તમે ફોન પર કોઈનો મેસેજ વાંચો, કે ટ્વિટ દ્વારા વહેતા સંદેશ જુઓ ત્યારે તમને ક્યારેય ખ્યાલ આવે છે કે હવે માહિતીનો પ્રસાર કેટલો ઝડપી બની ગયો છે? આપણને લગતા વળગતા ન હોય તેવા સંદેશ જોઈને નજરઅંદાજ કરી દેવાનું આપણા સ્વભાવમાં છે. લાખોની સંખ્યામાં મળતી માહિતીના ટચુકડા ટુકડાઓ અંગે આપણે ખાસ ધ્યાન આપતા નથી. પરંતુ હજારો માઈલ દૂર અને સાત સમુદ્ર પાર કોઈ દેશના નાનકડા ગામમાં બનતી ઘટના અંગે સમાચાર વહેતા કરવામાં આવે તો તે દુનિયાના દરેક ખૂણે એક સેકંડથી પણ ઓછા સમયમાં પહોંચી જાય છે. વિચારો કે પહેલા અમેરિકાના કોઈ ગામડાથી ભારતના ગામડા સુધી કોઈ માહિતી આપવી હોય તો કેટલો સમય લાગતો?

આધુનિક ટેલિફોન દ્વારા સંદેશવાહનનો સમય પહેલા લાગતાં ૧૦ લાખ સેકંડથી ઘટીને ૦.૦૦૫૩ સેકન્ડ જેટલો રહી ગયો છે. ગણતરી કરવામાં આવે તો આ વીસ કરોડ ગણી વધારે ઝડપ છે! એટલે કે સંદેશા હવે ૨૦ કરોડ ગણી વધારે ઝડપે પહોંચે છે. માનો કે કોઈ માહિતી તમારે ૧,૦૦૦ માઈલ દૂર પહોંચાડવી હોય તો તેના માટે માત્ર એક મિલી સેકન્ડ લાગે છે. મોબાઈલ અને ઈન્ટરનેટના આવિષ્કાર પહેલા અન્ય માધ્યમો દ્વારા કોઈ સંદેશ ૧૦૦૦ માઈલ દૂર પહોંચાડવા કેટલો સમય લાગતો તે ખબર છે? માનો કે તમે કોઈ સંદેશવાહક વ્યક્તિને મોકલ્યો હોય તો તે વિક્રમી ઝડપે પહોંચે તો પણ ૧૧ દિવસ અને ૨૦ કલાકે તમારો સંદેશો ૧,૦૦૦ માઈલના અંતરે પહોંચાડી શકે. તેનાથી થોડું ઝડપતી માધ્યમ હતું ઘોડેસવાર જેને ૩ દિવસ અને ૨૧ કલાક લાગતાં. સિગ્નલ ટેલિગ્રાફ કરીએ તો (જેમાં અમુક અંતરે સ્થિત લોકો એકબીજાના સંકેત આગળને આગળ વહાવતા જાય) ૧ દિવસ અને ૧૨ કલાક લાગે. તાલીમબદ્ધ કબુતરની ઝડપ ઘણી સારી હતી અને તે ૧ દિવસ અને ૧૦ કલાકમાં તમારો સંદેશો એક હજાર માઈલ સુધી પહોંચાડી શકતા. ઓપ્ટિકલ ટેલિગ્રાફ આવ્યા પછી આવા સંદેશ ૪ કલાક અને ૧૦ મિનિટ જેટલા સમયમાં એક હજાર માઈલ જેટલી દુરી સુધી પહોંચી જતા. પછી આવ્યા ટેલિગ્રાફ જે માત્ર ૩ મિનિટમાં અને ત્યારેબાદ સ્વીચબોર્ડ ટેલિફોને જે ૪૦ સેકન્ડમાં આવા સંદેશ વહેતા કરતા હતા. પરંતુ હવે આવી ગયા છે મોબાઈલ ફોન. આજની ટેક્નોલોજીથી માત્ર ૦.૦૦૫૩ સેકન્ડમાં આ સંદેશ પહોંચે છે અને તેને પણ અંતર સાથે કઈ લેવા દેવા નથી. વિચારો કે પગે ચાલીને સંદેશો પહોંચાડવા જતા દૂતથી માંડીને આજના મોબાઈલ ફોન સુધીની કેટલી પ્રગતિ આપણે કરી છે જેને કારણે માહિતીનો પ્રસાર ૨૦ કરોડ ગણી ઝડપે થઇ રહ્યો છે.

આટલી ઝડપે દુનિયા ચાલી રહી છે અને જેટલી વિજ્ઞાને પ્રગતિ કરી છે તેનો અંદાજ આપણે ઘણીવાર થતો નથી. ક્યારેક આપણે જુના સમયને (જો જોયો હોય તો) યાદ કરીને વસવસો અનુભવતા હોઈએ છીએ. પહેલાનો સમય કેવો નિરાંતનો હતો અને હવે જમાનો કેવો ઝડપી બની ગયો છે તે વાત કોઈ કરે તો તેમાં કઈ ખોટું નથી. કેટલી ફાસ્ટ દુનિયામાં આપણે જીવીએ છીએ તેનો અંદાજ આ સંદેશવહનની ગતિથી આવી જશે. જો માહિતી અને સૂચના આટલી ગતિથી રેલાતી હોય તો તેને કારણે બધા જ કામ તેની સાથે તાલ મિલાવે તે જરૂરી છે. પહેલા તમે કોઈ આંતરરાષ્ટ્રીય કંપની માટે કામ કરતા હોય તો તમને મોટાભાગે કામ કરવાની સ્વતંત્રતા હોય. સ્થાનિક ધોરણે લગભગ બધા જ નિર્ણયો તમારે કે તમારા સ્થાનિક વડાએ કરવાના હોય. પરંતુ હવે તો દરેક બાબત માટે હજારો માઈલ દૂર બેઠેલા હેડક્વાર્ટરથી તમારા કાર્ય પર રિઅલટાઈમ દેખરેખ અને નિયંત્રણ શક્ય છે. શક્ય છે તમારી ગતિવિધિઓને સીસીટીવી કેમેરાથી જોવામાં પણ આવતા હોય. તમારા કામની ગતિ અને દિશા બધું જ દુનિયાના બીજા ખૂણે બેઠેલી કોઈ વ્યક્તિ જોઈ શકે છે અને માર્ગદર્શન કરી શકે છે.

મોટાભાગની વ્યક્તિઓ હવે પોતાના કામ અને વ્યક્તિગત જીવનમાં કોઈને કોઈ પ્રકારનો સ્ટ્રેસ અનુભવતી હોય તેવું સામે આવી રહ્યું છે. તેનું કારણ એ પણ છે કે લોકો પાસે દરેક ક્ષેત્રમાં અપેક્ષાઓ વધી રહી છે. માનો કે તમે એક ભીડમાં ચાલી રહ્યા છો જેમાં હજારો માણસો તમારી આગળ-પાછળ છે. તો તમારે તેમની ગતિએ ચાલવું જ પડે કેમ કે તમારી આગળ, પાછળ અને આજુબાજુના લોકોની ગતિ તમારી ગતિ નિર્ધારિત કરે છે. તમને ધક્કા લાગે છે અને તમે ચાલ્યા જાઓ છો. આ ભીડ હવે ધીમે ધીમે ચાલતી નથી. તે દોડી રહી છે. તેમની ગતિ સંદેશવહનની ગતિની જેમ વધી રહી છે અને વધતી જ જાય છે. તેવી ભીડમાં એટલો અવકાશ નથી કે તમે તમારી ગતિ નક્કી કરી શકો. આ વધતી જતી ગતિને કારણે તમારે પણ પોતાના જીવનને તેની સાથે તાલબદ્ધ કરવું પડે છે. જો ન થાય તો પાછળથી અને બાજુએથી ધક્કા લાગી શકે. આ ધક્કા મારવાનો કોઈનો ઈરાદો નથી પરંતુ તે લાગી જ જાય છે. શું થાય – ભીડ ચાલતી રહે છે અને તેની વચ્ચે ફસાયેલા આપણે પણ તેમાં ઘસડાય કરીએ છીએ. તેને કારણે જે લોકો તેની સાથે કદમ ન મિલાવી શકે તેમને સ્ટ્રેસ આવે છે. જયારે જયારે કદમ ન મિલાવી શકે ત્યારે ત્યારે સ્ટ્રેસ આવે છે. જ્યાં સુધી ભીડની ગતિથી દોડી શકાય ત્યાં સુધી તો સૌની સાથે અંતર કાપ્યાનો અંદર હોઈ શકે પરંતુ જયારે તેવું ન થાય ત્યારે પાછળ રહી ગયાનો, ધક્કા લાગવાનો તણાવ પણ આપણે અનુભવીએ છીએ.

આ ઝડપના તણાવથી બચવાનો એકમાત્ર ઉપાય એ છે કે એ ભીડમાંથી બહાર નીકળીને બીજી ભીડમાં જઈએ જેની ગતિ ઓછી હોય. જે આપણને માફક આવે. જ્યાં આપણે સેટ થઇ શકીએ. પોતાના જીવનને તણાવમુક્ત બનાવવા માટે આપણી ભીડ આપણે જાતે જ શોધવી પડશે.

Don’t miss new articles