હર્મેટિક ફિલોસોફી અનુસાર સાત સાર્વત્રિક સિદ્ધાંત છે જે દરેક સમયે, દરેક યુગમાં, દરેકને લાગુ પડે છે અને સાશ્વત છે. આ સાત સિદ્ધાંત છે: માનસિકતા, સુસંગતતા, કંપન, ધ્રૂવીયતા, લય, કારણ અને અસર, તથા લિંગ. આ સાતેય સિદ્ધાંત હર્મેટિક, કીમિયાગીરી, દર્શનશાસ્ત્ર અનુસાર હંમેશા અસરકારક રહે છે. હર્મેટિક ફિલોસોફી ગ્રીક અને ઇજિપ્તના દર્શનશાસ્ત્રમાં મૂળ ધરાવે છે. હર્મેટિક ફિલોસોફીના આ સાતેય સિદ્ધાંતોને ટૂંકમાં સમજવા રસપ્રદ બનશે.

માનસિકતા – મેન્ટાલિઝમ – એવું માને છે કે આપણી આસપાસ અદ્રશ્ય એવું એક ઉર્જા ક્ષેત્ર રચાયેલું હોય છે. આ ઉર્જા ક્ષેત્ર આપણને અને આપણી આસપાસના પર્યાવરણને સાંકળે છે, જોડે છે. આ જોડાણ આપણા મનને આપણી ઉચ્ચ ઉર્જા સાથે જોડી આપે છે જેથી કરીને આપણે દરેક વસ્તુ સાથે સંકળાયેલા રહીએ છીએ. આ સિદ્ધાંત એવું પણ માને છે કે આપણા મન દ્વારા જ આપણે સર્વસ્વ નિયંત્રિત કરી શકીએ છીએ, નિર્ધારિત કરી શકીએ છીએ. રહોન્ડા બૈરનનું પુસ્તક ‘ધ સિક્રેટ’ સૂચવે છે કે આપણે જીવનમાં બનતી સારી કે નરસી ઘટનાઓને આપણા વિચારો દ્વારા જ નોતરીએ છીએ – તે વિચારનો આધાર હર્મેટિક ફિલોસોફીના આ મેન્ટાલિઝમના સિદ્ધાંતમાં રહેલો છે.

સુસંગતતાનો સિદ્ધાંત એવું સૂચવે છે કે બધી જ રચનાઓ વાસ્તવિકતાના અલગ અલગ સ્તરે પુનરાવર્તિત થતી રહે છે. જેવું ઉપર, તેવું નીચે અથવા તો જેવું અંદર, તેવું બહાર. આંતરિક અને બાહ્ય વિશ્વમાં સુસંગતતા રહેલી છે તેવું આ સિદ્ધાંત સૂચવે છે. કોઈ પદાર્થના ગુણધર્મ તેની અંદરના માળખા પર આધાર રાખે છે. વ્યક્તિનો વ્યવહાર તેની અંદર પડેલા સંસ્કારો પર આધાર રાખે છે તેવું કહી શકાય.

કંપનનો સિદ્ધાંત એવું કહે છે કે આ સૃષ્ટિમાં બધું જ, સતત, કંપનમય છે, વાઈબ્રેટ કરે છે. સૃષ્ટિમાં કઈ જ થીજતું નથી, અટકતું નથી, સતત સક્રિય રહે છે, સતત ગતિમય રહે છે. આ વાત વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયેલી છે. થીજેલા બરફની અંદર પણ અણુઓ તો સતત કંપન કરતા જ રહે છે. મજબૂત લોઢાની અંદરના અણુઓ પણ હંમેશા સક્રિય અવસ્થામાં જ હોય છે.

ધ્રૂવીયતાનો સિદ્ધાંત એવું દર્શાવે છે કે બધું જ બેવડું હોય છે, જોડીમાં હોય છે. દરેક વસ્તુ કે ક્રિયાને બે ધ્રુવ હોય છે. બધી જ વસ્તુઓ યુગ્મ ધરાવે છે પરંતુ તે એકબીજાથી વિરુદ્ધ હોય છે. સમાન અને વિરોધી આ રીતે તો એક જ છે પરંતુ એકબીજાથી વિરુદ્ધ છે, એકબીજાથી અલગ ધ્રુવ ધરાવે છે, તેમની વચ્ચે તફાવત આંશિકતાનો હોય છે. ચુમ્બક્ના જેમ બે ધ્રુવ હોય છે પરંતુ તેઓ બંને મળીને એક જ ચુંબક બનાવે છે, એક જ પદાર્થનો ભાગ છે, તેમ જ સત્ય કે અસ્તિત્વમાં પણ આવી ધ્રૂવીયતા જોવા મળે છે. સ્ત્રી-પુરુષ આ રીતે એકબીજાથી વિરુદ્ધ કે અલગ હોવા છતાંય એકબીજાના યુગ્મ છે.

લયનો સિદ્ધાંત એવું કહે છે કે દરેક વસ્તુ એક પ્રવાહ છે, દરેક અવસ્થા એક પ્રવાહ છે જેમાં અંદરથી બહાર અને બહારથી અંદર, ક્યારેકે ભરતી તો ક્યારેક ઓટની માફક લયની માફક ગતિ થયા કરે છે. બધી જ વસ્તુઓ કે ઘટનાઓને ચડાવ અને ઉતાર હોય છે. લોલકની માફક તે એક લયમાં ગતિમાન રહે છે. આ લયમાં કેન્દ્રથી જમણી તરફ તથા કેન્દ્રથી ડાબી તરફનું અંતર અને ગતિ સમાન હોય છે.કારણ અને અસરનો સિદ્ધાંત સમજવો સરળ છે. દરેક ઘટનાને એક કારણ હોય છે અને જે કારણ ઉદ્ભવે છે તેની અસર જરૂર ઉત્પન્ન થાય છે. અસર વિનાનું કારણ ન હોઈ શકે અને કારણ હોય તેની અસર થયા વિના ન રહી શકે. જેમ આગ હોય તો ધુમાડો થાય અને જ્યાં ધુમાડો હોય ત્યાં આગ હોવી જ જોઈએ તે આપણે દર્શનશાસ્ત્ર અનુસાર સમજીએ છીએ તે આ જ કારણ અને અસરના સિદ્ધાંતને આભારી છે. એટલે જ તો આપણે કહીએ છીએ કે જેવું વાવીએ તેવું લાણીએ અથવા તો જેવું કરીએ તેવું ભોગવીએ.

લિંગના સિદ્ધાંત દ્વારા હર્મેટિક ફિલોસોફી એવું દર્શાવે છે કે દરેક અસ્તિત્વમાં બે લિંગ હોય છે. જેમ માનવીમાં સ્ત્રી અને પુરુષ લિંગ હોય છે તેવી જ રીતે વનસ્પતિમાં અને પ્રાણીઓમાં પણ બંને લિંગ જોવા મળે છે. આ લિંગ માત્ર શારીરિક જ નહિ પરંતુ સ્વાભાવિક પણ છે. નિર્જીવ પદાર્થોમાં પણ આવા લૈંગિક ગુણધર્મો હોય છે એટલા માટે જ તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનના ગુણભાર અલગ અલગ હોય છે જેને આપણે વતા અને ઓછાની નિશાનીથી દર્શાવીએ છીએ, નેગેટિવ અને પોઝિટિવ ગુણભાર ગણાવીએ છીએ. આવા લૈંગિક યુગ્મ દ્વારા જ આ સૃષ્ટિની રચના થાય છે અને સંચાલન થાય છે તેવું આ સિદ્ધાંત દર્શાવે છે.જો હર્મેટિક દર્શન વિષે વધારે સમજવું હોય તો ૧૯૦૮માં પ્રકાશિત પુસ્તક કીબેલિયન વાંચી શકાય.

Don’t miss new articles