આપણને કમિટમેન્ટ કરતા વધારે કામ કરાવે છે, વધારે ખર્ચ કરાવે છે. આ છે આપણી નાદાની. ભોળપણ કહો કે સમજદારીનો અભાવ. પરંતુ જરૂર ન હોય તેમ છતાંય પોતાને ખેંચ પડે તેવી સ્થિતિ ઉભી કરીને પછી તકલીફ ભોગવીએ છીએ.
કેટલીકવાર કોઈ કામ આપણે બહુ વાજતે ગાજતે હાથમાં લીધું હોય અને પછી તેને પૂરું કરવું કે આગળ વધારવું ફાયદાકારક ન હોવા છતાંય બીજા લોકોની નજરમાં નીચું ન દેખાવું પડે તેટલા માટે પણ આપણે મહેનત કરતા રહીએ છીએ, પૈસા અને પરસેવો વહાવતા રહીએ છીએ. એક સમય એવો આવે છે કે આપણને સમજાય જાય છે એક જે કરી રહ્યા છીએ તેનો વાસ્તવમાં આપણને કોઈ ફાયદો નથી, કે જરૂરિયાત નથી. પરંતુ હવે તે કામને છોડવું ભોંઠા પડવા જેવી સ્થિતિ ઉભી કરે તેમ હોવાથી આપણે તેને ચલાવ્યા કરીએ છીએ. આ છે આપણો ઈગો. આપણો અહંકાર. જાણતા હોઈએ કે આપણે ન કરવાનું કામ કરી રહ્યા છીએ અને તેમાં પરિણામ નુકસાન સિવાય બીજું કૈંજ આવવાનું નથી, તો પણ અહંકાર અને નાક રાખવાના ઇરાદે તે કામ કર્યા કરીએ છીએ.
આ ઉપરાંત ક્યારેક જોશમાં આવીને આપણે નાહકનું વધારે પડતું કમિટમેન્ટ કરી દઈએ છીએ. રસ્તા પર ગાડી ચલાવતા હોઈએ. પાસેથી બીજી કોઈ ગાડી આગળ નીકળી જાય. આપણને આંગળી ચાળો કરે અને મજાક ઉડાવે. આપણે જોશમાં આવી જઈએ. તે મારાથી આગળ કેમ નીકળી શકે? મારી ગાડી તો તેના કરતા મોટી છે. ઝડપ વધારીને તેનો પીછો કરીએ. ગતિ સીમાનું ઉલ્લંઘન કરીને આપણી સાથે બેઠલા લોકોનો જીવ તાળવે ચોંટી જાય તે રીતે ગાડી ચલાવીએ. આ છે નાહકનું જોશ. કોઈ જરૂર ન હોવા છતાંય બીજી ગાડીવાળાને બતાવી દેવા માટે થઈને આપણે આ પ્રકારનું વર્તન કરી છીએ.
સાતત્ય અને ઇતિહાસ પણ ક્યારેક આપણી પાસે આવી ભૂલ કરાવે છે. દરરોજ જે રસ્તેથી નીકળતા હોઈએ તે રસ્તો જાણીએ જ છીએ તેવો વિશ્વાસ કે પછી આપણે તો વર્ષોથી એવું કરતા આવ્યા છીએ તો આપણને તો બધી જ ખબર છે તેવો ભરોષો પણ આપણી પાસે ઓવર કમિટમેન્ટની ભૂલ કરાવી શકે છે. આપણે રોજ એક રમત રમતા હોઈએ અને તેમાં જીતતા હોઈએ તો આજે પણ જીતીશું જ તેવું માનીને બીજા સાથે મોટી શરત લગાવી દઈએ અને પછી હારી જઈએ તેવી સ્થિતિને શું કહેવાય? આ પ્રકારનો સાતત્ય કે ઇતિહાસ આધારિત અંધાપો. ગઈકાલે થયું એટલે આજે પણ થશે જ તેવું માની લેવાની આ મોટી ભૂલ છે.
આ બધા ઉદાહરણમાં, પરિસ્થિતિમાં સૌથી શ્રેષ્ઠ ઉપાય છે સમયસર ચેતી જવું. જયારે સમજમાં આવે કે હવે આ નુકસાનનો સોદો છે ત્યારે તેમાંથી નીકળી જવું. કોઈ શેર લીધા હોય. તેનો ભાવ ગબડ્યા કરે અને આપણે તેમાંથી નુકસાન લઈને નીકળી જવાને બદલે વધારે ઉમેરતા જઈએ તેવી સ્થિતિ જીવનમાં ઉભી થવા ન દેવી જોઈએ. આ સમજદારી આવી જાય ત્યારે આપણે વધારે પડતું કમિટમેન્ટ કરતા અટકીએ છીએ. નાહકના નુકસાન વેઠતા બંધ થઈએ છીએ.