વધારે મહત્ત્વાકાંક્ષા રાખવી કે પછી સંતોષની જિંદગી જીવવી તેના અંગે સૌના અલગ અલગ મંતવ્યો હોઈ શકે. કોઈ માને છે કે વધારે મહત્વાકાંક્ષી બનીને, વધારે સફળતા પ્રાપ્ત કરીને આપણે વધારે ખુશ થઇ શકીએ. સફળતા અને સિદ્ધિથી આપણું અને પરિવારનું જીવન ઉત્તમ બને છે અને બીજાને માટે પણ આપણે મદદરૂપ બની શકીએ છીએ તેવું માનનારો એક મોટો વર્ગ છે અને તે લોકો ‘નિશાન ચૂક માફ પણ નહિ માફ નીચું નિશાન’ ધ્રુવપંક્તીને અનુસરીને આગળ વધતા રહે છે. બધા જ ગુજરાતીઓ પોતાના જીવનમાં કોઈકને કોઈક વખત આ ધ્રુવપંક્તિ સાંભળે છે અને ઊંચા નિશાન બાંધે છે. નિશાન ઊંચું રાખવું સારી વાત છે અને તેને પામવા માટે મહેનત કરવી તેનાથી પણ વધારે સારી વાત છે.

તેની સામે અડધો રોટલો ખાઈને સંતોષ માનનારા લોકો પણ હોય છે. વધારે ઈચ્છાઓ રાખીને વધારે નિરાશાનો ભોગ બનવા કરતા પહેલાથી જ પોતાની શક્તિ અને ક્ષમતા પ્રમાણે ગોલસેટ કરવાની સલાહ પણ ઘણા લોકો આપતા હોય છે. લોકોને કહેતા સાંભળ્યા હશે કે ચાદર હોય તેટલા પગ લંબાવાય. પ્રશ્ન એ છે કે શું આપણે નીચું નિશાન રાખીએ તો ઓછી મહેનત કરવી પડે છે? સાધારણ ગોલ રાખવાથી તેને સંપૂર્ણપણે હાંસલ કરી શકાય છે?

બે મિત્રો એક ક્લાસમાં સાથે ભણતા હોય અને એક પરીક્ષામાં સીતેર ટકા લાવવાનો ધ્યેય રાખે જયારે બીજો નેવું ટકાનો ધ્યેય રાખે. શું કોઈને પણ મહેનત કર્યા વિના પોતાનો ધ્યેય હાંસલ થવાનો છે? સીતેર ટકા વાળાએ પણ મહેનત તો પોતાની ક્ષમતા અનુસાર કરવી પડશે. બે મિત્રો બિઝનેસ શરુ કરે અને એકનો ટાર્ગેટ વર્ષમાં એક લાખનું ટર્નઓવર કરવાનો હોય જયારે બીજાનો એક કરોડનું ટર્નઓવર કરવાનો હોય. પણ બંનેએ તનતોડ મહેનત કરીને પોતપોતાના લક્ષ્યને પહોંચવું પડે છે.

જે લોકો ઈચ્છાપ્રાપ્તિનું વરદાન લઈને આવ્યા ન હોય તેમને સૌને પોતે સેટ કરેલા ગોલમા થોડીઘણી ચૂક થઇ જવાની શક્યતા તો રહે જ છે. સીતેર ટકા વાળો વ્યક્તિ પાંસઠે અટકે અને નેવું વાળો પંચાસીએ. એક લાખના ટાર્ગેટને બદલે નેવું હજાર આવે જયારે એક કરોડને બદલે સીતેર લાખ આવે તેવું બની શકે.

હવે જો આપણે આંકડાશાસ્ત્રની મદદ લઈએ તો સિત્તેરના ટાર્ગેટમાંથી પાંસઠ લાવનાર નેવુંના ટાર્ગેટમાંથી પંચ્યાસી લાવનાર કરતા વધારે સફળ ગણાય. તેવી જ રીતે નેવું હજાર વાળની સફળતા નેવું ટકા છે જયારે સીતેર લાખવાળો માત્ર સીતેર ટકા સફળતા મેળવી શક્યો. પરંતુ આવી આંકડાશાસ્ત્રીય ગૂંચવણોમાં પડીને ક્યારેક આપણે પોતાની જાતને મૂર્ખ બનાવતા હોઈએ છીએ. ખરેખર તો વાત એ છે કે જો સીતેર વાળાએ ટાર્ગેટ એંસીનું રાખ્યું હોત તો તેને પંચોતેર આવ્યા હોત અને લાખ કમાવા વાળાએ કરોડનો વિચાર કર્યો હોત તો તેને પચાસ તો મળ્યા જ હોત. સરવાળે તેમને ખુબ વધારે ફાયદો થયો હોત માત્ર તેમના ટાર્ગેટ વધારે ઊંચા સેટ કરીને.

ટાર્ગેટ ઊંચા સેટ કરવાનો ફાયદો એ છે કે તેને કારણે આપણી મહેનત કરવાની ક્ષમતા વધે છે. જયારે મહેનત વધારે પડે છે ત્યારે આપણે વધારે અસરકારક માર્ગ શોધીએ છીએ. નવી ટ્રીક શોધીએ છીએ અને નવા આવિષ્કાર કરીએ છીએ. પોતાની જરુરીઆત કરતા બમણું ટાર્ગેટ સેટ કરવાથી જરુરીઆત કરતા દોઢું તો મળી જ રહે છે. મહેનત હંમેશા આપણા ગોલને સમપ્રમાણમાં હોય છે. જે લોકો ગોલ જ નીચો રાખે તેમની મહેનત પણ ઘટી જાય છે. આપણું મગજ પણ મહેનત કરવાની મર્યાદા બાંધી લે છે. તેણે નક્કી કરેલી મર્યાદાથી વધારે મહેનત પડે તો મહેનત અને શરીર થાક અનુભવે છે. જો મગજમાં મર્યાદા વધારીએ તો થાક પણ ત્યારે જ લાગે છે જયારે તે મર્યાદાને ઓળંગીએ. આ વાત પરીક્ષાનો અને પ્રયોગોથી પુરવાર થઇ ચુકી છે અને તેમાં કોઈ દલીલની આવશ્યકતા જણાતી નથી કે આપણું શરીર વાસ્તવમાં જ આપણા મગજના નિયંત્રણમાં રહે છે. તે મગજે આપેલા સિગ્નલ અનુસાર પોતાની ક્ષમતા નક્કી કરતુ હોવાથી જો આપણે તેની પાસે વધારે મહેનત કરાવવા ઇચ્છીએ તો કરાવી શકીએ છીએ.

આખરે નિર્ણય આપણા હાથમાં છે કે આપણે આપણી લિમિટ ક્યાં સેટ કરીએ છીએ.

Don’t miss new articles