કદાચ આપણે ધર્મ, ન્યાય, સમતા જેવી સંકલ્પનાઓનો ભેદ ભૂલી ગયા છીએ એટલા માટે જ ક્યારેક એવું માનવા લાગીએ છીએ કે અમુક પ્રકારની ધાર્મિક વિધિનું ચુસ્તપણે પાલન કરવાથી બધા જ સદગુણો અને સદવ્યવહાર તેમાં સામેલ થઈ જાય છે. ધર્મનું પાલન કર્યું પરંતુ કોઈની સાથે અન્યાય થયો, સમતા ન જળવાઈ. પૂજા પાઠ કર્યા, ધાર્મિક પુસ્તકોનું વાંચન કર્યું, વ્રત ઉપવાસ કર્યા અને ધર્મના ઉપદેશો અનુસાર વર્ત્યા એટલે બધું જ સારું થઇ ગયું તેવું હોતું નથી. વાસ્તવમાં ધર્મ શબ્દ ભારત અને તેની આસપાસના વિસ્તારોમાં હજારો વર્ષોથી ઉપયોગમાં આવી રહ્યો છે પરંતુ તેનો અર્થ સમયે સમયે બદલાતો રહ્યો. આજે ધર્મને આપણે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ વગેરે જેવા સમૂહ સાથે સાંકળીએ છીએ પરંતુ ધર્મનો અર્થ આવી કોઈ માન્યતા સાથે જોડવાને બદલે અન્યત્ર જે રીતે ઉપયોગમાં આવે છીએ તે પણ સમજવાની કોશિશ કરવી વધારે અસરકારક ગણાય. જેમકે જૈવધર્મ કે ગુણધર્મ જેવા શબ્દોમાં ધર્મનો અર્થ અલગ છે. બરફનો ગુણધર્મ છે ઠંડક અને આગનો ગુણધર્મ છે ગરમી. આ ગુણધર્મ કેમેય કરીને બદલી શકાય નહિ. બરફનો કે આગનો એ ગુણ સાતત્ય ધરાવે છે, એ જ તેનો ધર્મ છે. આ સાતત્ય અને શાશ્વતતા એટલે ધર્મ. અહીં ધર્મ એટલે એવું સનાતન સત્ય કે લાક્ષણિકતા જેને બદલી ન શકાય. એ તર્ક પ્રમાણે ધર્મ જો શાશ્વત હોય તો તે કોઈ સમય, પ્રજા કે ભૂગોળ સુધી માર્યાદિત ન હોઈ શકે. તે સમયે સમયે બદલાઈ પણ ન શકે. પરંતુ આજે આપણે ધર્મને જે અર્થમાં સમજીએ છીએ તેની સાથે ન્યાય, સમતા વગેરે પણ આવરી લેવાની કોશિશ કરીએ છીએ.
જો વાત ન્યાય કે સમતાની કરીએ તો ધર્મને અલગ કરીને જોવો વધારે સહેલું પડે. ન્યાય તો કાયદા અનુસાર થાય, પછી ભલે તે કાયદો ગમે તે હોય. જે તે સમયે માન્ય કાયદાનું અનુસરણ થાય એટલે ન્યાય તોળાયો તેવું કહેવાય. કોર્ટમાં કેટલીયવાર ન્યાયધીશ એવું કહેતા હોય છે કે વાસ્તવિક પરિસ્થિતિ ગમે તે હોય અમે કાયદાથી બંધાયેલા છીએ. ક્યારેક આ સંદર્ભમાં કોઈને એવું કહેતા પણ સાંભળ્યા હશે કે કુદરતનો ન્યાય અદાલતના ન્યાય કરતા ઘણો પ્રભાવી છે – તેનો અર્થ ધર્મ કે સમતા વિષયક હોય છે. ઘણીવાર લોકોને એવું પણ લાગે છે કે તત્કાલીન કાયદાઓ સમાજમાં બધા વર્ગની આવશ્યકતાઓને ધ્યાનમાં લેતા નથી, કોઈ એક વર્ગ પ્રત્યે અન્યાય કરે છે. તે સમયે આપણે ખરેખર તો સમતા અંગે વાત કરી રહ્યા હોઈએ છીએ કેમ કે સમતામાં સમાનતા હોય તે જરૂરી નથી. જે કાયદો બધાને એકસમાન રીતે લાગુ પડે તે માનવીય ક્ષમતાનાં તફાવત અંગે આંધળો હોય તેવું બને. આ તફાવત માત્ર સમતાના આધારે લક્ષમાં લઇ શકાય અને પરિસ્થિતિનો યોગ્ય ઉપચાર કરી શકાય. સમતાનો અર્થ જ એ છે કે નબળાને અને સબળને અલગ રીતે હાંકવા. આવકવેરામાં ગરીબોને છૂટ આપવા અને અમીરો પાસેથી વધારે કર ઉઘરાવવા પાછળનો હેતુ જ સમતા જાળવવાનો છે. એવું ભાગ્યે જ બને કે બે વ્યક્તિઓ દરેક બાબતમાં સમાન હોય, તેમની બધી જ પરિસ્થિતિ અને ક્ષમતા સમાન હોય. કોઈને કોઈ પ્રકારની વિશેષતા દરેક વ્યક્તિમાં હોય છે જે તેમને બીજા લોકોથી અલગ પાડે છે. આવી વિશિષ્ટતાને ધ્યાનમાં રાખીને જે નિયમો બનાવવામાં આવે તે ન્યાય અને સમતા બંને જરુરીઆત પુરી કરી શકે છે.
પરંતુ આપણી સમજણ ધર્મ, ન્યાય અને સમતાને એકબીજા સાથે કન્ફ્યુઝ કરવા કેળવાયેલી છે કેમ કે તેમની વચ્ચે લાક્ષણિક ભેદ કરતા આપણે શીખ્યા જ નથી. આપણી એ માન્યતાઓને કારણે ક્યારેક એવી ગૂંચવાનો ઉભી થાય છે કે આપણે ખરા-ખોટાનો ભેદ કરી શકતા નથી. આપણા માપદંડો એટલા મૂંઝવી નાખે છે કે આપણે સાચું કરવાની ફિરાકમાં સારું કરવાનું ભૂલી જઈએ છીએ, સમાનતા જાળવવાની ઝંઝટમાં સમતા કેળવવાનું વિસરી દઈએ છીએ, ધર્મ નિભાવવાની ચિંતામાં ન્યાય કરવાનું છોડી દઈએ છીએ. તેમાં પણ સમયે સમયે બદલાતા જતા નૈતિક મૂલ્ય આપણને વધારે ગૂંચવી નાખે છે. આ બધાથી બચવા શ્રેષ્ઠ માર્ગ એ છે કે દરેક પરિસ્થિતિ અને વ્યક્તિને એવી રીતે મૂલવો કે સૌનું શ્રેષ્ઠ હિત જળવાઈ રહે.