માનવજીવનને હંમેશા કોઈક ડર તો રહે જ છે. તે પૈકી વિશ્વ સામે આવી રહેલા કેટલાક ભયાનક સંકટો અંગે આપણે રોજબરોજ વાંચતા કે સાંભળતા હોઈએ છીએ. પરમાણુ યુદ્ધ થઇ શકે, ભૂકંપ કે સુનામી જેવી કુદરતી આફત આવી શકે, કલાઇમેટ ચેન્જને કારણે જીવ સૃષ્ટિનો નાશ થઇ શકે વગેરે વગેરે. આ બધી જ એવી આફતો છે કે જે આવી શકે તેવી છે અને કદાચ આવશે પણ ખરી. પરંતુ એક નિશ્ચિત જ છે અને આપણી સામે આવી ઉભી છે તેવી સમસ્યા છે: પાણીની અછત.
વિશ્વભરમાં પાણીની અછત એવો પ્રશ્ન છે કે જે દરેક માનવ સામે આવી ઉભવાનો છે. આપણા ગુજરાતમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના ગામોમાં આજે પણ કેટલાક અંશે આ સમસ્યા છે. જો કે નર્મદાના નીર આવતા તેનો ઉકેલ આવ્યો તો ખરો પરંતુ જો નદીમાં પણ પાણી ઘટતું જશે તો શું થશે? ‘ડે ઝીરો’ શબ્દસમૂહ ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં સર્જાયેલી પાણીની આકસ્મિક અછતને માટે વપરાયેલો. તેનો અર્થ છે પાણી વિનાના દિવસ. આવા દિવસો વધારે ને વધારે શહેરોમાં આવી શકે તે માત્ર ભય નથી. ચેન્નાઈમાં પણ આવી જ સ્થિતિ આવી ગયેલી.
પૃથ્વીની ૭૦% સપાટી પર જળ હોવા છતાં એ સ્થિતિ છે કે ચોથા ભાગના માનવીઓના માથે ભયંકર જળસંકટ નાચી રહ્યું છે જેની તેમને ખબર પણ નથી. અત્યારે પ્રાપ્ય ભૂગર્ભીય અને જમીનની સપાટી પરના ૮૦% પાણીના જથ્થાનો ઉપયોગ આપણે દર વર્ષે કરીએ છીએ. વર્ષ ૨૦૫૦ સુધીમાં પાણીની માંગમાં ૫૫% જેટલો વધારો થવાની સંભાવના છે.
પૃથ્વી પર વસ્તી જેટલી ઝડપથી વધી રહી છે તેટલી ગતિથી કોઈ જ કુદરતી સ્ત્રોતોનો જથ્થો વધ્યો નથી. દર બાર પંદર વર્ષે આપણી પૃથ્વી પર સો કરોડ લોકો વધે છે. ઈ.સ. ૧૯૮૭માં ૫૦૦ કરોડની વસ્તી હતી જે ૧૯૯૯માં ૬૦૦ કરોડ થઇ અને ૨૦૧૧માં ૭૦૦ કરોડ થઇ. આજે તે ૭૭૦ કરોડની આસપાસ આવી ઉભી છે. એટલે કે લગભગ દર બાર વર્ષે ૧૦૦ કરોડ જેટલો વસ્તી વધારો થાય છે. આટલી મોટી માનવવસ્તીને પાણીનો વપરાશ પણ જોઈએ. વર્ષ ૨૦૩૫ સુધીમાં ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન પણ ૭૦% જેટલું વધારવું પડશે. જેમ જેમ ઔદ્યોગિકરણ વધ્યું તેમ તેમ અન્ય વસ્તુઓના ઉત્પાદન માટે પણ પાણીનો વપરાશ થવા માંડ્યો. પરિણામ આજે એ આવ્યું છે કે કૃષિ અને ઉદ્યોગો કુલ પાણીના વપરાશનો ૭૦% હિસ્સો વાપરે છે. અને તેમાં સતત વધારો થવાની શક્યતા છે.
રસપ્રદ અને છતાં દુઃખની વાત એ છે કે જે પ્રમાણે વિશ્વમાં વસ્તી ફેલાયેલી છે તે પ્રમાણે પાણીની પ્રાપ્તિ થતી નથી. વિશ્વના દરેક ત્રીજા વ્યક્તિને આજે સુરક્ષિત પીવાલાયક પાણી મળતું નથી. લગભગ ૪૦૦ કરોડ લોકો પાણીના અભાવે પૂરતી સ્વચ્છતા જાળવી શકતા નથી. સ્પેનથી લઈને પાકિસ્તાન અને ત્યાંથી હોર્ન ઓફ આફ્રિકા અને ત્યાંથી ફરી સ્પેન સુધીનો વિસ્તાર ‘તરસનો ત્રિકોણ’ કહેવાય છે. પાણીની સખત અછત ધરાવતા આ વિસ્તારમાં ૨૦૦ કરોડ લોકો રહે છે. તેમના માથે સતત જળસંકટ મંડરાતું રહે છે. તેની સામે કેનેડા અને રશિયા જેવા દેશોમાં જેટલા પાણીની ઉપલબ્ધી છે તેટલી વસ્તી નથી. વસ્તીની વહેંચણી બાબતે રાજકીય કારણો પણ જવાબદાર છે જયારે પાણી કુદરતી રીતે વહેંચાયેલું છે.
જળસંકટ અનિવાર્ય ઘટના છે અને તેના એંધાણ શરુ થઇ ગયા છે. તેનાથી ચેતવું આવશ્યક છે. ખબર નહિ આપણે વ્યક્તિગત ધોરણે કેટલું યોગદાન આપી શકીએ પરંતુ જેટલું પણ થાય તે આપવું જરૂરી છે. પ્રત્યક્ષ રીતે પાણીનો ઉપયોગ માર્યાદિત કરવો એક બાબત છે અને પરોક્ષ રીતે પણ પાણી બચાવવું બીજી બાબત. આ પૈકી બીજી બાબત ખુબ વધારે મહત્વ ધરાવે છે. કારણ કે એક કપ કોફી માટે ૧૫૦ લીટર પાણીની ખપત થાય છે – હા, ૧૫૦ લીટર. કેમ કે કોફી ઉગાડવા માટે, કોફી બનાવવાની સામગ્રી માટે પણ પાણી તો જોઈએ ને? આવા તો કેટલાય ઉદાહરણ લઇ શકાય જેમાં આપણે અતિશય પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને તેની આપણને ખબર પણ નથી. ઓટોમોબાઇલ અને કપડાના ઉદ્યોગો પણ બહોળા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરે છે. જરૂરથી વધારે સંસાધનોનો ઉપયોગ કરીને આપણે આડકતરી રીતે પાણીની અછતને વધારવાનું કામ કરીએ છીએ અને તેનાથી વિશ્વના કોઈક ખૂણામાં કોઈકના હાથમાંથી પાણીનો ગ્લાસ ખાલી થઇ રહ્યો હોય છે.