બ્રિટિશ પ્રોફેસર સ્ટીફન હોકિંગનું નામ સાંભળ્યું છે ને? ‘એ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ’ના લેખક. તાજેતરમાં તેમના અંગત સામાન અને અગત્યના કાગળોનો વિશાળ સંગ્રહ તેના પરિવારે રાષ્ટ્રને ભેટ આપ્યો છે. પ્રખ્યાત વૈજ્ઞાનિક – ભૌતિકશાસ્ત્રી – સ્ટીફન હોકિંગનું અવસાન 14 માર્ચ 2018 ના રોજ 76 વર્ષની વયે તેમના કેમ્બ્રિજ ખાતેના ઘરમાં થયું હતું. તેના પરિવાર દ્વારા તેમની ઓફિસની સામગ્રી વિજ્ઞાન સંગ્રહાલયને અને દસ્તાવેજોનો બધો સંગ્રહ કેમ્બ્રિજ યુનિવર્સીટી લાઇબ્રેરીને આપવામાં આવ્યા છે. આ વસ્તુઓમાં વૈજ્ઞાનિકની વહીલચેર, વોઇસ સિન્થેસાઇઝર અને ઓરીજીનલ થીસીસ જેના આધારે તેમને ડોક્ટરેટ મળેલું તે બધાનો સમાવેશ થાય છે. તેના ચશ્મા, ઇન્ફ્રારેડ સેન્સર અને અન્ય નવીન સંદેશાવ્યવહારના ઉપકરણો જેનો ઉપયોગ કરીને તેમનો અવાજ ઉત્પન્ન કરવામાં આવ્યો હતો તે બધું વિજ્ઞાન સંગ્રહાલયમાં જોવા મળશે.

શા માટે પ્રખ્યાત વ્યક્તિના મૃત્યુબાદ તેમની વસ્તુઓને સાચવવામાં આવે છે તેવો પ્રશ્ન કદાચ થાય તો તેનું કારણ એ હોય છે કે તેમનું દસ્તાવેજી મૂલ્ય હોય છે અને જે લોકો આવી વસ્તુઓનો સંગ્રહ કરે છે તેઓ અમુક વર્ષો પછી તેમને નિલામીમાં વેંચીને અઢળક પૈસા પણ કમાઈ શકે છે. બીજો પ્રશ્ન એ થાય કે જો એ રીતે અઢળક પૈસા કમાવાની શક્યતા હોય તો પરિવારે શા માટે આ બધી વસ્તુઓ ભેંટમાં આપી દીધી? તેના જવાબમાં બે કારણો આપવા પડે. એક તો એ કે આવા મહાન વૈજ્ઞાનિકની વસ્તુઓ જેટલા વધારે લોકો જોઈ શકે, તેમાંથી પ્રેરણા મેળવી શકે તે મહત્ત્વનું છે. એક વ્યક્તિ કે પરિવાર કદાચ તેને રાષ્ટ્રીય વૈજ્ઞાનિક સંગ્રહાલય જેટલી સારી રીતે ન રાખી શકે અને એટલા વધારે લોકોને ન બતાવી શકે. બીજું એ કે બ્રિટિશ સરકારે પણ આ પ્રકારની ભેંટના બદલામાં મિલ્કત વારસાનો વેરો એટલે કે ઈન્હેરિટંસ ટેક્સ માફ કર્યો છે. વૈજ્ઞાનિકની ઓફિસની સામગ્રીની ભેંટની £૧૪ લાખ પાઉન્ડ અને દસ્તાવેજી કાગળોને £૨૮ લાખ પાઉન્ડ જેટલા મૂલ્ય સાથે સરખાવીને આટલી રકમના વેરાનું સમાધાન કરવામાં આવ્યું છે. આ રીતે સ્ટીફન હોકિંગના સંતાનોને તેની સંપત્તિનો વારસો મેળવવા માટે જે અઢળક વેરો આપવો પડે તેમ હતો તે બચી ગયો. આ વ્યવસ્થામાં સરકાર, વ્યક્તિ અને જનતા – બધાને ફાયદો થાય છે.

સ્ટીફન હોકીંગ નાનામોટા વૈજ્ઞાનિક નહોતા. ત્યારે તેના મગજનું વિશ્લેષણ કરતા સામે આવેલું કે તેઓ તે સમયના વિશ્વના સૌથી શ્રેષ્ઠ વૈજ્ઞાનિક હતા. જો કે તેમને મોટર ન્યુરોનનો રોગ થયેલો અને તેને કારણે તેઓ બાકીની પુરી જિંદગી વહીલચેર પર જ રહ્યા હતા અને તેમની બોલવા-ચાલવાની શક્તિ જતી રહી હતી. પરંતુ તેમની માનસિકક્ષમતા અને દ્રઢ મનોબળને કારણે આ અવસ્થામાં પણ તેઓ કામ કરતા રહ્યા, સંશોધન કરતા રહ્યા અને પુસ્તકો લખતા રહ્યા. એ બ્રિફ હિસ્ટ્રી ઓફ ટાઇમના ૧૯૮૮ના પ્રકાશન પછી હોકિંગે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી હતી અને તેઓ ટીવી શો ‘ધ સિમ્પસન્સ’માં પણ ઘણીવાર જોવા મળતા હતા. તેમનું કાર્ય બ્રહ્માંડની ઉત્પત્તિથી લઈને અંતરિક્ષના રહેલા બ્લેક હોલના રહસ્યો સુધીના સમયની મુસાફરી સમજવાનું હતું. તેમનો સૌથી પ્રખ્યાત સૈદ્ધાંતિક આવિષ્કાર એ હતો કે બ્લેક હોલ ખરેખર કાળા નથી, પરંતુ થર્મલ રેડિયેશન ઉત્પન્ન કરી શકે છે અને સંભવિત રીતે “બાષ્પીભવન” કરે છે. વૈજ્ઞાનિકોએ તેને “હોકિંગ રેડિયેશન” તરીકે ઓળખાવ્યા છે.કેમ્બ્રિજ આર્કાઇવમાં તેમના ૧૯૪૪ થી ૨૦૦૮ સુધીનાં પત્રો છે, જે તેમના પુસ્તક ‘અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઇમ’ નો પહેલો ડ્રાફ્ટ છે અને એવા બીજા પણ કેટલાય દસ્તાવેજો છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી લાઇબ્રેરીના કહેવા અનુસાર તેમની પાસે સર ઇસાક ન્યૂટન અને ચાર્લ્સ ડાર્વિન સાથે જોડાયેલા ૧૦,૦૦૦ પાનાના આર્કાઇવ્સ પણ છે. હવે સ્ટીફન હોકિંગના દસ્તાવેજો આવતા કેમ્બ્રિજ કહે છે કે ઇતિહાસના ત્રણ સૌથી મહત્વપૂર્ણ વૈજ્ઞાનિકોના દસ્તાવેજો/આર્કાઇવ્ઝ એક જ છત હેઠળ ઉપલબ્ધ થયા છે.


સ્ટીફન હોકિંગના બાળકો લ્યુસી, ટિમ અને રોબર્ટ છે અને તેઓએ તેમના પિતાના કાર્યને “આવનારી પેઢીના લાભ માટે” સચવાય તે હેતુથી આ ભેંટ આપી છે અને તેમને મ્યુઝિયમ અને લાઈબ્રેરીમાં જોઈને તેઓ ખુશ થશે.

સ્ટીફન હોકીંગ જાતે માનતા હતા કે વિજ્ઞાનની પહોંચ દરેક વ્યક્તિ સુધી હોવી જોઈએ અને એટલા માટે જ તેમણે ભૌતિકશાસ્ત્ર જેવા અઘરા વિષયને પણ લોકભોગ્ય બનાવ્યો હતો. તેમને આનંદ થશે કે સાયન્સ મ્યુઝિયમ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી લાઇબ્રેરી દ્વારા તેમનો વારસો જાળવવામાં આવી રહ્યો છે.

જે લોકો સ્ટીફન હોકીંગ વિષે વધારે જાણવા ઇચ્છતા હોય તેમને એક સરસ ફિલ્મ – ધ થીઅરી ઓફ એવરીથીંગ – જોવી ગમશે જે આ મહાન વૈજ્ઞાનિકના જીવનની ઝાંખી આપે છે.

Don’t miss new articles