જયારે બે વ્યક્તિઓ લગ્નસંબંધે બંધાય ત્યારે એક અજાણી સફર પર હાથ પકડીને સાંકડી કેડી પર ચાલતા ચાલતા આગળ વધવાના ઇરાદે બે દોસ્ત નીકળ્યા હોય તેવો અહેસાસ થાય છે. ભલે ‘ને એ પ્રેમલગ્ન હોય કે પરિવાર દ્વારા કરાવાયેલા એરેન્જ્ડ મેરેજ, પણ પતિ-પત્નીને એ સંબંધમાં બંધાયા પછી અલગ જ અનુભવ થાય છે. પ્રેમી અને પ્રેમિકાના સંબંધ પતિ-પત્ની કરતા તદ્દન જુદા હોય છે અને તે અનુભૂતિ તો લાંબોસમય પ્રેમ સંબંધથી જોડાયેલું યુગલ પણ પરણતા સાથે જ કરે છે. કાલ સુધી નાદાન છોકરી જેવી લાગતી પ્રેમિકા અચાનક જ સંસારનું સુકાન પોતાના હાથમાં લેવા તૈયાર થઇ જાય છે. બે દિવસ પહેલા સુધી પપ્પાનો પુત્ર બનીને બિન્દાસ્ત જીવન જીવતો વ્યક્તિ પોતે જવાબદારી ઉઠાવવા અધીરો બને છે. આ મેચ્યોરિટી, પરિપક્વતા લગ્નની ગાંઠ લાગતાં જ વ્યક્તિના સ્વભાવમાં પેસી જાય છે.

સાથે જોડાયેલા રહેવું, જીવનનો એક તબક્કો પૂરો કરીને બીજા તબક્કામાં સાથે કદમ માંડવા અને ત્યારબાદ સુખદુઃખમાં સાથી બનવું માત્ર પતિ-પત્નીના સંબંધને નસીબે જ હોય છે. તેને બીજા કોઈ પણ સગપણ સાથે સરખાવી શકાય તેમ નથી. પિતા-પુત્રી, માં-દીકરો કે ભાઈ-બહેનના સંબંધો વિજાતિય હોવા છતાં જે તાદાત્મ્ય દામ્પત્ય જીવનથી જોડાયેલા યુગલમાં સધાય છે તે બીજા કોઈજ સંબંધમાં હોઈ શકે નહિ. જયારે બંને એકબીજા સાથે શરીર, મન, કારકિર્દી તથા સામાજિક મોભામાં સમાન હકથી જોડાય છે ત્યારે સ્ત્રી અને પુરુષ પોતાનું વ્યક્તિત્વ વહેંચીને પણ અખંડ બનાવી દે છે. તેમની વચ્ચે જે નિકટતા કેળવાય છે તે એકબીજા પર અધિકાર અપાવે છે પરંતુ આ અધિકારથીય વિશેષ તો તેમની એકબીજા પ્રત્યેની સ્વસ્વીકૃત ફરજો લગ્નજીવનનું બળ બને છે.

જે રીતે લગ્ન થતા જ પુત્રી પારકી થઇ જાય છે તે જ રીતે પુત્ર પણ પારકો થઇ જાય છે એ હકીકત દરેક પરિવાર અનુભવે છે. માતા-પિતાની સામાન્ય ફરિયાદ હોય છે કે પત્નીના આવ્યા પછી પુત્ર કાલની આવેલી સ્ત્રીનું તેમના કરતા પણ વધારે સાંભળે છે. આવું બને તેમાં કોઈ જ સંબંધને ઓછો આંકવા જેવું નથી. તેમાં માતા-પિતા પ્રત્યે પુત્રની લાગણી ઓસરાઈ ગઈ હોવાનું કહેવું એ મોટી ભૂલ છે. હકીકત તો એ છે કે જે બે વ્યક્તિઓ સાથે મળીને ભવિષ્ય ઘડવાના હોય તેમની વચ્ચે જ દ્રષ્ટિસામ્ય હોય ને? જેમ માતા-પિતા પોતે પણ પતિ-પત્ની બન્યા હોય ત્યારે સાથે મળીને સપનાઓ જુએ, તેમને સાકાર કરવા જીવનભર મહેનત કરે અને બાળકો થાય ત્યારબાદ સાથે મળીને તેમનો ઉછેર કરે તેમ આવનારી પેઢીએ પણ લગ્નપછી પોતાના જીવન માટે કરવાનું હોય છે. માતા-પિતા તેમની સહિયારી જવાબદારી હોઈ શકે પણ હમસફર તો પતિ-પત્ની જ કહેવાય.

પતિ-પત્નીના સંબંધ એક પ્રકારની મજબૂતીની સાથે સાથે આગવી મર્યાદા પણ ધરાવે છે. તેમની વચ્ચે નાજુક સંતુલન હોય છે જે હંમેશા જળવાઈ રહેવું જોઈએ. ગમે તેટલા ભેદભાવ સ્ત્રી-પુરુષ વચ્ચે સમાજ કરી લે પરંતુ ખરેખર તો લગ્નસંબંધમાં તેઓ સમાન છે અને એટલે જ તો સ્ત્રીને પુરુષની અર્ધાંગિની કહેવાય છે. અંગ્રેજીમાં પત્નીને બેટર હાફ કહે છે – એટલે ઉત્તમ અર્ધાંગિની કહી શકાય? ખરેખર તો એ વધારે અર્થસભર રહેશે. પુરુષની ઊર્જાથી ચાલી રહેલ સંસારને દિશા, સરળતા અને શાંતિ તો સ્ત્રીના સંસર્ગથી જ મળે છે. સ્ત્રીની ગેરહાજરીમાં અને તેની સાથે વિચાર-વિમર્શ કર્યા વિના લીધેલા પુરુષના નિર્ણયો ઘણીવખત અપરિપક્વ, ઉતાવળિયા અને અનુચિત સાબિત થાય છે. સ્ત્રી પોતાના સ્વભાવની મૃદુતાથી જીવનની કર્કશતા દૂર કરે છે અને તેને સુંવાળું બનાવે છે. જયારે લગ્નસંબંધમાંથી સમાનતા, સહમતી અને સાહચર્ય ઘટે ત્યારે તેમાં સમસ્યા પ્રવેશે છે અને તે આખરે વ્યક્તિના જીવનની શાંતિને હણી લે છે.

સારા લગ્નજીવન માટે ધન, વૈભવ કે દરજ્જાની નહિ પરંતુ સતત અને સફળ સંચારની એટલે કે વાર્તાલાપની જરૂર છે. જે દંપતી વચ્ચે વાતચીત સારી રીતે થાય છે તેમની વચ્ચે સંબંધનું માધુર્ય જળવાઈ રહે છે. ક્યારેક ઉભી થતી કડવાશ કે ગેરસમજ વાત કરવાથી દૂર થાય છે અને તેમનો એકબીજા પ્રત્યેનો પ્રેમ અને આસક્તિ જળવાઈ રહે છે. જો લગ્નજીવનમાંથી સમજણ, આદર અને હેત ઘટી જાય તો પતિ-પત્ની માટે સાથે રહેવું મુશ્કેલ બને છે અને એટલા માટે જ તેઓએ એકબીજાને શ્રેષ્ઠતમ માનીને સૌથી વધારે પ્રેમ, સમ્માન અને અનુરાગથી વધાવવા જોઈએ. પોતાના જીવનસાથી કરતા વધારે કોઈનેય મહત્ત્વ આપવું એ પોતાના જીવનના આધારને નબળો કરવા જેવું છે.

Don’t miss new articles