યુકેમાં ધીમે ધીમે શાળાઓ ખુલવાનું શરુ થઇ રહ્યું છે અને હાઈસ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓ હવે શાળાએ જતા થશે. શાળા ખુલવાની સાથે સાથે એક મહત્ત્વનું કેમપેઇન સફળ થયું તે પણ નોંધવા જેવી બાબત છે. બન્યું એવું કે આ સપ્તાહ દરમિયાન સરકારે માર્ક્સ રાશફોર્ડ નામના ફૂટબોલ પ્લેયરના કેમપેઇનને કારણે શાળાઓમાં ભોજનના વાઉચર આપવા અંગેના નિર્ણયમાં ફેરફાર કર્યો છે. જે ગરીબ પરિવારના બાળકોને શાળામાં મફત ભોજન આપવામાં આવતું તેને કોરોના વાઇરસ લોકડાઉન દરમિયાન સરકાર ભોજન માટેના વાઉચર આપતી હતી. પરંતુ હવે લોકડાઉન પૂરું થતા આ વાઉચર આપવાનું બંધ થાય તેમ હતું. પરંતુ માર્ક્સ રાશફોર્ડ નામના ફૂટબૉલરે એક કેમપેઇન શરુ કર્યું અને ગરીબ લોકો કે જેમના બાળકો આ વાઉચર મેળવવા પાત્ર હતા તેમને વાઉચર મળવાનું ચાલુ રહે તેના માટે અપીલ કરી.

સોશ્યિલ મીડિયા પર ચાલેલા આ કેમપેઇનમાં લોકોએ પોતાના મંતવ્યો આપ્યા અને ગરીબ બાળકો માટે ભોજનના વાઉચરને ચાલુ રાખવાની માંગણીને સમર્થન મળ્યું. પ્રધાનમંત્રી બોરિસ જોહ્ન્સને આ કેમપેઇનને કારણે, લોકોની માંગણીને કારણે, ગરીબ બાળકોને વાઉચર આપવાની નીતિને લંબાવવાનો નિર્ણય કર્યો.

સારી વાત તો એ છે કે રાશફોર્ડનું કેમપેઇન સરકાર વિરુદ્ધ હતું, ગરીબોની માંગણી સામે સરકારના નિર્ણયને બદલવા માટે હતું, પરંતુ તેમ છતાં સરકારે રાશફોર્ડની પ્રસંશા કરી અને કહ્યું કે તેણે એક નાગરિક તરીકે પોતાની ફરજ બજાવી અને કેટલાય ગરીબોને સહાયરૂપ બન્યા છે. ૨૨ વર્ષીય રાશફોર્ડ પ્રીમિયર લીગમાં માન્ચેસ્ટર યુનાઇટેડ ટીમમાં ફોરવર્ડ પર રમે છે અને ખુબ લોકપ્રિય છે. બ્રિટિશ સોસાયટીની સારી વાત એ છે કે અહીં લોકો એકબીજાને સમ્માન અને સમાનતાની નજરે જુએ છે તથા સૌના મંતવ્ય વ્યક્ત કરવાના હકનો આદર કરે છે.

લોકડાઉન ખુલશે, ધીમે ધીમે નોકરી ધંધા શરુ થશે. પરંતુ લોકડાઉનની અસર અર્થવ્યવસ્થા પર દેખાવા મંડી છે. આ મહિને પ્રસિદ્ધ થયેલા સરકારી આંકડા દર્શાવે છે કે યુકેમાં ફુગાવાનો દર ચાર વર્ષના તળિયે પહોંચી ગયો છે. મે ૨૦૨૦નો ફુગાવો ૦.૫% છે જે એપ્રિલ ૨૦૧૬ના ૦.૮%ના લઘુતમ દર કરતા પણ નીચે આવ્યો છે. પેટ્રોલ, ડીઝલની કિંમત, ઘર વપરાશની વીજળી અને ગેસની કિંમત તથા કપડાંની કિંમતમાં થયેલ ઘટાડો ફુગાવાના દરને નીચે લાવવા માટે જવાબદાર છે.

આપણને નવાઈ પમાડે તેવી એક ચાઈલ્ડ ટેક્સ ક્રેડિટની જોગવાઈ યુકેમાં છે. આ ચાઈલ્ડ ટેક્સ ક્રેડિટ ગરીબ પરિવારને બાળકના ઉછેરમાં મદદ કરવા માટે સરકાર આપે છે. હવે નવી નીતિ અનુસાર ચાઈલ્ડ ટેક્સ ક્રેડિટને યુનિવર્સલ ક્રેડિટમાં ભેળવી દેવામાં આવશે. એટલે કે ચાઈલ્ડ ટેક્સ ક્રેડિટ હવેથી યુનિવર્સલ ક્રેડિટનો એક ભાગ બની જશે જેમાં અન્ય પાંચ-છ પ્રકારના ફાયદાઓ પણ મળવા પાત્ર છે. એક રીતે આ સરળીકરણની પ્રક્રિયા થઇ.

ગરીબ પરિવાર માટે યુકેમાં બાળકનું ભણતર અને દવા-દારૂ તો મફત જ છે પરંતુ કેટલાય અન્ય લાભો પણ સરકાર ગરીબ પરિવારોને આપે છે જેથી તેઓ બાળકનું ભરણપોષણ સારી રીતે કરી શકે. શાળાનો સમય આખા દિવસનો હોય છે અને ત્યાં શાળામાં જ તેમને ભોજન પણ આપવામાં આવે છે. ગરીબો પાસેથી ભોજનના પૈસા લેવામાં આવતા નથી જયારે અન્ય લોકોએ ભોજનનો ખર્ચ આપવાનો રહે છે. જેમના બાળકો શાળાએ જાય છે તેમનું કહેવું છે કે શાળામાં આપવામાં આવતા ભોજનમાં દૂધ, જ્યુશ, ફળ, સલાડ, વેજીટેરીઅન/નોન-વેજીટેરીઅન વાનગીઓ હોય છે.

ક્યાંક તો આ દેશમાં દરેક કામ માટે પૈસા લેવામાં આવે છે, પાર્કિંગનો દંડ કે ટ્રાફિક સિગ્નલનો દંડ પાંસઠ પાઉન્ડ એટલે કે લગભગ છ હજાર રૂપિયા છે અને પંદર દિવસમાં ન ભરો તો ડબલ થઇ જાય છે. તો તેની સામે કેટલીય સુવિધાઓ જરૂરિયાતમંદ નાગરિકને મફતમાં મળી રહે તેની જોગવાઈ પણ કરવામાં આવી છે. નેશનલ હેલ્થ સર્વિસ હેઠળ આરોગ્ય સેવાઓ તો દરેક નાગરિક અને વિદેશથી આવીને વસતા લોકો માટે ફ્રી જ છે. 

Don’t miss new articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *