રૂટિન – દિનચર્યાનું મહત્ત્વ જીવનની સફળતામાં કેટલું છે તે ભાગ્યે જ કોઈ અંદાજી શકે. દરરોજ, એક જ સમયે, એક જ કાર્ય પર નિયત સમય સુધી મહેનત કરવાથી પરિણામ કેટલું સુંદર આવે છે તેની કલ્પના માત્ર એ લોકો જ કરી શકે જેમણે આવી દિનચર્યા પાળી હોય અને તેનો ફાયદો મેળવ્યો હોય.

બે પ્રકારે મહેનત કરનારા લોકો હોય છે અને બંનેની સફળતાનાં કારણોમાં પ્રયત્નો હોવા છતાં તે અલગ અલગ પ્રકારે થયા હોય છે. એક તો એવા પ્રયત્નો કે જે નિયત સમયે, નિયત પ્રમાણમાં અને નિયમિત રીતે દિનચર્યા પાળીને કરવામાં આવ્યા હોય. બીજા એવા પ્રયત્નો કે જે પૂરજોશમાં, પુરી તાકાતથી અને જુસ્સાથી કરવામાં આવ્યા હોય અને સફળતા મેળવી હોય. અલગ અલગ પ્રકારનું વ્યક્તિત્વ અને અભિગમ આવા અલગ અલગ વલણ માટે જવાબદાર છે.

બે મિત્રો કોલેજમાં સાથે ભણતા. બંને વચ્ચે સતત કોમ્પિટિશન રહે. કોના માર્ક વધારે આવે તે જોવા તેના શિક્ષકો અને સહાધ્યાયીઓ પણ આતુર રહેતા. અને મોટા ભાગે એવું બનતું કે લગભગ બંનેના માર્ક સરખા જ હોય, એક-બે માર્કનો તફાવત હોય અને તે પણ ક્યારેક એક આગળ તો ક્યારેક બીજો આગળ. એટલે કોણ વધારે હોશિયાર એ કહી શકાય નહિ. તેમને પણ ખબર નહિ કે બંને પૈકી કોણ વધારે તેજસ્વી હશે. આવી સરખામણી તેઓએ તો ક્યારેક કરી પણ નહોતી. પરંતુ બંનેની કાર્યપદ્ધતિ તદ્દન અલગ. એક મિત્રની આદત એવી કે રોજ સવારે વહેલા ઉઠીને નિયમિત રીતે ત્રણ કલાક અભ્યાસ કરે. બીજો આરામથી ઉઠે પણ જેવું કામ સામે આવે કે તરત જ છ-સાત કલાક બેસી જાય, રાત જાગી નાખે અને કામ પૂરું કરે. એકમાં નિયમિતતા અને બીજામાં જુસ્સો. બંનેનું પરિણામ તો સારું જ આવે. આગળ જતા એવું બનવા લાગ્યું કે જોસ્સો ક્યારેક ઠંડો પડી જાય પરંતુ નિયમિતતા જીતી જાય. ધીમે ધીમે જુસ્સા વાળા મિત્રને અહેસાસ થયો કે તેના પ્રયત્નો ૧૦૦ મીટરની ટૂંકી દોડ જેવા છે. નાની રેસ તો જુસ્સાથી જીતાય પરંતુ લાંબી દોડ હોય, મેરેથોન હોય, તો થોડું થોડું જોર લગાવીને સતત દોડ્યા કરવું પડે છે. તરત જ તેણે પણ નિયમિતતા અપનાવી અને બીજા મિત્ર પાસેથી શીખ લીધી.

રોજ સવારે સમયસર દુકાને પહોંચી જનાર વેપારી સમય જતા ધનવાન બને જ છે પરંતુ નિયમિત રીતે કામે ન જનાર વ્યક્તિમાં કેટલીય આવડત કેમ ન હોય, તેની પ્રગતિ રૂંધાય છે. ક્યારે, ક્યાં અને કેવી રીતે તમે પ્રયત્ન કરો છો તે તમારી સફળતાનું પ્રમાણ નક્કી કરે છે. તમારા મોટા મોટા આયોજનને સફળ બનાવવા માત્ર થોડા થોડા શ્રમની જ આવશ્યકતા હોય છે. પરંતુ તેમાં સાતત્ય હોવું જરૂરી છે. મોટી ઇમારતો બનાવવામાં પ્રેરણા અને સંશાધનો કરતા પણ વધારે સાતત્ય, પ્રયાસ અને પરિશ્રમનો મોટો ફાળો હોય છે.

આ સાતત્ય જાળવવું, નિયમિતતા જાળવવી આસાન નથી. ક્યારેક કોઈ મિત્રનો ફોન આવી જાય છે અને મળવા બોલાવે છે તો આપણને લાગે છે કે ના કેમ પાડવી. ક્યારેક ટીવી પર કોઈ સારો કાર્યક્રમ આવવાનો હોય તો આપણે કામ માટે નિશ્ચિત ફાળવેલો સમય છોડી દઈએ છીએ, પછી કરી લઈશું અથવા તો આવતી કાલે ડબલ મહેનત કરી લઈશું – તેવા અભિગમને લીધી આપણે નિયમિતતા અને અખંડતા કેળવી શકતા નથી. મોટા પહાડોને તોડવા માટે પણ નાના હથોડાનો અને છીણીનો જ ઉપયોગ થાય છે. હથોડાના ઘા સતત માર્યા કરવાથી મોટા પથ્થરો પણ તૂટી જાય છે. નળમાંથી ટીંપે ટીંપે ટપકતું પાણી તેની નીચેના પથ્થરમાં ખાડો પાડી દે છે. બોડીબિલ્ડિંગ કરતા મિત્રને પૂછી જુઓ તો સમજાશે કે તે રોજ નિયત સમયે જિમ જઈને વ્યાયામ કરતો હશે. નિયમિતતાનું અને સાતત્યનું બળ આપણી ધારણા કરતા અનેકગણું હોય છે.

દિનચર્યામાં એક-બે કલાક એવી રાખો કે જે તમે જીવનના સૌથી મહત્ત્વના ગોલ માટે, જીવનની સૌથી મોટી મહત્ત્વાકાંક્ષા માટે મહેનત કરવામાં ફાળવો. આ સમયને તમારો અભેદ કોઠો બનાવી દો અને તેમાં કોઈ પણ કારણથી બાંધછોડ ન કરો. એક વર્ષ આવું કરીને જુઓ કેટલું સુંદર પરિણામ મળે છે. એક વર્ષ તો બહુ લાંબો સમય છે, માત્ર એક મહિના સુધી રોજની નિયમિત રીતે એક કામને એક કલાક ફાળવો અને પરિણામ જુઓ. તમને સમજાશે કે સફળતા માટે વધારે પરિશ્રમની જરૂર નથી, માત્ર નિયમિતતા અને થોડી થોડી મહેનતની જરૂર છે. જેમ નાની નાની બચત નિયમિત કરવાથી તેમાં ચક્રવૃદ્ધિ વ્યાજ ઉમેરાતું જાય છે અને કેટલાક સમય પછી ધાર્યા કરતા અનેકગણી રકમ હાથમાં આવે છે તેવું જ થોડા થોડા પરંતુ નિયમિત પ્રયત્નોનું પણ છે.

Don’t miss new articles