હર્ષદ મેહતાના જીવન આધારિત ‘સ્કેમ ૧૯૯૨: ધ હર્ષદ મેહતા સ્ટોરી’ સિરીઝ આજકાલ ખુબ લોકપ્રિય બની રહી છે. એક ગુજરાતી શેર દલાલની નાના પાયે કરેલી શરૂઆતથી લઈને દેશના સૌથી મોટા એડવાન્સ ટેક્સ પેયર બનવા સુધી તથા ત્યાંથી જેલ ભેગા થવા સુધી અને અંતે કસ્ટડી દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ થવા સુધીની સફર આ સિરીઝમાં બતાવવામાં આવી છે. ગુજરાતીનું ગૃહસ્થ જીવન, તેમની ખાવા-પીવાની આદતો, ઘર-પરિવારની પરંપરા, યુવાનના શેર-માર્કેટમાં પ્રવેશવાથી લઈને દેશની અર્થવ્યવસ્થાને ચલાવવા સુધીના સપના – એ બધું જ ખુબ સુંદર રીતે સ્કેમ સિરીઝમાં વણી લેવાયું છે.

એક ગુજરાતી તરીકે આપણે આ સિરીઝ જોઈએ તો ઘણી બધી વાતો આપણને સહજ લાગે. શેર બજારની વાતો, કેવી રીતે શેર ખરીદવા, વેંચવા, પૈસા કેવી રીતે ફેરવવા, મોટા સપના જોવા, માર્કેટિંગ સ્ટાઇલ અને બીજું ઘણું બધું આપણા માટે અજાણ્યું નથી. દેબાશીસ બાસુ અને સુચેતા દલાલ દ્વારા લખાયેલ પુસ્તક ‘સ્કેમ’ પરથી આ વેબ સિરીઝ બનાવવામાં આવી છે અને તેમાં પ્રતીક ગાંધીએ કરેલો હર્ષદ મહેતાનો રોલ જબરદસ્ત રહ્યો છે. શ્રેયા ધન્વંતરીએ સુચેતા દલાલ અને હેમંત ખેરે અશ્વિન મેહતાના પાત્રો બખૂબી નિભાવ્યા છે. રિલીઝ થતા જ આ સિરીઝ ખુબ લોકપ્રિય બની છે અને તેને IMDb પર લગભગ ૪૦ હજાર પ્રેક્ષકો દ્વારા સરેરાશ ૯.૬ સ્ટાર રીવ્યુ આપવામાં આવ્યા છે.

આમ તો મોટાભાગના ગુજરાતીઓને શેર માર્કેટ વિષે જ્ઞાન હોય છે અને ઘણાખરા લોકો શેરબજારમાં રોકાણ પણ કરતા હોય છે. પરંતુ શેરબજારના કાવા-દાવા અને ત્યાં ચાલતું પોલિટિક્સ આ સિરીઝમાં જોવા મળે છે. જયારે સરકારી તંત્રના નિયમોમાં ખામીઓ હોય અને સિસ્ટમમાં બેઠેલા લોકોની લાલચ વધી જાય ત્યારે હર્ષદ મેહતા જેવા લોકો સ્કેમ કરી જાય છે. સરકાર તો પછીથી જ ચોકન્ની બને છે અને શક્ય હોય તેટલા પ્રયત્નો કરીને છિદ્રો પૂરવાની કોશિશ કરે છે. પરંતુ તેમાં પણ કેટલા અંશે સફળ થઇ શકાય તે પ્રશ્ન હંમેશા ઉભો રહે છે. હર્ષદ મેહતા બાદ પણ બીજા કેટલાય સ્કેમ થયા જ છે અને કદાચ હજી ચાલી રહ્યા હશે જે આપણા ધ્યાનમાં આવ્યા નથી. આવા સ્કેમ માત્ર ભારત જ નહિ પરંતુ અનેક દેશોમાં વધતા ઓછા અંશે થતા જ હોય છે. તેની સામે ખરો ઉપાય શું હોઈ શકે તે અલગ વિષય છે.

હર્ષદ મેહતા અને તેના જેવા બીજા બ્રોકર્સ તે સમયે જે પ્રેક્ટિસ ચલાવી રહેલા તેને બિઝનેસ વર્લ્ડમાં સામાન્ય ગણી લેવામાં આવેલી. તેમને લાગેલું કે બધા લોકો કરે છે એટલે પ્રથા વાજબી છે, પછી ભલે તે નિયમોની વિરુદ્ધ હોય. સરકારે અત્યાર સુધી નથી પકડ્યા તો હવે તેને પકડવાનો કોઈ હક નથી; સરકાર જાણે છે પરંતુ તેમાં તેને કઈ વાંધો નથી – જેવી માન્યતાઓ ફેલાય છે. બધા નફો બનાવતા હોય તો પોતે પાછળ ન રહી જાય તેવા ભયથી બીજા લોકો પણ શક્ય હોય તેટલા આવી પ્રેક્ટિસમાં પડે છે. પરંતુ નિયમ આખરે નિયમ છે. તેનું ઉલ્લંઘન થઇ રહ્યું હોય તેનો અર્થ એ નથી કે નિયમ અસ્તિત્વમાં નથી. જયારે જરૂર પડે ત્યારે સરકારી તંત્ર, ન્યાયતંત્ર પોતાનું કામ કરી જ જાણે છે.

પરંતુ આવી પ્રેક્ટિસ કે જેને બધા લોકો ‘તેમાં શું ખોટું છે, બધા તો કરે છે’ કહીને આંખ આડા કાન કરીને અવગણી દેતા હતા તેને સુચેતા દલાલ જેવી ચોકન્ની પત્રકારે ખુલ્લી પડી, લલકારી અને તંત્રને તંદ્રામાંથી જગાડ્યું. આખરે વર્ષોથી થંભી ગયેલા પૈડાં ચિયાઉં કરીને ફરવાનું શરુ કરે તેમ તંત્રએ આળસ મરડી અને સંડોવાયેલા લોકોને પોતાના ભરડામાં લીધા. ગેરકાયદેસર કામથી લાંબો સમય ધંધો ન ચલાવી શકાય તે વાત ન સમજનારા હર્ષદ મેહતા અને તેના જેવા અનેક લોકોને આખરે સજા ભોગવવી પડી.

આખી સિરીઝ દસ એપિસોડની છે અને દરેક એપિસોડ લગભગ એકાદ કલાકનો છે. શરૂથી અંત સુધી પ્રેક્ષકોને જકડી રાખે છે. સૌએ, ખાસ કરીને ગુજરાતીઓએ, એકવાર તો જોવી જ જોઈએ. પરંતુ કમનસીબે યુકેમાં હજી આ સિરીઝ ઉપલબ્ધ નથી એટલે કે તો પરિવાર સાથે ભારતમાં વિડિઓ કોલ પર જુઓ અથવા તો થોડી રાહ જુઓ.

Don’t miss new articles