થોડા સમયથી પાન્ડેમિક અને કોવિડને લઈને ચિંતા ઓછી થઇ છે. લાગે છે કે વાઇરસનું સંક્રમણ ઘટ્યું છે અને તેનું જોર પણ ઓછું થયું છે. દુશ્મન નબળો થાય તેના માટે બે કારણ હોઈ શકે – એક તો દુશ્મન થાક્યો હોય, તેની તાકાત ઘટી હોય, અથવા તો તેની સામે લાડનારું આપણું સૈન્ય વધારે મજબૂત બન્યું હોય. રસીકરણ થયું છે અને તેને કારણે આપણી ઇમ્યુનીટી વધી છે. વાઇરસ પોતાની જાતને વધારે ને વધારે મજબૂત બનાવવા, રસીકરણ દ્વારા કે પહેલા જેને કોવિડ થઇ ગયો હોય તેના દ્વારા તૈયાર થયેલા એન્ટી-બોડીઝનો સામનો કરવા વાયરસે કોઈક નવી તરકીબ અજમાવવી પડે છે. આ તરકીબ એટલે મ્યુટેશન. વાઇરસ મ્યુટેટ થઈને, પરિવર્તન પામીને, નવા વેરિએન્ટ તૈયાર કરે અને નવી શક્તિ સાથે મેદાનમાં આવે છે જેથી તે એન્ટી-બોડી અને વેક્સિનને માત આપી શકે.

બીજી એક હકીકત એ પણ છે કે વાઇરસ એવો સજીવ (કે નિર્જીવ- તે અંગે પણ અલગ અલગ મંતવ્યો છે હો!) છે કે જે યજમાન શરીર વિના જીવી ન શકે, સક્રિય ન બની શકે. તેથી જો કોવિડને ટકવું હશે તો તેને માનવશરીરની આવશ્યકતા રહેશે. તે પોતાના યજમાનની પ્રજાતિને જ જો ખતમ કરી નાખશે તો તે ટકશે કેમ? એટલા માટે કુદરતના નિયમાનુસાર અમુક વર્ષોમાં દરેક વાઇરસ નબળો બનવા માંડે છે અને પછી તે માનવની સાથે સાથે ટકી રહે છે. જેમ કે વાઇરલ ફલૂ થાય તે પણ વાઇરસ જ છે, પરંતુ હવે તે નબળો પડી ગયો છે એટલે જેને લાગે તેનો બધાનો જીવ લઇ શકતો નથી. તે વર્ષોથી ટકી રહ્યો છે અને તેની સાથે સાથે યજમાન પ્રજાતિ એટલે કે માનવી પણ ટકી રહ્યો છે. જો કોરોના ઘાતક જ રહેશે અને દરેક માનવીને ભરખી જશે તો તે પોતે પણ નાશ પામશે તે વાત પણ સાચી છે. આ નિયમાનુસાર પણ હવે કોવિડ ધીમે ધીમે બિનઅસરકારક બનશે.

આ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક ખુલાશો ન હોઈ શકે પરંતુ ખરેખર તો વિજ્ઞાન પણ ક્યાં આ વાઇરસને સંપૂર્ણ રીતે પારખવામાં કે તેના અંગે ચોક્કસાઈથી આગાહી કરવામાં સફળ થયું છે? માટે આ અર્ધવૈજ્ઞાનિક તર્ક એટલા માટે સારો છે કે તેનાથી આપણે આશાવંત બનીએ છીએ. આપણને વાઇરસ સાથે જીવવા માટે, આ સૃષ્ટિમાં કોવિડ છતાંય ટકી રહેવા માટે એક ખુલાસો અને સ્પષ્ટીકરણ મળી રહે છે. અત્યારે આપણને સૌથી વધારે જો કશાની જરૂર હોય તો તે આશા જ છે ને? હા, સાવચેતી તો હજીયે રાખવી જ પડશે. વાઇરસની સામે ખુલ્લી છાતીએ લાડવા જવા જેવું નથી. પરંતુ તેનાથી ડરીને હવે ઘરમાં બેસી રહેવાની પણ જરૂર નથી. ૨૦૨૦માં તો આપણે ઉંદરની જેમ ઘરમાં ભરાઈને બેઠા હતા, અને આકસ્મિક રીતે ચાઈનીઝ કેલેન્ડરમાં તે વર્ષનું પ્રતીક પણ ઉંદર જ હતું. વાસ્તવમાં જ તેણે આપણને સૌને ઉંદર જેવા બનાવી દીધા હતા. પરંતુ ૨૦૨૧ના વર્ષનું પ્રતીક ચાઈનીઝ કેલેન્ડરમાં ઓક્સ એટલે કે બળદ છે. આપણે બળદ જેવી શક્તિ અને હિમ્મત સાથે બહાર નીકળવાનું છે અને તાકાત તથા મહેનતથી ટકી રહેવાનુ છે.

Don’t miss new articles