કેટલાક લોકો પોતાનામાં જ તલ્લીન રહેતા હોય છે. જો કે પોતાનામાં મસ્ત રહેવું એ એક આવડત છે અને તેનાથી લાભ પણ થતો હોય છે પરંતુ સામાજિક વર્તનમાં આ પ્રકારનું સેલ્ફ-ઇન્ડલ્જન્સ એટલે કે સ્વયંભોગીપણું એક ક્ષતિ ગણાય. તમે એવા કેટલાક લોકોને જાણતા હશો કે જેઓ મિત્રોમાં બહુ હળતામળતાં નથી. પોતાની રીતે ટીવી જોઈને, પુસ્તક વાંચીને, સોશ્યિલ મીડિયામાં કે મોબાઈલમાં પોતાનો સમય પસાર કરવાનું પસંદ કરે છે. બીજી બાજુ એવા સ્વયંભોગી લોકો પણ હોય છે કે જેઓ લોકોને મળે છે તો ખરા પરંતુ દરેક સ્થળે પોતાને જ કેન્દ્રમાં રાખે છે. કોઈપણ વાત હોય તેમાં પોતાનો અનુભવ અને જ્ઞાન ટાંકે છે, પોતાની આવડત વિષે સંભળાવી સંભળાવીને લોકોને કંટાળો અપાવે છે. આ રીતની સ્વયંભોગિતા પણ કેટલાક લોકોમાં હોય છે. એકલા રહેવાની વાતને એકાંત સેવવાની વાત સાથે સરખાવવાની ભૂલ ન કરવી જોઈએ. એકાંત વ્યક્તિના વિકાસ માટે આવશ્યક છે પરંતુ સમાજ સાથે તાદાત્મ્ય સાધવાની અણઆવડત એટલે સ્વયંભોગિતા એવો અર્થ આપણે કરીએ છીએ.

શા માટે લોકો એવું સ્વયંભોગી વર્તન કરે છે તે સમજવું પણ એક કોયડો છે જેના પણ કેટલાય મનોવૈજ્ઞાનિકોએ સંશોધનો કર્યા છે. પોતાની જાતને વધારે પડતું કે બહુ ઓછું મહત્ત્વ આપવાની અથવા તો બીજા લોકો પર ધ્યાન ન આપવાની આદત પણ માણસને સ્વયંકેન્દ્રી બનાવે છે. આવું વર્તન કરનાર વ્યક્તિ પોતાની જાતને ખેરખાં સમજતો હોય તેવું બની શકે. તેને પોતાના માટે અતિશય ઉચ્ચ અભિપ્રાય હોય, મારા જેવું બીજું કોઈ નથી, હું સર્વસ્વ છું, મને બધું જ આવડે છે તેવી માનસિકતા ધરાવતા લોકો જ મોટાભાગે સ્વયંભોગી બનતા હોય છે. તેઓ ન માત્ર પોતાને વધારે સારા ગણે છે પરંતુ બીજા લોકોને ઉતરતા ગણવાની ભૂલ પણ કરે છે. તેમનું સ્વાભિમાન એક સીમા વટાવીને અહંકારમાં પરિવર્તિત થઇ ગયું હોય છે. જેની આસપાસના લોકો તેમને ચાવી ભરાવી ભરાવીને આસમાને પહોંચાડી દેતા હોય, અથવા તો પોતાની સફળતાઓને કારણે માથામાં રાય ભરાઈ ગઈ હોય તેવા લોકો આ પ્રકારનું વર્તન કરે છે.

બીજી બાજુ એવા લોકો પણ હોય છે જેમને ભૂતકાળમાં કોઈ નામોશી સહેવી પડી હોય, મિત્રો કે પરિવાર તરફથી તેમની બહુ મજાક ઉડાવવામાં આવી હોય, તેમની ક્ષમતાની કદર ન થઇ હોય. તેઓ પોતાની જાતને ધીમે ધીમે દુનિયાથી દૂર કરી દે છે અને એકાંતમાં, પોતાની સાથે જ રહેવાનું પસંદ કરે છે. તેઓને સમાજથી એક પ્રકારનો ડર લાગી ગયો હોય છે જે તેમના અર્ધજાગ્રત મનને પ્રભાવિત કરે છે. આવી વ્યક્તિ મિત્રો સાથે પાર્ટીમાં જવાને બદલે ઘરે બેસીને ફિલ્મ જોવાનું પસંદ કરશે કેમ કે પાર્ટીમાં પોતાને કોઈ મહત્ત્વ નહિ આપે, તેની હાંસી ઉડાવશે અથવા તો બીજા લોકોની સરખામણીમાં પોતે સારા નહિ લાગે તેવા અનુમાનથી વ્યક્તિ પીડાતી હોય છે.

શું તમે પણ ક્યારેય આ રીતે સમાજથી દૂર થઈને પોતાની સાથે સમય વિતાવવાનું અથવા તો પોતાને જ મહત્ત્વ આપવાનું વલણ અપનાવ્યું છે? તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમે સમાજથી અલગ છો, ઉતરતા કે ચડતા છો અને એટલા માટે અન્ય લોકો સાથે તમે સમકક્ષ બનીને ન રહી શકો? આવા વિચાર આવે તે પણ આપણને ધીમે ધીમે અતડા કરવા માટે પૂરતા છે. લોકોને જોઈને તમને સમાનતા નહિ પરંતુ ભેદભાવ મહેસુસ થાય તો તે ચિંતાજનક વાત છે. અહીં તમારી સામાજિક સંતુલન જાળવવાની આવડત અને માનસિકતા પર પ્રશ્ન ઉઠે છે. દુઃખની વાત એ છે કે જે વ્યક્તિ સમાજથી વેગળો રહે છે તે વાસ્તવમાં પોતાને નુકશાન કરે છે. જરૂરી નથી કે તમે હંમેશા લોકોને ચોંટ્યા રહો પરંતુ એટલું તો આવશ્યક છે જ કે તમને લોકો સાથે ભળીને રહેતા આવડવું જોઈએ, તમારી આસપાસ લોકોની હાજરી ખૂંચવી ન જોઈએ.

Don’t miss new articles