ક્યાં ક્યાં આપણે પોતાની જાતને વેચવી પડે છે? બજારનો મોટો વેપારી હોય કે રેંકડી લઈને શાકભાજી વેચવા આવનારો કોઈ નેનો ફેરિયો હોય, તેમને વેચવાની આવડત કેળવવી પડે છે. જે ધંધાદારી માણસને લે-વેંચ કરતા ન આવડે તે નુકશાન વેઠે અને આખરે ધંધો બંધ કરવાનો વારો આવે. જે માણસ વેંચવાની કળા ન શીખે તેને પોતે વેંચવાનો વારો આવે છે. અને કોઈને એવું લાગતું હોય કે આપણે તો નોકરી કરીએ છીએ માટે આપણે કઈ વેંચવાની જરૂર શું? તો તે મોટી ભૂલ કરે છે. દુનિયામાં જીવતો દરેક વ્યક્તિ ક્યારેક તો કઈંકને કઈંક વેંચે જ છે.પ્રેમિકાને મળવા ગયેલો પ્રેમી પોતાની ખૂબીઓ સંભળાવી સંભળાવીને પોતાની પ્રિયતમાને પોતાનું વ્યક્તિત્વ વેંચે છે જેથી કરીને બદલામાં વધારે પ્રેમ અને લાગણી મળે. બીજીબાજુ પ્રિયતમા પણ સુંદર શણગાર કરીને પોતાના પ્રિયતમની નજરોમાં વસવાના ખ્વાબ લઈને આવી હોય છે. તે પોતાનું રૂપ કે પોતાનો વિનમ્ર સ્વભાવ કે પોતાનું સમર્પણ વેંચીને પ્રેમ પ્રાપ્ત કરવા મથતી હોય છે. વ્યક્તિ જયારે ઇન્ટરવ્યૂ આપવા જાય ત્યારે પોતાનું શિક્ષણ અને આવડત વેંચીને વધારે પગારની નોકરી મેળવવા પ્રયત્ન કરે છે. બાળક સ્મિત આપીને મમ્મીનું કે પપ્પાનું ધ્યાન પોતાના તરફ ખેંચે છે અને જો તે કામે ન લાગે તો રડીને પોતાના તરફ એટેંશન મેળવવાની કોશિશ કરે છે. આ પણ એક રીતે તો કઈંક વેંચવાનું જ થયું ને?

આ સમાજમાં વેંચવું જરૂરી છે. શું વેંચવું છે અને તેના માટે કેટલી અને કેવી રીતે કિંમત મેળવવાની છે તે અલગ પ્રશ્ન છે પરંતુ વિક્રય વિના કોઈ ક્રિયા સંભવ નથી. ક્યારેક તે હરાજી સ્વરૂપે સૌને ઉપલબ્ધ હોય તેવું વેંચાણ બની રહે છે તો ક્યારેક ખાનગીમાં પસંદ કરેલા ગ્રાહક માત્ર માટે જ ઉપલબ્ધ વેંચાણનો વિકલ્પ હોય છે. અને આ વેંચાણ પણ સતત ચાલતું જ રહે છે. પ્રેમી અને પ્રેમિકા પોતપોતાના ગુનો એકબીજાને વેંચીને પ્રેમરૂપી કિંમત મેળવી લે એટલું પૂરતું નથી. ત્યારબાદ લગ્ન માટે માતા-પિતા અને પરિવારને મનાવવા પડે છે. સમાજમાં પોતાનું સ્થાન અને દરજ્જો પ્રાપ્ત કરવો પડે છે. લગ્ન બાદ સતત પતિ અને પત્ની એકબીજાના ચાહિતા બની રહેવા માટે પણ પ્રયત્નરત રહેતા જ હોય છે ને?

ત્યાં સુધી કે માણસ મંદિરમાં જાય ત્યારે ભગવાનને પણ પોતાની ભક્તિ અને સમર્પણ વેંચવાનો પ્રયત્ન કરે છે અને બદલામાં તેની કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છે છે. જો તું મને પાસ કરી દઈશ તો હું પાવાગઢ ચડીને માનતા પુરી કરીશ એવું કહેતો વિધાર્થી સોદો નહિ તો બીજું શું કરી રહ્યો હોય છે? ભગવાન મને સારી નોકરી આપવી દે તો હું દરેક પગારમાંથી તને એક હજારનો ચઢાવો ચડાવીશ એવું કહેવો ઉમેદવાર પણ વેચાણનો જ પ્રયત્ન કરી રહ્યો હોય છે. આવા તો કેટલાય ઉદાહરણ મળી રહેશે આપણી આસપાસ જ્યાં આપણે લે-વેંચના સોદાઓ કરી રહ્યા હોઈએ છીએ. સામાન્ય રીતે જેને આપણે વેંચાણ ન કહીએ તેને પણ તકનીકી ધોરણે ચકાસવા જઈએ તો તેમાં ક્યાંક લે – વેંચ છુપાયેલી હોય છે.જયારે આપણી આસપાસની બધી જ ઘટનામાં કોઈને કોઈ પ્રકારે કઇંકને કઈંક વેંચવાની ક્રિયા શામેલ છે તો એ વાત તો સ્વીકારવી જ ઘટે કે આ એવી કળા છે જેને અવગણી શકાય તેમ નથી. તેનો અર્થ એ પણ થયો કે જીવનમાં જો સફળ થવું હોય, સંબંધોમાં અને કારકિર્દીમાં જો સમૃદ્ધ થવું હોય તો આ કલાને હસ્તગત કરવી આવશ્યક છે. જે માણસ પોતાનું વ્યક્તિત્વ સૌને વેંચી જાણે તે સારો નેતા બને અને જે વસ્તુઓ વેંચી જાણે તે સારો સેલ્સમેન બને તેમાં કોઈ શંકા નથી. પરંતુ જે વ્યક્તિ સારી કિંમતે બધું વેંચી જાણે તે બીજા કરતા વધારે સફળ થાય. જો આપણે પણ આ વાસ્તવિકતાને સ્વીકારીને સચેત રહીને દરેક વ્યવહાર અને ઘટનામાં કેવી રીતે સેલ, વેંચાણ છુપાયેલું છે તે જોતા શીખી જઈએ તો પોતે તો ફાયદામાં રહીએ જ પરંતુ બીજાને પણ ઘણો ફાયદો કરાવી શકીએ.

Don’t miss new articles