પશ્મિના શાલની ખાસિયત અંગે સૌ કોઈ જાણે છે. પશ્મિના શબ્દ પર્સીયન છે જેનો અર્થ થાય છે ઊનમાંથી બનાવેલું. આ શબ્દ એક ખાસ પ્રકારની કાશ્મીરની શાલ માટે વપરાવા લાગ્યો અને આજે તે એક વિશિષ્ટ પ્રકારની ઊનની શાલ માટે સમાનાર્થી બની ગયો છે. ભારતના લડાખ વિસ્તારમાં ઉછેરવામાં આવતી બકરીઓ કે જેના ઊનમાંથી આ શાલ બનાવવામાં આવે છે તેમને પણ હવે તો પશ્મિના બકરી તરીકે ઓળખવામાં આવે છે. આ બકરીઓ દર વર્ષે વસંતમાં શરીર પરથી વાળ – ઊન ખેરી દે છે. તે સામાન્ય રીતે ૧૦૦-૨૦૦ ગ્રામ જેટલું હોય છે. તેમાંથી હાથ વણાટ કરીને પશ્મિના શાલ બનાવવામાં આવે છે. શાલ બનાવનારા કારીગરો શ્રીનગર અને કાશ્મીરના વિસ્તારોમાં રહે છે, જયારે બકરીઓ ઉછેરનારા વિચરતી જાતિના લોકો લદાખમાં રહે છે. 

આ શાલ ખુબ મુલાયમ અને નાજુક હોય છે અને એટલા માટે તેને હંમેશા લક્ષરી માનવામાં આવી છે. વળી તેના પર હાથકારીગરીનું કામ કરીને કાશ્મીરમાં ખુબ સુંદર શાલ બનાવાય છે. આવી શાલ બનાવતા કારીગરને ઘણીવાર કેટલાય સપ્તાહ નહિ મહિનાઓ પણ લાગી જાય છે. વળી તેના પર જો બારીકાઇ વાળું હાથકારીગરીનું ભરતકામ કરવામાં આવ્યું હોય તો સમય ઘણો વધી જાય છે. એટલા માટે તે થોડી મોંઘી હોય છે. પરંતુ હાથ કારીગરીનો અને કુદરતપ્રદ વૈભવી મુલાયમતાનો તે ઉત્તમ નમૂનો છે. 

આ પશ્મિના હંમેશા કાશ્મીર સાથે સંકળાયેલ રહી છે અને પશ્ચિમી વિશ્વમાં તેનો પરિચય કાશ્મીરી વુલ તરીકે થયો હોવાથી ઘણીવાર તેને કેશમેર પશ્મિના તરીકે પણ ઓળખાય છે. કેશમેર શબ્દ પશ્ચિમી જગતમાં ખુબ પ્રખ્યાત બન્યો છે અને તેને ઘણીવાર કોઈ પણ પ્રકારના મુલાયમ ઊનના કપડાં સાથે સાંકળવામાં આવે છે. 

સુંદર હસ્તવણાટની પશ્મિના અને તેના પર કરાતી કલાકારીગરીના ઉત્તમ નમૂના પ્રદર્શિત કરવાના ઈરાદાથી ભારતીય ઉચ્ચાયોગે તાજ હોટેલમાં પશ્મિના અંગે એક કાર્યક્રમ કર્યો અને ત્યાં પશ્મિનાનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. જમ્મુ અને કાશ્મીર તથા લડાખથી આવેલા ત્રણ પશ્મિના વ્યાપારી તેમજ કલાકાર શ્રીમતી વરુણા આનંદ, શ્રી બાબર અફઝલ અને શ્રી એજાઝ અહમદ પોતાની સાથે પશ્મિના શાલ લાવેલા અને તેને આમંત્રિત મહેમાનો માટે પ્રદર્શનમાં મુકવામાં આવેલી. આ પ્રસંગે શ્રીમતી વરુણા આનંદ અને શ્રી બાબર અફઝલે પશ્મિના બનાવવાની પ્રક્રિયા અને તેની સાથે સંકળાયેલી હસ્તકારીગરીની કલા અંગે વક્તવ્ય પણ આપેલા. 

ભારતમાં આટલી સુંદર હસ્તકલા સદીઓથી વિકસી છે અને તેનો વૈભવી પ્રભાવ દેશવિદેશમાં ફેલાયેલો છે એ બાબત ગૌરવપૂર્ણ છે પરંતુ તેનો વધારે પ્રચાર પ્રસાર થાય અને તેનો નિકાસ વધે અને પશ્મિના બકરી ઉછેરનારા વિચારતી જાતિના લોકો તેમજ વણાટ કરનારા કારીગરોને વધારે રોજગાર અને સંમૃધ્ધિ હાંસલ થાય તે ઉદેશ્યથી ભારતીય ઉચ્ચાયોગે આ પ્રદર્શન અને કાર્યક્રમનું આયોજન કરેલું.  ભારત સરકાર પણ હસ્તકલાને જીવંત રાખવા તથા તેને પ્રોત્સાહન આપવા અનેક યોજનાઓ દ્વારા આવશ્યક સહકાર આપે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *