સમીર એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો અને પછી તેણે પોતાની ઓફિસ શરુ કરીને લોકો માટે એકાઉન્ટિંગનું કામ કરવાનું નક્કી કર્યું. તેના માટે તેણે બધું જ પ્લાંનિંગ કરી લીધું અને પછી થોડો સમય તૈયારી કરીને નોકરી છોડી. સ્વાભાવિક છે કે પોતાનો ધંધો જમાવવામાં થોડો સમય તો લાગે જ. આ સમય દરમિયાન તેની આવક નોકરીમાં મળતાં પગાર કરતા પણ ઓછી આવતી હતી. આ સમયે તેના એક બે મિત્રોએ તેના નિર્ણયની યોગ્યતા અંગે પ્રશ્ન કર્યા અને તેની કંપનીમાંથી પણ એકવાર ફોન આવ્યો કે જો સમીર ફરીથી નોકરીમાં જોડાવા ઈચ્છે તો કંપની તેને પગાર વધારીને લેવા તૈયાર છે. આ સમયે સમીરે નિર્ણય કરવો મુશ્કેલ હતો કે પોતાના આયોજનને અમલમાં મુકવા, પોતાના હેતુને પાર પાડવા પોતે નક્કી કરેલા રસ્તે ચાલવું કે પછી પાછા નોકરીમાં જોડાઈ જવું. લોકોની સલાહ બંને તરફ મળી રહી હતી. આખરે સમીરે નક્કી કર્યું કે તે નોકરીમાં પાછો નહિ જાય અને પોતાનો ધંધો જ જમાવશે. બે વર્ષ પછી સમીરની ઓફિસમાં પાંચ એકાઉન્ટન્ટ કામ કરતા હતા. તેનો ધંધો ખુબ સારી રીતે જામી ગયો હતો. નોકરીની આવક કરતા અનેકગણી કમાણી તેને પોતાની પ્રેક્ટિસમાંથી મળતી હતી.

સિંહને લાંબી છલાંગ મારવા માટે બે પગલાં પાછળ જવું પડે છે એ વાતનું ઉદાહરણ ક્યારેક આપણે કોઈ મોટા નિર્ણય કરવા અંગે આપીએ છીએ. જો પોતાની સ્થિતિમાં ધરખમ ફેરફાર કરવો હોય, મોટી છલાંગ મારવી હોય તો આપણે પણ થોડા સમય માટે થોભવું પડે, ગાડીનો ગેર બદલવો પડે અને પછી ફરીથી શરૂઆત કરવી પડે. આપણે જે ગતિએ આગળ વધી રહ્યા હોઈએ તે જ ગતિએ ચાલ્યા કરવા માટે તો કોઈ ઝાટકો લેવો પડતો નથી પરંતુ જો અચાનક જ ઝડપમાં વધારો કરવો હોય તો એક ઝટકા સાથે ગતિમાં વધારો કરવો પડે છે. ક્યારેક જીવનમાં મોટા નિર્ણયો કરવા માટે અને તેનો અમલ કરવા માટે આપણે પણ આ પ્રકારે એક ક્ષણ માટે ચાલતું હોય તે કાર્ય અટકાવીને, થોડા થોભીને, નવા કાર્ય માટે તૈયારી કરીને પછી નવી શરૂઆત કરવી પડતી હોય છે. આવું કરતી વખતે આપનો ચાલતો બિઝનેસ અટકાવવો પડે, કે તેને થોડો ધીમો કરવો પડે ત્યારે લોકોને લાગે છે કે આપણી પ્રગતિ અટકી ગઈ છે અથવા તો આપણે ઢીલા પડી ગયા છીએ પરંતુ વાસ્તવમાં તો તે આપનો તૈયારીનો સમયગાળો હોય છે જેના અંગે આપણા સિવાય ભાગ્યે જ બીજા કોઈને ખબર હોય છે.

આ બે ડગલાં પાછળ જઈને લાંબી છલાંગ માટે તૈયારી કરવાનો નિયમ આપણે જાણતા હોઈએ તો જયારે આવા તૈયારીના સમયે લોકોની વાતો સાંભળવી પડે, કે થોડો સમય ઠંડુ રહેવું પડે ત્યારે હતાશ ન થઇ જવાય તે જોવું આવશ્યક છે. લોકો જે નજરે આપણને જોતા હોય તેનાથી નાસીપાસ થવાને બદલે છલાંગ મારવાની તૈયારી પર ધ્યાન આપવું. જીવનમાં ચડાવ ઉતાર તો આવ્યા જ કરે અને લોકો પણ પોતાના મનમાં આવે તે રીતે વાતો કર્યા કરે છે પરંતુ આપણા પ્લાંનિંગ અનુસાર હિમ્મત રાખીને આગળ વધતા રહેવામાં જ શાણપણ છે. જો કે છલાંગ મારવાનો નિર્ણય કરતા પહેલા બધી જ તૈયારી કરી લેવી જોઈએ, અભ્યાસ કરી લેવો જોઈએ, જે નવું સાહસ કરવા જઈ રહ્યા હોઈએ તેના અંગે પુરી રિસર્ચ કરી લેવી જોઈએ અને પછી જ સમજી વિચારીને નિર્ણય લેવો જોઈએ. પરંતુ એકવાર નિર્ણય લઇ લીધા પછી, પોતાની શક્તિ અને ક્ષમતા પર ભરોસો રાખીને મક્કમ મને આગળ વધવું જોઈએ. રસ્તામાં આવતી અડચણોથી ડરીને, લોકોના મેણાં સાંભળીને કે થોડો થોભાવ જોઈને પાછીપાની કરવી નહિ.

સમીરની જેમ જ આપણે પણ પોતાના નિર્ણય પર વિશ્વાસ રાખવો જોઈએ અને થોડો સમય વધારે સંઘર્ષ કરીને પણ પોતાના લક્ષ્યને હાંસલ કરવા તત્પર રહેવું જોઈએ. આ વર્ષ પૂરું થવાનું છે ત્યારે તમારે પણ નવા વર્ષમાં જો કોઈ નવું સાહસ કરવાનું હોય તો તેના અંગે બધું પ્લાંનિંગ અત્યારથી શરુ કરી દો. જો કે વગર આયોજને કોઈ પગલું ભરવું નહિ, ઉતાવળે નિર્ણય કરવો નહિ. સમજી વિચારીને કરેલો નિર્ણય જ સાહસ કહેવાય છે, વગર વિચાર્યે લીધેલું પગલું સફળતા નહિ સંઘર્ષ જ નોતરે છે. જીવનમાં હંમેશા સાહસ અને આયોજનને એકસાથે રાખીને ચાલવું હિતાવહ છે.

Don’t miss new articles