એકતરફ લંડનમાં બરફ વર્ષા થઇ રહી છે અને લોકોને શ્વેતરંગી ફૂટપાથ, રૂફટોપ અને પાર્ક પ્રફુલ્લિત કરી રહ્યા છે ત્યારે બીજી તરફ લાંબા લોકડાઉન અને કેટલીય રાજકીય, સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓને કારણે મનમાં હતાશા અને તણાવ પણ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં બધા લોકો પોતાના માનસિક તણાવને દૂર કરવાના પ્રયત્ન કરતા હોય છે. એક તારણ અનુસાર પાંચમાંથી ત્રણ લોકો લોકડાઉનનો તણાવ અનુભવી રહ્યા છે અને માર્યાદિત અવરજવર તેનું સૌથી મોટું કારણ છે. આવા સમયે પોઝિટિવ રહેવા, સકારાત્મક રહેવાના અનેક ઉપાયો હોઈ શકે અને તેના અંગે આપણે વારે વારે વાંચતા, સાંભળતા હોઈએ પરંતુ તેમ છતાંય જેમ સમયે સમયે શરીરને ખોરાકની જરૂર પડે છે તેમ જ વારેવારે આપણા મનને પણ સારા વિચારો અને ઉપાયોની જરૂર પડે છે. આ દિશામાં નીચે આપેલા સાત સૂચનો ઉપયોગી બનશે:
૧. સોશ્યિલ મીડિયાનો માર્યાદિત ઉપયોગ કરો. વિચારો કે કોને ફોલો કરવા છે અને કોને નહિ. યાદ રાખો જ્યાંથી નકારાત્મકતા મળતી હોય તેવા લોકોના સોશ્યિલ મીડિયા હેન્ડલ ફોલો ન કરો. પોઝિટિવ રહેવું જરૂરી છે અને તેના માટે સારા વિચારો અને સાચી માહિતી મળે તેવા જ લોકોને ફોલો કરવા. મિત્રો અને સગા સંબંધીઓમાં પણ જે લોકો નફરત અને જુઠાણું ફેલાવતા હોય તેવા લોકોને અનફોલો કરવામાં ફાયદો છે.
૨. તમારો અભિગમ સકારાત્મક જાળવી રાખો: જયારે પણ કોઈ પરિસ્થિતિને બે દ્રષ્ટિકોણથી જોઈ શકાય અને મૂલવી શકાય તેમ હોય ત્યારે આપણે હંમેશા સકારાત્મક અભિગમ લેવો જોઈએ. નાહકની નકારાત્મકતા આપણા મનમાં હતાશા જન્માવે છે અને તેનાથી શારીરિક અને માનસિક બીમારીઓ ઉપરાંત પરિવારમાં પણ મનદુઃખ થાય છે. તેનાથી બચવા દરેક પરિસ્થિતિને સકારાત્મક પ્રિઝમથી જુઓ.
૩. તમારા જેવા વિચારો ધરાવતા લોકોની સાથે રહો: તમે જીવનમાં જે પામવા ઇચ્છતા હોય તેને સમજી શકે, તેનો આદર કરી શકે તેવા લોકોની વચ્ચે રહો. જો તમે કલાકાર હોય અને કલાક્ષેત્રમાં આગળ વધવા ઇચ્છતા હોય તો તમારે કલાને સમજનારા લોકોના સંપર્કમાં રહેવું જોઈએ. ક્યારેક એવું બનતું હોય છે કે કલાકારના અભિગમને ધંધાદારી લોકો ન સમજી શકે અને તેમને વારેવારે નાસીપાસ કરતા હોય છે. આવી સ્થિતિ ટાળવા તમારું ગ્રુપ એવા લોકોનું બનાવો જે તમારી ઈચ્છાઓને સમજે.
૪. રાઈનો પહાડ ન બનાવો: ક્યારેક પરિસ્થિતિ ખરાબ હોય અને તેના પર આપણો કંટ્રોલ ન હોય તેવું બને. તેને કારણે આપણને નુકશાન પણ થઇ રહ્યું હોય. તેમ છતાં તેની વાસ્તવિકતાને બૃહદ સંદર્ભમાં મૂલવતાં શીખો. નકારાત્મકતાની એ ખૂબી છે કે તે નાની હોવા છતાં આપણા સમગ્ર જીવનને અસર પહોંચાડતી હોય છે. રાય જેટલી પરેશાની આપણા પુરા જીવનને અસર ન કરે એટલા માટે તેને સીમિત કરતા શીખો. રાઈનો પહાડ બનાવવાના પ્રલોભનમાં ન પડો.
૫. નિષ્ફળતાનો ડર રાખીને જીવવાનું ટાળો: જે લોકો પ્રયત્ન કરે તે ક્યારેક નિષ્ફળ પણ જાય. પરંતુ તેને કારણે પ્રયત્ન જ ન કરીએ તો સફળતા પણ ક્યારેય ન મળે. જ્યાં નિષ્ફળતાના ચાન્સ હોય ત્યાં કોશિશ જ ના કરવી નરી કાયરતા છે. નિષ્ફળ થવાની શક્યતા છે એવું વિચારીને સફળતાનાં ચાન્સ પણ છોડી દેશો તો ક્યારેક જીવનમાં તે નકારાત્મકતા ફેલાવશે.
૬. કોઈના જીવનમાં ખુશી અને સકારાત્મકતા ભરો: જો શક્ય હોય તો એવું કૈંક કરો કે જેનાથી બીજાના જીવનમાં ખુશી અને સકારાત્મકતા ભરી શકાય. કોઈને મદદ કરો. કોઈને માર્ગદર્શન આપો. કોઈને હસાવો અને કોઈકને સાંત્વન આપો. જે કોઈ પણ રીતે શક્ય હોય તે રીતે એક સકારાત્મક માહોલ બનાવવાની કોશિશ કરો જેનાથી તમને પણ ફાયદો થાય.
૭. તંદુરસ્ત લાઇફસ્ટાઇલ કેળવો: પોષણયુક્ત આહાર, પૂરતી ઊંઘ અને થોડોઘણો વ્યાયામ આપણી શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવવા જરૂરી છે. જો આપણું તન અને મન તંદુરસ્ત હશે તો જ આપણે સકારાત્મક અને આનંદિત રહી શકીશું. એવી લાઇફસ્ટાઇલ કેળવો કે જેથી આપણે શારીરિક અને માનસિક તંદુરસ્તી અને પ્રફુલ્લિતતા વધે.