યુકેમાં સિનેમા શરુ થઇ ગયા છે. સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ સાથે ટિકિટ વેચવામાં આવી રહી છે. એક પરિવારના લોકો હોય તો એક સાથે બેસી શકે નહીંતર દર્શકો વચ્ચે બબ્બે સીટ ખાલી છોડવામાં આવે છે. તેને કારણે ફિલ્મની ટિકિટ પણ થોડી મોંઘી થઇ છે. પરંતુ ક્રિસ્ટોફર નોલાનની ઘણા સમયથી રાહ જોવાઈ રહેલી ફિલ્મ ટેનેટ આવી છે અને સિનેમાઘરોને આશા છે કે તેનાથી તેમનો ધંધો ફરીથી શરુ થશે. એક ફિલ્મ પર આટલી મોટી આશા રાખવી આમ તો થોડું વધારે પડતું કહેવાય પરંતુ ઘણા સમયથી સિનેમા જોવા ન ગયેલા સિનેમા લવર્સની આતુરતા અને ક્રિસ્ટોફર નોલાન જેવા ડાયરેક્ટરની ટાઈમ મિસ્ટરી સાગા ફિલ્મ બંને મળીને કદાચ કમાલ કરી જાય તેવું લાગી રહ્યું છે. ફિલ્મ અત્યારે તો હિટ ચાલી રહી છે.
છેલ્લા કેટલાક સમયથી અહીં પરીક્ષા અને માર્કશીટને લઈને ડિબેટ ચાલી રહી છે. ઈંગ્લેન્ડમાં GSET ના પરિણામોને અલ્ગોરિધમની મદદથી તૈયાર કરવામાં આવ્યા છે. તેનાથી કેટલાય વિદ્યાર્થીઓ અને વાલીઓ નારાઝ છે. તેમનું કહેવું છે કે આ અલ્ગોરિધમ વિદ્યાર્થીઓના વાસ્તવિક જ્ઞાનને ચકાસવા પૂરતા નથી. પરિણામ આવતા પહેલા જ તેના અંગે કેટલાય લોકોએ વિરોધ નોંધાવેલો. હવે જયારે પરિણામ આવી ગયા છે તો વિરોધ વધી ગયો છે. તેને લઈને રાજનીતિક ડિબેટ પણ ચગી છે. વિરોધ પક્ષે માંગણી કરી કે ગેવિન વિલિયમસન, એડ્યુકેશન સેક્રેટરી (આપણા શિક્ષણ મંત્રી સમકક્ષ) પોતાનું રાજીનામુ આપે. પરંતુ સરકારે પરીક્ષા નિયંત્રક બોર્ડ ઓફકવેલના હેડ સેલી કોલિયેરનું રાજુનામુ લઇ લીધું છે અને મામલો થાળે પાડવાની કોશિશ કરી રહી છે.
શાળાને લાગતો જ બીજો ચર્ચાનો મુદ્દો છે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહથી બાળકોની શાળાએ જવાની શરૂઆત. બોરિસ જોહન્સન, પ્રધાનમંત્રીએ જાતે જ બધા વાલીઓને અપીલ કરી છે કે તેઓ પોતાના બાળકોને શાળાએ મોકલે. વિદ્યાર્થીઓ માટે એ જરૂરી છે કે તેઓ અધિકૃતિ શિક્ષણની શરૂઆત જલ્દી કરે. પાંચ મહિના ઘરે રહ્યા બાદ બાળકોને શાળાએ જવાથી ફાયદો થશે. શાળાએ જવાથી ઉભા થતા ખતરા કરતા બાળકોને ઘરે રહીને લાંબાગાળે વધારે નુકસાન થશે તેવું કહીને પ્રધાનમંત્રીએ આ અપીલ કરી છે. શાળામાં બાળકોએ ખુલ્લા વિસ્તારમાં માસ્ક પહેરવા ફરજીયાત બનાવાયા છે. ક્લાસ રૂમમાં તો સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ જાળવી શકાય પરંતુ જયારે બાળકો લોબીમાં કે મેદાનમાં હોય ત્યારે સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ જાળવવું મુશ્કેલ બની શકે. કેમ કે હાલતાં ચાલતા કોઈને અથડાઈ જવાય કે બીજું કોઈ બાજુમાંથી પસાર થઇ શકે. એટલા માટે ત્યાં માસ્ક પહેરવા ફરજીયાત બનાવાયા છે.
સરકારે ‘ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ’ વાળી રેસ્ટોરન્ટમાં ૫૦% કે ૧૦ પાઉન્ડ બે પૈકી જે ઓછું હોય તે ડિસ્કાઉન્ટ આપવાની સ્કીમ બહાર પાડીને ઓગસ્ટ મહિનામાં લોકોને બહાર નીકળવા પ્રોત્સાહન આપ્યું. જેથી ધીમે ધીમે ધંધા રાબેતા મુજબ ચાલતા થાય. સરકારી આંકડા અનુસાર ૮૪,૦૦૦ જેટલા રેસ્ટોરન્ટે આ સ્કીમમાં ભાગ લીધો છે અને ડિસ્કાઉન્ટ આપ્યું છે. ૩૧ ઓગસ્ટ સુધી ચાલનારી આ સ્કીમ દ્વારા ૧૮ લાખ નોકરીઓ બચાવવાનો ઉદેશ્ય છે. સોમ-બુધવાર દરમિયાન આ સ્કીમ લાગુ પડે છે અને ૨૦૧૯ના ઓગસ્ટ મહિનાની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટમાં ૬૧% વધારે લોકોએ સોમ-બુધવાર દરમિયાન રેસ્ટોરન્ટમાં ખાધું છે. આ વર્ષે પ્રવાસીઓ ન આવ્યા હોવા છતાં આટલો મોટો આંકડો રેસ્ટોરન્ટમાં જનારાનો આવ્યો હોય તો તે ખરેખર જ સ્કીમની સફળતા છે.
એક તરફ તો લોકો હવે ધીમે ધીમે પોતાનું સામાન્ય જીવન જીવવાની શરૂઆત કરવા તત્પર છે અને બીજી તરફ યુકેમાં કોરોનાના કેસોની સંખ્યા ફરીથી વધવા લાગી છે. આજે ૧૭૦૦થી વધારે કેસ આવ્યા છે. ૪થી જૂન પછી પ્રથમ વખત આટલા કેસ એક દિવસમાં આવ્યા છે. નહીંતર તો રોજ ૧૦૦૦થી પણ ઓછા કેસ આવતા હતા. શાળા શરુ કરવાનો ઉદેશ્ય પણ એક તો એ જ છે કે બાળકો શાળાએ જાય તો કામ કરતા હોય તેવા માતા-પિતા પણ ઓફિસે જઈ શકે. કેમ કે બાળકને એકલા છોડીને જવું અહીંના કાયદા વિરુદ્ધ છે. પરંતુ વધી રહેલા કેસને કારણે ફરીથી સરકારે કોઈક નિર્ણય લેવો પડી શકે તેવું લાગી રહ્યું છે.