દક્ષિણ કોરિયાએ એક દેશ તરીકે છેલ્લા ચારેક દશકામાં જે પ્રગતિ કરી છે તે પ્રસંશનીય છે. હ્યુન્ડાઇ, કિયા, એલ.જી., સેમસંગ વગેરે જેવી બ્રાન્ડ જ્યાં જન્મી અને વિશ્વમાં ફેલાઈ તે દેશ છે દક્ષિણ કોરિયા. ત્યાંના લોકો અંગ્રેજી ઓછું જાણે છે. પરંતુ તેમની આગવી આવડત અને મહેનતને કારણે, જીવનમાં પાલી પાલીની ફિલોસોફીનો અમલ કરીને તેઓએ જે રીતે વિશ્વભરમાં પોતાના દેશનું વર્ચસ્વ જમાવ્યું છે તે અપ્રતિમ છે. આજે દુનિયાનો એકેય ખૂણો એવો નહિ હોય જ્યાં સેમસંગ, હ્યુન્ડાઇ કે એલ.જી. જેવી બ્રાન્ડ નહિ પહોંચી હોય. તેમની ગાડીઓ, મોબાઈલ ફોન અને ગૃહ ઉપકરણો વિશ્વના દરેક દેશોમાં લોકો ખરીદે છે અને પોતાનું જીવન સરળ તેમજ ઉત્તમ બનાવે છે. આ ઉપરાંત હવે તો કોરિયન ક્લચરનો પ્રચાર પ્રસાર તેના સંગીત, ફિલ્મો અને સીરીઝને કારણે પણ થઈ રહ્યો છે. કે-ક્લચર તરીકે ઓળખાતી આ તેમની સાંસ્કૃતિક કુચ વિશ્વભરમાં ચાલી છે. યુવાનો આ કોરિયન સિરીઝ અને પોપના દીવાના બન્યા છે.
આ દક્ષિણ કોરિયામાં લોકો એક શબ્દસમૂહ બોલે છે: પાલી પાલી જેનો અર્થ થાય જલ્દી જલ્દી. આ શબ્દસમૂહ દક્ષિણ કોરિયાની સંસ્કૃતિમાં વણાયેલો છે અને તેના ઉપયોગ દ્વારા લોકો ઝડપ અને અનુકૂલનનો નિર્દેશ કરે છે. બદલાતી પરિસ્થિતિમાં કેવી રીતે ઝડપથી સેટ થવું, અનુકૂલન સાધવું તેનો ભાવ અહીં પ્રગટ થાય છે. સાથે સાથે કેવી રીતે પોતાના નિર્ધારિત લક્ષ્યોને હાંસલ કરવા પોતાની બધી જ ક્ષમતાને ઉપયોગમાં લેવી અને જેટલું બને તેટલું ઝડપી પરિણામ પ્રાપ્ત કરવું. જલ્દીથી વિચારવાની અને નિર્ણય કરવાની ક્ષમતા તેમજ ત્વરિત અનુકૂળ સાધવાની આવડત જ વ્યક્તિ અને સમાજને વાયુવેગે આવતા પરિવર્તનો સામે ટકી રહેવા, અનુરૂપ બનવા તેમજ સફળ થવા તૈયાર કરે છે.
આજનો સમય પરિવર્તનનો છે. બધું જ ઐતિહાસિક ગતિએ બદલાઈ રહ્યું છે. વિશ્વના કેટલાય ભાગોમાં યુદ્ધો ફાટી નીકળ્યા છે. દેશોની આંતરિક રાજકીય અને આર્થિક સ્થિતિ પણ વણસી રહી છે. આટલો નરસંહાર વિશ્વએ બીજા વિશ્વયુદ્ધ પછી ક્યારેય જોયો નથી. આજે વ્યાપેલી છે તેટલી અરાજકતા ભાગ્યે જ વિશ્વએ શાંતિના સમયગાળા દરમિયાન હોઈ હશે. સાથે સાથે નવી નવી શોધાયેલી ટેક્નોલોજીને કારણે કારખાનાઓ બંધ થઇ રહ્યા છે. લોકોના પારંપરિક વ્યવસાય નષ્ટ થઇ રહ્યા છે. પચીસ વર્ષથી એક જગ્યાએ નોકરી કરતા લોકોને તેમની નિપુણતા માટે બોનસ અને પગારવધારો નહિ પરંતુ નવી આવેલી ટેક્નોલોજી સાથે તાદાત્મ્ય ન સાધવાનો કારણે નોકરી-નિકાલ કરવામાં આવી રહ્યો છે. આવા નોકરી-નિકાલે કેટલાય લોકોના રોજગાર છીનવ્યા છે. તેમને પૈસા વિહોણા તો કર્યા જ છે પરંતુ સાથે સાથે તેમનું સ્વાભિમાન તોડ્યું છે. તેમનું મનોબળ તોડી પડ્યું છે.
આવી સ્થિતિમાં ટકી રહેવા માટે વ્યક્તિ પાસે એક જ ઉપાય હોય છે – નવી પરિસ્થતિને જલ્દીથી સમજીને તેને અનુકૂલન સાધવાનો. અહીં જરા પણ ઢીલ થાય તો બધું જ બગાડે છે. માણસે સજાવેલા સપનાને તૂટતાં એટલી જ વાર લાગે છે જેટલી વાર ગંજીપાના પાનાંથી બનાવેલા મહેલને હવાની લહેરથી પડતા લાગે. આપણી અસ્તિત્વ અને વજૂદ આ સમાજમાં ગંજીપાના મહેલ જેટલું જ છે. તેને વિખેરવા માટે કોઈ ભૂકંપની આવશ્યકતા નથી. માત્ર એક નાની લહેરકી પણ તેને જમીનદોસ્ત કરી શકે છે. તેવી જ રીતે એક નાનું એવું પરિવર્તન, નવી શોધ કે ટેક્નોલોજી હજારો લોકોની નોકરી ખાઈ શકે. અભ્યાસ અને નિપુણતાને નકામા બનાવી શકે. આજના જમાનામાં કોઈ જ પ્રકારની સ્થિરતા કે શિથિલતા ચાલી શકે તેમ નથી.
આવા સમયે આપણે પણ એટલા જ સજ્જ અને સાવચેત રહીને સતત બદલાતા વિશ્વ સાથે તાલમેલ મેળવતા શીખવું જોઈએ અને તે શીખવા માટે પહેલા તો તેવી માનસિકતા કેળવવી જોઈએ. થાઈ છે, ચાલી જશે, ધીમે ધીમે કરીશું, કાલે કરીશું – વગેરે જેવા શબ્દસમૂહો આપણને કામ લાગે તેવો સમય નથી. આજે તો પાલી પાલી જેવા દક્ષિણ કોરિયાના ક્લચરમાંથી શીખેલા દાર્શનિક વિચારને જીવનમાં ઉતારવા જેવો છે. પ્રતિકૂળતા અને નાવીન્યથી ડર્યા વિના, તેમને સારી રીતે સમજીને તેમના પર કાબુ મેળવવાની માનસિકતા કેળવવી જરૂરી છે. જો તેવું નહિ થાય તો પરિણામ શું આવશે તે આપણે સૌ જાણીએ છીએ.
તો તમે કેવી રીતે પોતાના જીવનમાં પાલી પાલીનો કરવા ઈચ્છો છો તેના અંગે વિચાર કરી જુઓ.