ક્રિસમસ – નાતાલ – આવી રહી છે. ગિફ્ટ આપવાનો સમય છે. લોકડાઉન પણ ખુલી ગયું છે અને માર્યાદિત પ્રમાણમાં હળવા-મળવાનું પણ શરુ થયું છે. આ વર્ષની ક્રિસમસ આપણા સૌ માટે આશા લઈને આવી છે કે જો કોરોનાની રસી સફળ થઇ જાય તો આ રોગચાળાનો અંત આવે અને આપણી સૌની ગાડી પાટે ચડે.

જો તમારે પણ ક્રિસ્મસનું ગિફ્ટ આપવાનું થાય તો શું વિચાર કર્યો છે? દિવાળી પર મીઠાઈ તો ખુબ ખાધી હશે અને હવે કદાચ નાતાલ નિમિતે મહિનાના અંત સુધીમાં ફરીથી ચોકલેટ અને કેક ખાવાનું શરુ થઇ જશે. વાઈન અને કપડાં પણ ગિફ્ટની યાદીમાં ટોંચ પર હોય છે. ગ્રીટિંગ કાર્ડ્સ મોકલવાનું તો ખરું જ.

પરંતુ આ વર્ષના ક્રિસમસ ગિફ્ટની યાદી તૈયાર કરતી વખતે કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખીએ તો સારું કહેવાય.

૧. પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તેવી ગિફ્ટ આપવી: કોઈને માટે ગિફ્ટની પસંદગી કરતી વખતે પર્યાવરણ પર ઓછામાં ઓછું ભારણ પડે તેવી વસ્તુ પસંદ કરવાનો સંકલ્પ લેવો જોઈએ. કેટલાય વસ્તુ એવી હોય છે જે બનાવવામાં અનેક વૃક્ષઓ કાપવા પડે છે. કેટલીક વસ્તુઓ જૈવવિઘટનીય હોતી નથી જેથી તે જૈવતંત્રમાં વિઘટન પામતી ન હોવાથી વેસ્ટ તરીકે રહે છે. પ્લાસ્ટિકથી બનેલી વસ્તુઓ મોટા ભાગે જૈવ અવિઘટનીય હોય છે.

૨. ગરીબોને રોજગાર મળે તેવી ગિફ્ટ પસંદ કરવી: જયારે આપણે ભેંટ આપવા માટે કોઈ વસ્તુની પસંદગી કરતા હોઈએ ત્યારે તે કેવી રીતે બને છે અને ક્યાં બને છે તેના અંગે થોડું સંશોધન કરવું જોઈએ. કેટલીક વસ્તુઓ મશીનથી બનતી હોય છે અને કેટલીક હાથ-મહેનતથી. જેમાં જાત-મહેનત વધારે હોય, મેન્યુઅલ લેબર વપરાતી હોય તેવી વસ્તુઓ ખરીદવાથી વધારે લોકોને રોજગાર મળી શકે છે. જેમ કે હસ્ત વણાટના દુપટ્ટા કે હેન્ડ-પ્રિન્ટિંગ વાળા કપડાં. ક્યારેક હેન્ડ પેઇન્ટેડ કાર્ડ્સ પણ ખરીદી શકાય.

૩. ગિફ્ટ લેનાર પર બોજ ન પડે તેનો ખ્યાલ રાખવો: ક્યારેક આપણે એવી ગિફ્ટ લઈએ છીએ કે જેનાથી સામે વળી વ્યક્તિ પર પરત ભેંટ આપવા માટે મોટો ખર્ચો કરવાનો બોજ આવી ચડે છે. દર વર્ષે કેટલાય તહેવાર આવતા હોય છે અને દરેક તહેવાર પર વ્યક્તિ પર આવા ખર્ચનો બોજ આવે, અને તે પણ આવા કોરોનાના સમયમાં, તો તો તેનું દેવાળિયું જ નીકળી જાય. માટે, ગિફ્ટ એવી આપવી કે જેનું વળતર આપવામાં સામેની વ્યક્તિને ભાર ન લાગે. બધા લોકો રિટર્ન ગિફ્ટ આપતા હોય છે, માટે આર્થિક સ્થિતિનો તફાવત વધારે હોય ત્યારે આ બાબતનું ધ્યાન રાખવું વધારે જરૂરી છે.

૪. મીઠાઈ અને ખાદ્ય પદાર્થો શક્ય હોય તો ટાળવા: સામાન્યરીતે બધાના ઘરે તહેવાર પર મીઠાઈ અને ખાદ્ય પદાર્થોનો ઢગલો થઇ જતો હોય છે અને તેવી વસ્તુઓ ઝાઝો સમય ટકતી પણ ન હોવાથી શક્ય હોય તો આવી વસ્તુઓ આપવાનું ટાળવું જોઈએ. નહીંતર, એક જગ્યાએથી આવેલું મીઠાઈનું પેકેટ બીજી જગ્યાએ કરવા સિવાય કોઈની પાસે છૂટકો હોતો નથી. કયારેક કોઈને તંદુરસ્તીના પ્રશ્નો પણ હોય છે અને એટલા માટે કેટલીક વસ્તુઓ ખાઈ શકતા હોતા નથી. તેની પણ ધ્યાન રાખવું જોઈએ.

૫. પારસ્પરિક સ્નેહથી વધારે મોટી ભેંટ કઈ જ ન હોઈ શકે: આખરે એ વાત યાદ રાખવી કે પારસ્પરિક સ્નેહથી વધારે મોટી ભેંટ બીજી કોઈ જ ન હોઈ શકે. પોસ્ટથી મોકલેલ કાર્ડ કે ગિફ્ટ કરતા પ્રેમથી પાંચ મિનિટ ફોન પર કરેલી વાત વધારે મહત્ત્વ ધરાવે છે. તેનો અર્થ એ નથી કે નજીકના મિત્રો અને સગાઓને ગિફ્ટ ન જ મોકલવી પરંતુ વ્યક્તિગત સંપર્ક કરવાનું તો ન જ ચૂકવું. શક્ય હોય તો, ખાસ કરીને વડીલોના, ખબર અંતર પૂછવા જાતે જઈ આવવું સારું હોય છે પરંતુ અત્યારના કોરોનાના સમયમાં આ પગલું પણ સમજી વિચારીને જ લેવું.

તમે લોકો પણ નાતાલની તૈયારી શરુ કરો અને લોકોને માટે ગિફ્ટની પસંદગી કરો ત્યારે આ બાબતોને એકવાર ધ્યાનમાં લો તો સારું.

Don’t miss new articles