ગયા રવિવારે લંડનમાં બરફ પડ્યો – સ્નોફોલ થયો. ક્રિસ્મસથી આપણે લોકો સ્નોફોલની રાહ જોઈ રહ્યા હતા અને આ વર્ષે આવેલી ઠંડીને કારણે આપણને સૌને લાગતું હતું કે આ વખતે વ્હાઇટ ક્રિસ્મસ જોવા મળશે. પરંતુ તેવું બન્યું નહિ. ૨૦૧૯ની ક્રિસ્મસ પણ વ્હાઇટ ક્રિસ્મસ નહોતી અને સ્નોફોલની આશા ફળીભૂત થઇ નહોતી. આ વર્ષ પણ એવું જ ગયું. નો સ્નોફોલ ઓન ક્રિસ્મસ ઓર ન્યુયર અને ઓછામાં પૂરું આ વર્ષે તો ક્રિસ્મસ અને નવું વર્ષ બંને લોકડાઉનમાં ગયા. લોકો પોતાના પરિવારને પણ ન મળી શક્યા.

આવી સ્થિતિમાં આ રવિવારે બે-ત્રણ કલાક માટે લંડનમાં સ્નોફોલ થયો ત્યારે તેની અસર એટલી સારી થઇ કે લોકોના મૂડ બદલાઈ ગયા. બાળકોથી માંડીને યુવાનો અને વૃદ્ધો ખુશ થઇ ગયા. લોકોએ પોતાના ઘરના ફળિયામાં, કોઈએ શેરીમાં તો કોઈએ પાર્કમાં જઈને સ્નોની મજા લીધી. સોશ્યિલ મીડિયા પર લાખો ફોટો અને વિડિઓ સ્નોફોલ સાથે ઉપલોડ થયા. લોકોએ પોતાના પરિવારના લોકોને અને મિત્રોને પોતાના સ્નોફોલની મજા લેતા ફોટો અને વિડિઓ મોકલ્યા. કેટલાય લોકોએ વિડિઓ કોલ કરીને પોતાના પરિવારને સ્નોફોલ બતાવી. વોટ્સએપના સ્ટેટસમાં અને ગ્રૂપ્સમાં પણ સ્નોફોલ, સ્નોમેન અને સ્નોએંજલના ફોટો ફરવા માંડ્યા. એકંદરે આ સ્નોફોલ લોકોનો મૂડ અપલીફ્ટ કર્યો, લોકોમાં ઉત્સાહ અને ઉમંગ જગાવ્યા.

આ બાબત આપણા માટે એક સંદેશરૂપ છે. વાતાવરણમાં આવેલા એક પરિવર્તને કેવી રીતે લાખો લોકોનો દિવસ બદલ્યો, લોકોના મનમાં ખુશી અને હર્ષ જગાવ્યા અને તે પણ એટલા સ્વસ્થ અને સુંદર રીતે કે સૌ આખું વર્ષ તેના અંગે વાતો કરશે. આ ક્ષમતા માત્ર કુદરતમાં જ છે. કોઈ પણ માનવનિર્મિત કાર્ય આવું પરિવર્તન ન લાવી શકે. કેટલા પણ સારા સમાચાર આપો તે આટલી મોટી સંખ્યામાં લોકોને હર્ષોલ્લાસની લાગણી ન આપી શકે. કુદરત ઈચ્છે તો લોકોને હસાવી શકે અને ધારે તો રડાવી શકે તે વાતનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. એક્વખતના સ્નોફોલથી લોકોનો મૂડ આવનારા ઘણા સમય માટે બદલાઈ ગયો છે. લોકડાઉનને કારણે લોકોના મનમાં જે હતાશા અને નિરાશા જન્મી રહ્યા હતા, લોકોના જીવનમાં જે સ્ટ્રેસ અને તણાવ પેદા થયા હતા તે ઓસરી ગયા અને તેનું સ્થાન આનંદે લઇ લીધું. તે પણ પળભરમાં જ.

આપણે બીજી એક વાત પણ સમજવા જેવી છે. સામાન્યરીતે આપણે ઘરની બહાર જવું, લોકોને મળવું અને વાતચીત કરવી બહુ સામાન્ય પ્રકારની પ્રવૃત્તિ ગણતા હોઈએ છીએ. પરંતુ આ વર્ષે ક્રિસ્મસ અને ન્યુ યર પર પણ આ સ્વતંત્રતા ન રહી ત્યારે કદર થઇ કે જેને સામાન્ય ગણીને અવગણી દઈએ છીએ તેવી બાબતો જીવનમાં કેટલું મહત્ત્વ ધરાવે છે. જો તે ન હોય તો જ આપણને સમજાય કે તેમનું મહત્ત્વ શું છે. આ રોજબરોજની સ્વતંત્રતા, મનમાં આવે તે રીતે રહેવાની આઝાદી આપણા માટે કેટલું મોટું વરદાન છે. જો તે ન હોય તો કેવી સ્થિતિ હોઈ શકે તે આપણે આ વર્ષના લોકડાઉનમાં સમજ્યા. એ વાત મહત્ત્વનો સંદેશો બની કે આપણી પાસે જે રોજિંદી નાની નાની ખુશીઓ છે તેની કદર કરતા શીખવું અને તેને એન્જોય કરવી. તેમની હાજરીને વધાવવી અને તેના માટે કુદરતના ઋણી રહેવું.

Don’t miss new articles