બાળપણમાં તમે ક્યારેય ચાવી વાળી મોટરગાડી ચલાવી હોય તો તમને યાદ હશે કે જયારે તે ચાલતી ચાલતી પલંગ નીચે જાય કે બીજી કોઈ દિશામાં જાય ત્યારે આપણે તેને આંગળીથી થોડો ધક્કો મારીને, તેનું મોઢું ફેરવીને સાચી દિશા તરફ વાળીએ તો તે ઈચ્છીત દિશામાં ચાલવા માંડે છે. આ રીતનો નાનો ધક્કો રમકડાંની ગાડીને આપણી ધરી દિશામાં ચલાવ્યા કરે છે. ક્યારેક આપણને પણ આવો નાનો નાનો ધક્કો સાચી દિશામાં ચાલવામાં મદદ કરે છે. આપણને પણ કોઈ આવો ઠોંસો મારતું રહે, ખોટી દિશામાં જતા રોકતું રહે તો દિશા ન ચૂકીએ. આવું દિશા દર્શન કરવા માટે કોઈનું સતત આપણી નજીક હોવું, આપણી પ્રવૃતિઓ પર ધ્યાન આપવું આવશ્યક છે.

મોટા ભાગે આપણે જાણીએ છીએ કે આપણા માટે શું સારું છે અને શું ખરાબ છે. કઈ પ્રવૃત્તિ આપણને લાભકારી છે અને કઈ નુકશાનકારક. તેમ છતાંય ઘણીવાર આપણે સાચી દિશામાં ગતિરત રહી શકતા નથી. કોઈને કોઈ કારણથી આપણે ન કરવાના કામ કરી બેસીએ છીએ. સલાડને બદલે પિત્ઝા ખાવા એ બહુ સામાન્ય ભૂલ છે જે આપણે વારંવાર, જાણવા છતાંય કરીએ છીએ. આવા સમયે જો કોઈ આપણને નાનો ધક્કો મારીને યાદ કરાવે તો શક્ય છે કે ૧૦૦% નહિ તો ૭૫% તો આપણે ખોટું ડિસિઝન બદલીને યોગ્ય નિર્ણય કરી શકીએ. આવો ઈશારો કે ઠોંસો લાંબાગાળે આપણા જીવનમાં ઘણું પરિવર્તન લાવી શકે છે.

વિચારો કે તમે નેટફ્લિક્સ જોતા હોય. ઈરાદો કોઈ સીરીઝનો એક એપિસોડ જોઈને પછી સમયસર ઊંઘી જવાનો હોય જેથી કરીને સવારે વહેલા ઉઠીને જોગિંગ માટે જઈ શકાય. પરંતુ એક પછી એક એપિસોડ ઓટોમેટિક જ સ્ટ્રીમ થતા જાય અને આપણે મોડી રાત સુધી સોફા પર બેઠા બેઠા ચિપ્સ ચાવતા રહીએ અને સિરીઝ જોતા રહીએ. આવા સમયે જો કોઈ યાદ કરાવે, અને ધીમેથી માનસિક રીતે નિર્ણય લેવામાં માટે ધક્કો મારે તો કદાચ નવો એપિસોડ શરુ થાય તે પહેલા આપણે નેટફ્લિક્સ બંધ કરીને ઊંઘવા જતા રહીએ. આ એક નાનો નિર્ણય બીજા દિવસે સવારે જોગિંગ માટે જવા માટે આવશ્યક ઊંઘ પુરી પડી શકે. બીજા દિવસે સવારે ફરીથી એવો જ નાનો માનસિક ધક્કો મળે, ભલે તે પછી એલાર્મથી હોય – પોતાના સેલ્ફ-મોટિવેશનથી હોય, તો જોગિંગ કરવાનો નિર્ણય પણ પાર પડે.

આવા નિર્ણય કરવામાં કે બદલવામાં મદદરૂપ માનસિક ધક્કાને આપણે જાતે જ તૈયાર કરી શકીએ તો કેટલું સારું? પોતે જ એવા કોઈ ઉપાય બનાવી લઈએ કે જેનાથી આપણી પ્રવૃતિઓ નિર્ધારિત અને યોગ્ય દિશામાં જળવાઈ રહે તેવા ધક્કા મળ્યા કરે તો સૌથી ઉત્તમ. માનો કે નેટફ્લિક્સ પર સિરીઝ જોવાનું શરુ કરીએ અને તેનો એપિસોડ ૧ કલાકનો હોય તો આપણા મોબાઈલ પર રિમાઇન્ડર મૂકીએ જે એક કલાક પછી વાગે તો? અને જો મોબાઈલ આપણે બેઠા હોઈએ તેનાથી દૂરના ટેબલ પર મૂકીએ તો? એવું કરવાથી એક તો જયારે રેમાઇન્ડરનું એલાર્મ વાગે ત્યારે આપણે માનસિક સૂચના મળે કે બીજો એપિસોડ જોવાનો નથી. ઉપરાંત એ સતત વાગતું એલાર્મ બંધ કરવા માટે આપણે સોફા પરથી ઉઠવું પડે અને ટેબલ સુધી જવું પડે તે ક્રિયા આપણને વધારે અસરકારક રીતે બીજો એપિસોડ ન જોવા નિર્ધારિત કરી શકે. જો ઉભા થઈને એલાર્મ બંધ કરીને ફરીથી આપણે બીજો એપિસોડ જોવાનું શરુ કરીએ તો તેનો અર્થ માત્ર એ જ થાય કે આપણે વહેલા ઉંઘીને સવારે જોગિંગ કરવા જવા માટે પ્રતિબદ્ધ નહોતા. પ્રતિબદ્ધતાનો વિકલ્પ આવા માનસિક ધક્કાથી ન મેળવી શકાય પરંતુ માત્ર નાની યાદગીરી જેવું કામ કરી શકાય.

જો તમારે પણ કોઈ રીતે પોતાની આદતો સારી બનાવવી હોય, નાના નાના ધક્કા દ્વારા તમારી મોટરગાડી સાચી દિશામાં દોડાવવી હોય તો આ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. રિચાર્ડ એચ. થાલેર અને કાસ આર. સન્સ્ટેઇન દ્વારા લખાયેલું પુસ્તક નજ – Nudge આપણને આરોગ્ય, સંપત્તિ અને આનંદ અંગે આપણા નિર્ણયો સુધારવામાં મદદરૂપ બની શકે છે.