દિવાળી દર વર્ષે આવે છે. આપણે ચોપડાપૂજન કરીએ છીએ, ફટાકડા ફોડીએ છીએ અને ભગવાન રામના અયોધ્યા આગમનને ઉજવીએ છીએ. ઉત્સવ ઉજવવાનો આનંદ તો આવે છે પરંતુ દરેક ઉત્સવની તૈયારી ઘણી મહેનત માંગી લે તેવી હોય છે. ખાસ કરીને દિવાળી જેવો તહેવાર કે જે ધનતેરસથી લઈને ભાઈ બીજ સુધી પાંચ પાંચ દિવસ ચાલે તેના માટે તો કેટલી તૈયારી કરવી પડે? આખા ઘર સાફ થાય, મરમ્મત કરાવાય, ઘરનું દરેક વાસણ મંજાય, નવા કપડાં સીવડાવાય વગેરે વગેરે. આ બધી તૈયારી તો થઇ તહેવાર માટે ઘર તૈયાર કરવાની. પરંતુ તહેવાર માટે મન અને શરીરને તૈયાર કરવાનું શું?

આ દિવાળી પર ઘરની સાથે સાથે મન અને શરીરને તૈયાર કરવાનો પણ ઉપક્રમ બનાવીએ. જોઈએ કે આ વખતે કેવી રીતે શરીર અને મનને તહેવાર માટે તૈયાર કરીશું:

તહેવારમાં મીઠાઈ અને ભોજનના અતિરેકથી બચીએ: જો તહેવારને સારી રીતે માણવો હોય તો શરીર તંદુરસ્ત રહે તે આવશ્યક છે. ઘણીવાર દિવાળી જેવા મોટા તહેવારોમાં મીઠાઈ અને ભોજનનો અતિરેક થઇ જતો હોય છે અને તેને પરિણામે તહેવાર પર કે તહેવાર પછી કેટલાક લોકો બીમાર થઇ જાય છે. આ અંગે પહેલાથી જ સાવચેતી રાખવી જરૂરી છે. મિત્રો અને સગાસંબંધીઓ સાથે મળીએ ત્યારે સૌ આગ્રહ કરી કરીને ખવડાવતા હોય છે પરંતુ આ સમયે તેમને નમ્રતાથી જવાબ આપીને આપણા શરીરની મર્યાદા પ્રમાણે ભોજન અને મીઠાઈ ગ્રહણ કરવા આવશ્યક છે. તહેવારોના દિવસોમાં ભેંટમાં મીઠાઈ આપવાના રિવાજ હોવાથી તેની માંગ બહુ રહે છે. તેને કારણે કેટલીય વાર ઘરમાં ક્યાંકથી નકલી માવાની, કેમિકલ વાળી અને વાસી મીઠાઈ પણ આવી જતી હોય છે. આવી મીઠાઈ કે ભોજન ન તો પોતે આરોગવું કે ન તો કોઈને આપવું.

પૂરતો આરામ અને ઊંઘ કરવા: તહેવારના દિવસોમાં અલગ અલગ પરિવારો સાથે અને મિત્રો સાથે હળવા મળવાનું થતું હોય અને કેટલાય કાર્યક્રમો ગોઠવાતા હોય છે. આ બધા સામાજિક પ્રસંગોમાં શરીરને પૂરતી ઊંઘ મળતી નથી અને થાક લાગે છે. જેને પરિણામે તહેવાર પૂરો થતા સુધીમાં શરીર થાકી જાય છે અને પછીના કામકાજમાં અસર પડે છે. એટલા માટે પહેલાથી સામાજિક કાર્યક્રમો પર એવી રીતે નિયંત્રણ જાળવવું કે શરીરને આવશ્યક હોય એટલી ઊંઘ અને આરામ સતત મળતાં રહે. તહેવારના દિવસોમાં ફ્રેશ લાગવું પણ જરૂરી છે એટલા માટે પૂરતી ઊંઘ અને આરામને અવગણવા નહિ.

ઘરની જેમ પોતાની દિનચર્યાને પણ સ્વચ્છ બનાવીએ: ધીમે ધીમે આપણી દિનચર્યામાં એવી નકામી બાબતો ઘૂસતી જતી હોય છે જેનો આપણા જીવનમાં કોઈ ઉપયોગ કે ફાયદો હોતો નથી. તેનાથી આપણો સમય અને ઉર્જા વેડફાય છે. માનસિક તણાવ વધે છે અને પૈસાનો પણ વ્યય થાય છે. આ વખતે દિવાળી પર ઘર સાફ કરવાની સાથે એકવાર પોતાની દૈનિક પ્રવૃતિઓને પણ તપાસી જુઓ. જે નકામી હોય તેને પોતાના રોજિંદા કાર્યક્રમમાંથી કાઢી નાખો અને સમય બચાવો. તમારું શેડ્યુલ જેટલું સાફ રાખશો, માત્ર મહત્ત્વપૂર્ણ પ્રવૃતિઓ સિવાયની નકામી કાર્યવાહીઓથી બચશો તેટલો વધારે ફાયદો તમારી પ્રોડક્ટીવીટીમાં થશે.

ઘરની માફક સંબંધોમાંથી પણ કચરો કાઢી ફેંકો: જેમ જંગલમાં ઉગતી બધી જ વનસ્પતિ ઔષધ હોતી નથી તેમ સંપર્કમાં આવતા દરેક વ્યક્તિઓ પણ ફાયદાકારક હોતા નથી. કેટલાક લોકો આપણા જીવનમાં માત્ર અને માત્ર નકારાત્મકતા અને વિકાર લાવવાનું કામ કરતા હોય છે. એવા લોકોને ઓળખો અને ઘરમાંથી વંદા કાઢીએ તેમ કાઢી નાખો. તેમની પ્રત્યે જરાય સંવેદનશીલ બનવાની જરૂર નથી. તેઓ પોતાના જીવનમાં મસ્ત રહે તો રહે, આપણા જીવનમાં તેમને ઝેર ઘોળવા દેવાની જરૂર નથી. તેમની સાથે લડાઈ કે દલીલ કરવાની પણ આવશ્યકતા નથી, માત્ર તેમની સાથેનો સંપર્ક ઘટાડી નાખવો, તેમની સાથે ઓછામાં ઓછો વ્યવહાર રાખવો અને તેઓનું અસ્તિત્વ આપણા જીવનમાં છે જ નહિ તેમ વર્તન કરવું જેથી આપણા માનસપટ પર તેઓ કોઈ અસર ન જન્માવે. સંબંધોની સફાઈથી આપણી માનસિક શાંતિમાં અનેકગણો વધારો થઇ જશે.

ફટાકડાની જેમ જીવનમાંથી વ્યસન અને ચિંતાનો ભડાકો કરી નાખો: જે રીતે દિવાળી પર આપણે ફટાકડા ફોડીને ઉત્સવ ઉજવીએ છીએ તે રીતે જીવનના ઉત્સવને માણવા, શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવવા માટે વ્યસન અને ચિંતાને પણ ધુમાડે દેવી જરૂરી છે, ભડાકો કરવો જરૂરી છે. જો જીવનમાં આ બંને દુષણો રહેશે તો ક્યારેય શાંતિથી અને તંદુરસ્તીથી આયખું ભોગવી નહિ શકાય. આપણા મનમાં જે કોઈ ચિંતાઓ ઘર કરી ગઈ હોય તેમને શોધી શોધીને તેમાં આગ લગાડી દેવી, જે વ્યસનોના આપણે ગુલામ બની ગયા હોઈએ તેમને બોમ્બથી ઉડાવી દેવી આવશ્યક છે. આ દિવાળી પર પોતાના જીવનને વ્યસન અને ચિંતા મુક્ત બનાવવાની ઝુંબેશ ઉઠાવો.

દિવાળી તો દર વર્ષે આવવાની અને જવાની, પરંતુ આ વખતની દિવાળીને આપણા જીવનમાં વધારે યાદગાર બનાવવા, જેમ રામનું અયોધ્યા આગમન થયું ત્યારે સમગ્ર નગરી દીપથી પ્રજ્વલિત થયેલી તેમ આપણા જીવનને પણ પ્રજ્વલિત અને સુશોભિત કરવા માટે, શારીરિક અને માનસિક તંદુરસ્તીને લગતા આવા પાંચ પ્રકલ્પો ઉપયોગી થઇ શકે તેમ છે.

સૌને શુભ દીપાવલી.

Don’t miss new articles