જીવનમાં જેમ જેમ આપણે એક પછી એક પગથિયું ચડતા જઈએ તેમ તેમ કઈંક નવું નવું શીખવા મળે છે અને નવા અનુભવ થાય છે. જે રીતે શાળામાં એક ધોરણ પછી બીજા ધોરણમાં આગળ ચડતા જઈએ તેમ તેમ જ્ઞાન વધતું જાય તેવું જ જીવનના અન્ય ક્ષેત્રમાં પણ થાય છે. ક્રમશઃ આગળ વધવાની, શીખવાની અને અનુભવ પ્રાપ્ત કરવાની એક પ્રક્રિયા છે જેને સમજવી અને સ્વીકારવી અનિવાર્ય છે.

સીડીના એક પછી એક પગથિયાં ચડવાથી સલામતી અને સ્થિરતા નિશ્ચિત રહે છે. જે કોઈ એકસાથે બે-ત્રણ પગથિયાં ચડવાની કોશિશ કરે છે તેના લથડી પાડવાની સંભાવના વધારે હોય છે. જે વ્યક્તિ પોતાની કારકિર્દીમાં ધીમે ધીમે પ્રગતિ કરવાને બદલે જલ્દીથી સફળતાની સીડી ચડી જવા ઉતાવળા બને છે તેના ધડામ દઈને પાડવાના ચાન્સ વધારે હોય છે. જેમ પાયો મજબૂત ન હોય તો મકાનની મજબૂતી અંગે શંકા રહે છે તેવી જ રીતે જો વેપાર ધંધામાં કે કારકિર્દીમાં આપણે ક્રમશઃ પ્રગતિ ન કરી હોય, એક પછી એક તબક્કે અનુભવ પ્રાપ્ત ન કર્યો હોય તો પાયો મજબૂત બનતો નથી. આવી સ્થિતિમાં કદાચ કોઈ સાનુકૂળ પરિસ્થિતિને કારણે આપણે આગળ વધી પણ જઈએ તો પણ ક્યાંક અંદરથી પોલાણ રહી જતું હોય છે જે ખરા સમયે આપણને નબળા પાડી દે છે.

એક મોટા શેઠે પોતાનો દીકરો ભણી ગણીને પરવારી ગયો પછી તેને પોતાના જ કારખાનામાં હેલ્પરનું કામ કરવા રાખ્યો. ગામના લોકોએ પૂછ્યું કે શા માટે આટલું ભણેલા દીકરાને આવા નાના કામ કરવો છો? એને મેનેજર બનાવી દો ને? શેઠે જવાબ આપ્યો કે જ્યાં સુધીએ કારખાનાના પાયાનું અને નાનું કામ નહિ શીખે ત્યાં સુધી એ મેનેજર નહીં બની શકે. કોઈ ધંધાને મેનેજ કરવા માટે તેના દરેક કામની સમજ હોવી જરૂરી છે. આ વાત સામાન્ય લાગે તેવી છે પણ તેમાં ઘણું શાણપણ સમાયેલું છે. જે લોકો પોતાના બેઝિક્સ ક્લીઅર નથી રાખતા, પાયાની મૂળભૂત બાબતોની સમજ નથી ધરાવતા તેને કોઈપણ બેવકૂફ બનાવી શકે છે.

એક મોટો બિઝનેસમેન પોતાની કારમાં કોઈ ફોલ્ટ આવતા મિકેનિક પાસે ગયો. મિકેનિકે બોનેટ ખોલીને એક બોલ્ટ ટાઈટ કર્યો અને કહ્યું કે કાર રીપેર થઇ ગઈ લાવો બે હજાર રૂપિયા. બિઝનેસમેનને ગુસ્સો આવ્યો. એક મિનિટનું આટલું સરળ કામ અને તેના બે હજાર રૂપિયા? મિકેનિકે કહ્યું કે આ કામ શીખવા માટે મેં જીવનના વિસ વર્ષ આપ્યા છે ત્યારે તે સરળ બન્યું છે. જો કામ બધા માટે એટલું જ સરળ હોત તો તમે મારી પાસે શા માટે આવત? વાત સાચી છે. ઘણીવાર બહુ સામાન્ય, પાયાનું કે સરળ જણાતું હોય તે કામ વાસ્તવમાં ઘણું અઘરું હોય છે. જેને તેના અંગે સમજ પડતી હોય તે જ એવા કામને સહેલાઈથી કરી શકે છે.

આવી સહજતા ક્રમશઃ, તબક્કાવાર મહેનત કરવાથી જ પ્રાપ્ત થાય છે. જે લોકો આ સામાન્ય નિયમને અવગણીને કૂદકો મારીને, પગથિયાં ઠેકીને આગળ વધી જવાની કોશિશ કરે છે તે ક્યારેક તેનું પરિણામ ભોગવે છે. જે રીતે ગણિતમાં પાયો નબળો હોય તો આગળના પ્રકરણ શીખવા મુશ્કેલ પડે છે તેવું જ બીજા બધા ક્ષેત્રોમાં પણ થાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કોઈ લોકો નિર્ધારિત પ્રણાલીને અનુસરે છે પરંતુ ઘણા લોકો તેમ છતાંય પોતાના ઓવરકૉન્ફિડન્સને કારણે મનમાની કરે છે. કોઈએ શોર્ટકટ લેવો છે કે પદ્ધતિસર આગળ વધવું છે તે સૌનો પોતાનો નિર્ણય છે પરંતુ પ્રકૃતિના નિયમાનુસાર જે પરિણામ આવવાનું છે તે કોઈના હાથમાં નથી, તેને કોઈ અવગણી શકતું નથી. તેના ઉપર કોઈનું જોર ચાલતું નથી.

બાળપણથી જ જે આદત આપણામાં પડે તે સામાન્યરીતે વયોવૃદ્ધ થતા સુધી રહે છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હોય છે કે જે જીવનમાં અધવચ્ચે ઠોકર ખાઈને પોતાની આદત બદલવા મજબુર બને છે. વળી પાકા ઘડે કાંઠા ચડાવવા આસાન નથી હોતા. એટલા માટે સૌએ પહેલાથી જ શક્ય હોય તેટલું પદ્ધતિસર અને તબક્કાવાર કામ કરવાની આદત પડાવી જોઈએ.

Don’t miss new articles