શાળા બંધ ન કરવાનું એક કારણ એવું હતું કે અહીં એવો કાયદો છે કે નાના બાળકને ઘરમાં એકલા ન છોડી શકાય. અહીંના પરિવારોમાં દાદા-દાદી સાથે રહેતા હોય તેવું ઓછું બને છે. વળી ઘરમાં પતિ-પત્ની બંને કામ કરતા હોય તે પરિસ્થિતિ પણ સામાન્ય છે. માટે જો શાળા બંધ કરી દેવામાં આવે તો બંનેમાંથી એકે ઘરે રહીને બાળકનું ધ્યાન રાખવું પડે. તેનાથી કર્મચારીઓની તંગી ઉભી થાય અને કેટલીય મહત્વની સેવાઓ અટકી પડે. તેવી જ રીતે દવાખાનાનો સ્ટાફ પણ રજા રાખે તેવું બને.
જો કે હવે ફૂટબોલ મેચ કેન્સલ થઇ ગયા છે. લંડનના મેયરની ચૂંટણી કે જે આ મેં મહિનામાં થવાની હતી તેને એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવી છે. આ વર્ષની બાળકોની મેં-જુનની પરીક્ષાઓ પણ મોડી લેવાય તેવી શક્યતા છે. કોલેજોએ તેમના ક્લાસ ઓનલાઇન શરુ કર્યા છે. તેમણે વિદ્યાર્થીઓને ઘરે રહીને ભણવા અને એસાઇન્મેન્ટ ઓનલાઇન સબમિટ કરવાની સૂચના આપી છે. કેટલાય ભારતીય વિદ્યાર્થીઓ કે જે અહીં ભણવા આવેલા તેઓ ઘરે પરત ગયા છે. અહીં દરવર્ષે લગભગ ત્રીસેક હાજર જેટલા વિદ્યાર્થીઓ ભારતથી આવે છે. પહેલા આ સંખ્યા ચાલીસેક હજારની હતી તે ઘટીને વીસેક હજાર થયેલા તેનું કારણ એ હતું કે ભણતર પૂરું થયા પછી વિદ્યાર્થીઓને બે વર્ષના વર્કવિઝા આપવામાં આવતા હતા તે બંધ કરી દેવાયા. તેનાથી વિદ્યાર્થીઓની કમાવાની તક જતી રહી. હવે તે ફરીથી શરુ કરવાની જાહેરાત થતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે.
ભારત સરકારે પણ વિશ્વભરમાંથી આવતા લોકોને અટકાવવા બધા જ વિઝા કેન્સલ કરી દીધા છે અને જેમની પાસે ઓવરસીઝ સિટિઝનશીપ ઓફ ઇન્ડિયા એટલે કે ઓસીઆઈ હોય તેમને પણ કેટલાક સમય માટે મોકૂફ રાખ્યું છે. એટલા માટે તેઓ ઇમર્જન્સી કારણ ન હોય તો ભારત પ્રવાસ ન કરી શકે. ભારતીય નાગરિકો માટે પણ યુરોપ અને યુકેથી ૧૮ માર્ચથી ૩૧ માર્ચ સુધી પ્રવાસ બંધ કરાયા છે. જે લોકો અહીં ફરવા કે અન્ય કારણો માટે આવેલા તેઓ ૧૮ તારીખ પહેલા પાછા ફર્યા છે. અને જે લોકો જઈ શક્ય નથી તેમને હવે ૩૧ માર્ચ પછી જવા મળશે તેવું થયું છે.
અહીં સરકારે વ્યાપારીઓ અને નાના બિઝનેસ માટે કેટલાય પેકેજ રજુ કર્યા છે. અગિયારમી માર્ચે યુકેનું બજેટ ચાન્સલર ઓફ એક્સચેકર શ્રી રીસી સુનકે રજુ કર્યું. હા, રીસી સુનક ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક છે અને તે આપણા નાણામંત્રીને સમકક્ષ હોદ્દો ધરાવે છે. થોડા દિવસો પહેલા નાટકીય રીતે પહેલાના ચાન્સલર ઓફ એક્સચેકર સાજીદ જાવીદે રાજીનામુ આપેલું. આ બજેટમાં પણ આરોગ્યક્ષેત્રે સારા એવા નાણાંની ફાળવણી કરવામાં આવી છે. ખાસ કરીને કોરોનાની અસરને પહોંચી વળવા કેટલીય નાણાકીય ફાળવણી કરવામાં આવી હતી.