સામાન્ય રીતે લોકો કહે છે કે ઉતાવળા બે વાર પાછા વળે. એટલે કે જે કામ ઉતાવળમાં કરીએ તેને બે વાર કરવું પડે. કેમ કે તેમાં ભૂલ થવાની સંભાવના વધારે હોય છે. પરંતુ જયારે કામ કરવા માટે પૂરો સમય ન હોય તો શું તેને ઉતાવળમાં કરવું જોઈએ કે છોડી દેવું જોઈએ? કેટલીયવાર આવી સ્થિતિ આવતી હોય છે. પ્રોજેક્ટની ડેડલાઈન. ઓફિસના કામની સમયમર્યાદા. કોઈ જગ્યાએ એપ્લિકેશન આપવાની છેલ્લી તારીખ. ડિસ્કાઉન્ટ માટેના છેલ્લા કેટલાક કલાકો. આવી સ્થિતિમાં આપણી પાસે બે જ વિકલ્પ હોય છે: કામ કરવું અથવા તો છોડી દેવું.
સામાન્ય તારણ એવું છે કે જયારે આવી ઉતાવળમાં કામ હાથમાં લઈએ ત્યારે મનમાં ઘણો ડર હોય છે. કોઈ ભૂલ તો નહિ થઇ જાય? કૈંક ગડબડ તો નહિ થાય? કોઈ રીતે બફાઈ ગયું તો બોસ ગુસ્સે થશે. કોઈ મિસ્ટેક રહી ગઈ તો નુકસાન થઇ શકે છે. પરંતુ આવા સમયે કામ શરુ કરીએ તો પણ પરિણામ એટલું અચંબિત કરે તેવું મળે છે કે આપણે ધારી પણ ન શકીએ. કારણ એ હોય છે કે આ વખતે આપણું કોન્સન્ટ્રેશન લેવલ ખુબ ઊંચું હોય છે. આપણે બધી જ ઇન્દ્રિઓની શક્તિઓને એક જગ્યાએ કેન્દ્રિત કરીને આ કામ કરતા હોઈએ છીએ. માટે આપણે એવડું સારું કામ કરી શકીએ છીએ કે તેમાં કોઈ ભૂલ થતી નથી. રચનાત્મકતા પણ ખુબ સારી હોય છે અને તેને કારણે ક્રિએટિવિટી પણ જળવાઈ રહે છે.
માટે જો કોઈ એવી સ્થિતિ આવી જાય કે ઉતાવળમાં કામ કરવું અથવા ન કરવું તેવું નક્કી કરવું પડે તો જરૂર કરી લેવું. ડર્યા વિના જ કામને શરુ કરવું અને તેને જેટલું શક્ય હોય તેટલું જલ્દી પુરી કરીને મોકલી આપવું. ફોર્મ ભરી દેવું. એપ્લિકેશન કરી દેવી. ઇમેઇલ મોકલી દેવો અને પ્રેઝન્ટેશન બનાવી દેવું. આવું કરવાથી આપણી ડેડલાઈન પણ જળવાઈ રહેશે અને આપણે કોઈ ભૂલ પણ નહિ કરીએ. નાહકની જ ખોટી છાપ પડે તેના કરતા તો કામ કરીને સોંપી દેવામાં શું ખોટું? કોઈને આપણા માટે લાગે કે આ વ્યક્તિ કામને કરતી નથી, અથવાતો વારે વારે ડેડલાઈન મિસ કરે છે તેના કરતા ઉતાવળે પણ કામ કરી દેવું જોઈએ.
સમય જયારે ઓછો હોય ત્યારે આપણી સ્પીડ વધી જાય છે. આપણું મગજ વધારે કેન્દ્રિત થઈને કામ કરે છે. પરંતુ જયારે વિપુલ વખત ઉપલબ્ધ હોય ત્યારે તો આપણું મગજ પણ આળસ કરે છે. કોઈ રીતે સક્રિય થતું નથી. બે વાર કોફી પીવા છતાંય પણ તેને સજાગતા આવતી નથી તેવું કેટલીયવાર બનતું હોય છે. પરંતુ જો બે રાત જગ્યા હોઈએ, ઘણો સમયથી આરામ ન મળ્યો હોય તો પણ આવા સમય મગજ સારી રીતે ચાલે છે. કામ કરે છે. જાગૃત બને છે. પોતાની ક્ષમતા બતાવે છે. અને એટલી સારી રીતે બતાવે છે કે સૌને આશ્ચર્ય થઇ જાય. આપણને પોતાને પણ માનવામાં ના આવે કે આટલું સારું કામ આપણે કરી શકીએ છીએ.
તો બીજીવાર જયારે પણ આવું થાય ત્યારે તરફ જ યા હોમ કરીને કામ કરવામાં ઝંપલાવી દેજો. કામ કરતા અચકાતા નહિ. શરુ કરવામાં સંકોચ ન કરતા અને કામને સોંપવામાં પણ ડર ન રાખતા. તમારી કાર્યક્ષમતા અને ક્રિએટિવિટી એવા આવશે કે તમને ચોંકાવી દેશે. હિમ્મત કરીને કામ કરજો. ઉતાવળ કરજો. અચકાતા નહિ. ડરતા નથી. તમારા કામ ન કરવા કરતા કામ કરવું વધારે સારું છે તેવું સાબિત થઇ જશે. ડેડલાઈન મિસ કરવા કરતા સમયસર કામને સોંપી દેવું ફાયદાકારક છે તે તમને સમજાઈ જશે.