કોરોના વાઇરસ માનવજાત સામે આવી ચડેલી અણધારી આફત છે અને તે આપણને કેટલાય પાઠ ભણાવી જાય છે. આમ તો તેજતર્રાર ચાલતી ઝીંદગીમાં આપણને પોતાની સાથે કે પરિવારના લોકો સાથે બેસીને વાતો કરવાનો સમય મળતો નહોતો. સાથે હોઈએ ત્યારે પણ ટીવી ચાલુ હોય કે બધાય પોતપોતાના ફોનમાં કે લેપટોપમાં ગોઠવાયેલા હોય. પરંતુ આ સમય કદાચ સૌને નજીક લાવે તેવી શક્યતા છે. કેટલાક એવા બોધપાઠ જે સૌ માટે જરૂરી બની શકે:

૧. થોડા ધીમા પડીએ: ખુબ દોડ્યા. દિવસની કેટલીય મિટિંગો અને કેટલાય પ્રસંગોમાં હાજરી આપી આપીને જોડા ઘસ્યા. ટ્રાફિકમાં ફસાઈને કલાકો કાઢ્યા. પરંતુ હવે સમય છે થોડા ધીરા પાડવાનો. બિનજરૂરી હોય તેવી પ્રવૃતિઓ ઓછી કરવાનો. ધ્યાન વધારે મહત્વની પ્રવૃતિઓ પર કેન્દ્રિત કરવાનો અને નકામી કાર્યવાહીઓ પડતી મુકવાનો.

૨. ટેક્નોલોજીનો ઉપયોગ સારી રીતે કરીએ: આપણે એવી ટેક્નોલોજી વિકસાવી કે ઓફિસમાં સાથે મળીને કામ કરી શકીએ તેમ કોઈ ડોક્યુમેન્ટ પર અલગ અલગ જગ્યાએ બેઠેલા લોકો એકસાથે કામ કરી શકે. રૂબરૂ મળતા હોઈએ તેમ જ કોંફ્રન્સ અને વિડિઓ કોલ દ્વારા એકબીજા સાથે મિટિંગ કરી શકીએ. ડોક્યુમેન્ટને હાથેથી આપવા જવાને બદલે ઇમેઇલ કે અન્ય રીતે મોકલી શકીએ. સિક્રેટ હોય તો પાસવર્ડ પ્રોટેક્ટ કરી શકીએ અથવા એન્ક્રીપટ કરી શકીએ. આ બધી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને હવે બિનજરૂરી દોડધામ ઓછી કરીએ. પ્રવાસ કર્યા વિના આ બધા કામ થઇ શકે તેવા વિકલ્પો ટેક્નોલોજીમાંથી શોધવાનો સમય આવી ગયો છે.

૩. બિનજરૂરી પેટ્રોલ ન ફૂંકીએ: જરૂરી ન હોય તો પણ આપણે બહાર નીકળી પડતા. હવે ઘરમાં બેસીને, ઓછા બહાર નીકળીને પણ આપણી ઝીંદગી તો ચાલે છે ને? બહુ ઓછા કામ હશે જે અટક્યા હશે. સરળતાથી ઉપલબ્ધ હોવાથી આપણે ટિકિટ ખરીદીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા નીકળી પડતા. વિઝા અને વિદેશ પ્રવાસ પણ ખુબ વધી ગયા હતા. તેમાં પણ કોઈ નવાઈ કે વડાઈ રહી નહોતી. આ બધાને કારણે પર્યાવરણને પણ નુકશાન તો થતું જ. પ્રદુષણ, ટ્રાફિક, પ્રવાસીઓ દ્વારા કરવામાં આવતો કચરો અને એ બધાને કારણે ક્લાઈમેટ ચેન્જ. આ બધું હવે ઓછું કરવાની જરૂર છે. બિનજરૂરી પેટ્રોલ ફૂંકવાનું બંધ કરવું જોઈએ.

૪. પોતાની અંદર ડોકિયું કરીએ અને અધ્યાત્મનો સ્વીકાર કરીએ: વર્ષ ૨૦૨૦ની શરૂઆત થવાની હતી. નવું વર્ષ જ નહિ પરંતુ નવું દશક આવી રહ્યું હતું. અમેરિકા અને ચીન ટ્રેડવોરમાં, યુકે અને યુરોપ બ્રેક્ઝિટમાં, ભારત કાશ્મીર અને નાગરિકતાને લગતા મુદ્દાઓમાં વ્યસ્ત હતા. ત્યારે ચીનમાં દિવસ-રાત વૃદ્ધિ પામી રહેલો કોરોના વાઇરસ આપણા બધા માટે ખતરો બની જશે તેવું વિચાર્યું પણ નહોતું.  અચાનક જ તેણે આપણને સૌને માનવીની શક્તિની મર્યાદા વિષે ભાન કરાવી દીધું છે. આપણે કેટલીય પ્રગતિ કરીએ, કુદરતમાંથી ક્યારે નવી ચેલેન્જ આવી જાય તે કહેવાય નહિ. આ સંદર્ભે જરૂરી છે કે આપણે સૌ પોતાની અંદર ડોકિયું કરીએ. આધ્યાત્મનો સ્વીકાર કરીએ. પોતાની નાનપ સ્વીકારીએ અને પોતાની દરેક પ્રવૃત્તિને અધ્યાત્મ અનુસાર, સૌના હિત માટે, સૌના ભલા માટે કરીએ. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *