સ્કોટલેન્ડનું નામ કદાચ સ્કોચ વીસ્કી માટે સૌથી વધારે જાણીતું છે. તેના ઉપરાંત, સ્કોટલેન્ડ હરવા-ફરવા માટે સુંદર પહાડ, સરોવરો અને ખેતરોથી ભરપૂર દ્રશ્યો પુરા પાડે છે. એવું કહેવાય છે કે સ્વિઝર્લેન્ડ કરતા પણ સ્કોટલેન્ડની સુંદરતા વધારે રમણીય છે. શિયાળામાં બરફાચ્છાદિત પહાડો તો જાણે પોસ્ટકાર્ડ પર બનાવેલા ચિત્રો જોઈ લો. આખરે પોસ્ટકાર્ડના ચિત્રો પણ ક્યાંકથી તો લેવાયા હશે ને? શક્ય છે ઘણાખરા તો સ્કોટલેન્ડ અને સ્વિઝર્લેન્ડમાંથી જ આવ્યા હોય. અહીં બોલીવુડની વીસેક જેટલી ફિલ્મોના શૂટિંગ થયા છે. સૌથી વધારે પ્રખ્યાત તો કુછ કુછ હોતા હૈ ફિલ્મનું શૂટિંગ અહીં થયેલું. પંકજ કપૂરની મૌસમ ફિલ્મનો કેટલોય ભાગ સ્કોટલેન્ડમાં ફિલ્માવાયો હતો અને મેં સોલાહ બરસ કી, ઢાઈ અક્ષર પ્રેમ કે, તેરા મેરા સાથ રહે અને બીજી કેટલીય ફિલ્મો અહીં શૂટ થઇ છે.

સ્કોટલેન્ડની રાજધાની એડિનબરા છે પરંતુ સૌથી મોટું શહેર ગ્લાસગો છે. તેના ઉપરાંત અબરડીન પણ મોટું શહેર છે.

અહીં વિશ્વપ્રખ્યાત વિસ્કીની બ્રાન્ડસ છે અને ખરેખર તો વીસ્કીને ક્યારેક લોકો સ્કોચ પણ કહે છે તેનું કારણ એ છે કે સ્કોટલેન્ડમાં બનેલી વીસ્કીને સ્કોચ વીસ્કી કહે છે. જે વીસ્કી સ્કોટલેન્ડમાં જ તૈયાર થઇ હોય તેને જ સ્કોચ કહી શકાય. વીસ્કી બનાવવી પણ ખુબ લાંબી પ્રક્રિયા છે. કાયદા અનુસાર સ્કોચ વીસ્કી ઓછામાં ઓછા ૩ વર્ષની પરિપક્વતા ધરાવતી હોવી જોઈએ. એટલે કે તેને ડિસ્ટીલરીમાં ૩ વર્ષ મેચ્યોર થવા દીધા પછી જ બહાર કાઢવામાં આવે છે. પરંતુ સિંગલ મૉલ્ટ કહેવાય છે તે સ્કોચ વીસ્કી ૫, ૮ ૧૦, ૧૨ કે ૧૫ વર્ષ સુધી મેચ્યુર થવા દેવામાં આવતી હોય છે. આપણે ગુજરાતમાં દારૂબંદી હોવાને કારણે સ્કોચ વગેરે અંગે માહિતી બધા લોકોને ન હોય પરંતુ સ્કોટલેન્ડની વાત કરીએ તો સ્કોચ વીસ્કીનો ઉલ્લેખ કાર્ય વિના ચાલે નહિ એટલે થોડું લખી દીધું.

યુનાઇટેડ કીંગ્ડમના ચાર એકમો પૈકીનું એક સ્કોટલેન્ડ છે અને ત્યાં ઈંગ્લીશ, સ્કોટ અને સ્કોટિશ ગેઇલીક ભાષાઓ બોલાય છે. અહીં કેટલીય બૉલીવુડ ફિલ્મોનું શૂટિંગ પણ થાય છે. આ પ્રદેશ પવન ચક્કીઓ અને સમુદ્રી ઉર્જા દ્વારા પ્રદુષણ રહિત ઉર્જા મેળવે છે. શુદ્ધ પાણી તથા પ્રદુષણ રહિત હવા પણ અહીંની ખાસિયત છે.

મધ્યકાળથી લઈને ઈ.સ. ૧૭૦૭ સુધી સ્કોટલેન્ડ એક સ્વતંત્ર રજવાડા તરીકે અસ્તિત્વ ધરાવતું હતું. વારસાને કારણે ઈ.સ. ૧૬૦૩ માં સ્કોટલેન્ડના જેમ્સ છઠ્ઠાને ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડની ગાદી મળી અને પરિણામે એક યુનિયન સ્થપાયું. ત્યારબાદ ૧૭૦૭માં સ્કોટલેન્ડ અને ઇંગ્લેન્ડે એક રાજકીય યુનિયનની સ્થાપના કરી જેને ગ્રેટ બ્રિટન તરીકે ઓળખાયું. ત્યારબાદ પાર્લામેન્ટ ઓફ ગ્રેટ બ્રિટનની પણ રચના થઇ અને તેનાથી પાર્લામેન્ટ ઓફ સ્કોટલેન્ડ અને પાર્લામેન્ટ ઓફ ઇંગ્લેન્ડ નાબૂદ થઇ. ત્યારબાદ ઈ.સ. ૧૮૦૧માં ગ્રેટ બ્રિટને કિંગડમ ઓફ આયર્લેન્ડ સાથે મળીને યુનાઇટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન એન્ડ આયર્લેન્ડ રચ્યું. ઈ.સ. ૧૯૨૨માં આયર્લેન્ડ ફ્રી સ્ટેટ અલગ પડતા ઈ.સ. ૧૯૨૭માં નવું નામ યુનાઇટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન એન્ડ નોર્ધર્ન આયર્લેન્ડ પડ્યું.

સ્કોટલેન્ડમાં વર્ષ ૧૯૯૯થી પાર્લામેન્ટની પુનઃસ્થાપના કરવામાં આવી છે અને યુનાઇટેડ કીંગ્ડમના એક ભાગ તરીકે તેની પાસે આધીન સતાઓ છે. આધીન સતાઓમાં તે સ્થાનિક વહીવટ અને બીજા કેટલાય નિર્ણયો કરી શકે છે. અહીંની પાર્લામેન્ટમાં ૧૨૯ બેઠકો છે અને સરકારના વડા તરીકે ફર્સ્ટ મિનિસ્ટર હોય છે. અહીં સ્કોટિશ નેશનલ પાર્ટીની સરકાર છે. ૨૦૨૧માં થયેલી ચૂંટણીમાં નિકોલા સ્તર્જનની નેતાગીરી હેઠળ સ્કોટિશ નેશનલ પાર્ટીને ૧૨૯માંથી ૬૪ બેઠકો મળેલી અને તેની સરકાર બની છે. આ ઉપરાંત, લેબર પાર્ટી, કન્ઝર્વેટિવ પાર્ટી અને ગ્રીન પાર્ટી પણ અહીં સક્રિય છે. સ્કોટલેન્ડની ફ્રીડમ માટે એટલે કે યુનાઇટેડ કીંગ્ડમમાંથી અલગ થવા માટે પણ અહીં એક ચળવળ ચાલી રહી છે અને તેના પર રેફેરેન્ડમ થવાની વાતો પણ વારેવારે ચાલતી રહેતી હોય છે. ખાસ કરીને જયારે બ્રેક્ઝિટ થવાનું હતું ત્યારે આ વાત ફરીથી ચગેલી કેમ કે કેટલાય સ્કોટિશ લોકો યુરોપીઅન યુનિયન છોડવા નહોતા માંગતા.

Don’t miss new articles