આજે પૃથ્વી પર માનવ વસ્તી વધીને ૮ બિલિયનનો આંકડો વટાવી ચુકી છે અને માનવીના અવિચારી પગલાંઓને કારણે આજે આપણે આબોહવા પરિવર્તનનું સંકટ ભોગવી રહ્યા છે. કેટલીય પ્રજાતિઓ આ વિશ્વમાંથી વિલુપ્ત થઇ ગઈ છે અને ઘણી મોટી સંખ્યામાં વિલુપ્તતાના આરે બેઠી છે. પરંતુ આ ધરતીનો ઇતિહાસ ચકાસતા તો એવું લાગે છે કે માત્ર કેટલીક પ્રજાતિઓ સામે જ લુપ્ત થઇ જવાનો ભય છે તેવું નથી. કદાચ આપણે સામુહિક વિલુપ્તતા તરફ જઈ રહ્યા છીએ. સામુહિક વિલુપ્તતા એટલે પૃથ્વી પરથી મોટા ભાગના જીવોનો નાશ થવો. આ પ્રક્રિયાથી ધરતીને બધો બોજ ખંખેરીને નવી શરૂઆત કરવાનો અવસર મળે છે. આ સંકલ્પના કઈ નવી નથી. આ પહેલા પણ ધરતી પર પાંચ વખત સામુહિક વિલોપન થઇ ચૂક્યું છે.
પૃથ્વીના સર્જનનો ઇતિહાસ ચકાસીએ તો આજથી ૪.૬ બિલિયન વર્ષ પહેલા તેનું સર્જન થયું પછી ઘણા લાંબા સમય સુધી ત્યાંનું પર્યાવરણ અનુકૂળ ન હોવાથી કોઈ જ જીવનું અસ્તિત્વ નહોતું. વૈજ્ઞાનિકોના મતાનુસાર ૩.૭ બિલિયન વર્ષ પહેલા સુક્ષ્માણુઓ ઉદ્ભવ્યા અને પછી ધીમે ધીમે વધારે મોટા, વિકસિત જીવો પણ આવીને રહેવા લાગ્યા. માનવીના પૂર્વજો કહી શકાય, કે જે બે પગે ચાલતા હોય અને બે હાથનો ઉપયોગ કામ કરવા માટે કરતા હોય તેવા હોમો હબિલિસ સૌ પ્રથમ પૂર્વ અને દક્ષિણ આફ્રિકામાં ૨.૪ મિલિયન વર્ષ પહેલા જ જોવા મળ્યા. દક્ષિણ આફ્રિકામાં જ્યાંથી માનવીના અવશેષો મળ્યા છે તેણે ક્રેડલ ઓફ મેનકાઈન્ડ – માનવજીવનનું પારણું – કહેવાય છે. ત્યાર પહેલા આપણા જેવો કોઈ જીવ નહોતો. ૪.૬ બિલિયન વર્ષના ઇતિહાસમાં માનવી તો માત્ર ૨.૪ મિલિયન વર્ષ પહેલા જ આવો અને જ્યારથી આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં પૃથ્વીની પ્રકૃતિમાં તેણે ઘણો ફેરફાર કરી દીધો છે. જેટલો અંતરાય કુદરત સાથે આપણે કર્યો છે તેટલો સૃષ્ટિના ઇતિહાસમાં બીજા કોઈ જીવે કર્યો નથી.
આજથી પહેલા થયેલા પાંચ સામુહિક વિલોપનમાં પ્રથમ ૪૪૦ મિલિયન વર્ષ પૂર્વે, બીજું ૩૬૫ મિલિયન વર્ષ પૂર્વે, ત્રીજું ૨૫૦ મિલિયન વર્ષ પૂર્વે, ચોથું ૨૧૦ મિલિયન વર્ષ પૂર્વે અને આખરી ૬૫ મિલિયન વર્ષ પૂર્વે થઇ ગયું છે. આ સામુહિક સર્વનાશના કેટલાય કારણો હોઈ શકે. જેમ કે આખરી સામુહિક વિલોપન ૬૫ મિલિયન વર્ષ પહેલા થયું ત્યારે અવકાશમાંથી વિશાળકાય ઉલ્કાઓ પૃથ્વી પર ધસી આવી હતી અને તે સમયે જ ડાયનાસોર નાશ પામ્યા હતા. ૨૫૦ વર્ષ પહેલા થયેલા સામુહિક સર્વનાશમાં તે વખતે અસ્તિત્વ ધરાવતી સજીવસૃષ્ટિમાંથી ૯૦% નાશ પામી હતી. એટલે લગભગ કમ્પ્લીટ રિબુટ થયું એવું કહી શકાય. તદ્દન નવેસરથી પૃથ્વી પર જીવસૃષ્ટિની શરૂઆત થઇ.
હવે જો એવું માસ એક્સટીનક્સન – સામુહિક વિલોપન થશે તો કેવું હશે તે તો કહી શકાય તેમ નથી પરંતુ તે કુદરતી કારણોને લીધે હશે કે માનવસર્જિત કારણોને લીધે તેના અંગે કેટલાય વૈજ્ઞાનિકો એવો ખતરો જુએ છે કે આવનાર સામુહિક સર્વનાશ માનવસર્જિત કારણોને લીધે હોઈ શકે અને જો તેવું થાય તો પહેલીવાર જ એવું બનશે કે અટકાવી શકાય તેવી સમસ્યા આપણે ન રોકી શક્ય અને પરિણામે માત્ર માનવી જ નહિ, અન્ય જીવસૃષ્ટિનો પણ નાશ થયો. આ વાત ડરાવે તેવી છે, પણ તેમાં ઘણું મોટું સત્ય છે. ડિસેમ્બર ૨૦૨૨માં પ્રકાશિત એક અભ્યાસ તો કહે છે કે આ સર્વનાશની શરૂઆત થઇ ગઈ છે અને તે ધીમું પરંતુ નિશ્ચિત રીતે જ નિર્ધારિત દિશામાં આગળ વધી રહ્યું છે. તેના ઉદાહરણ તરીકે મોરેશિયસના ડોડો નામના પક્ષીનું ઉદાહરણ આપવામાં આવે છે. ડોડો મુરઘી જેવું, તેનાથી થોડું મોટું, ઉડી ન શકે તેવું પક્ષી હતું જેની નૈસર્ગીક વસાહતનો નાશ થવાથી અને વધારે શિકાર થવાથી હવે તે સંપૂર્ણપણે વિલુપ્ત થઇ ગયું છે. ૧૭મી સદીના મધ્યમાં જ આ પક્ષીને માનવીએ મોરિશિયસ પર માનવીએ પોતાની વસાહતો સ્થાપીને પોતાની નજર સામે, ઘણુંખરું તેના પોતાની જ પ્રવૃતિઓથી તેને માત્ર અભ્યાસમાં જીવવા દીધું છે.
માનવીની કેટલીય એવી પ્રવૃતિઓ આપણી સામે ટાંકવામાં આવે છે જેને કારણે કેટલીય પક્ષી અને પ્રાણીઓની જાતિઓ વિલુપ્ત થઇ છે અથવા થઇ રહી છે. પરંતુ તેને અટકાવવા માટે કેટલા પગલાં આપણે લઇ રહ્યા છીએ તે અંગે સભાનતાપૂર્ણ અભ્યાસ થયા નથી. શું આપણે પોતાના અવિચારી કાર્યોને લીધે છઠ્ઠા સામુહિક વિનાશને એ તબક્કે લાવી મુક્યો છે કે હવે તેમાંથી બચવાનો કોઈ ઉપાય જ રહ્યો નથી? શું હજુ પણ કઈ થઇ શકે તેમ છે? કોઈ રીતે આ શરુ થઇ ગયેલા છઠ્ઠા સામુહિક વિલોપનને અટકાવવાના પ્રયત્નો કરી શકીએ તેમ છીએ? પ્રશ્ન બહુ ગંભીર છે અને કેટલાય લોકો ‘એમાં મારો શું વાંક?’ કે ‘એમાં હું શું કરી શકું?’ તેવું કહીને છાપું બાજુમાં મૂકી દે તેવું બને. પરંતુ વાસ્તવમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે તો પોતાનું યોગદાન આપી જ શકે છે અને તે કેવી રીતે હોઈ શકે તે વ્યક્તિએ પોતાની પરિસ્થિતિ જોઈને નક્કી કરવાનું રહે.