થોડા સમય પહેલા એવર ગીવન નામનું એક મહાકાય જહાજ સુએઝ કેનાલમાં ફસાઈ ગયું. એવર ગીવન જાપાનીઝ શિપ કંપનીની માલિકીનું વિશ્વના સૌથી મોટા જહાજો પૈકીનું એક છે. એક તાઇવાનીઝ કંપની ‘એવરગ્રીન’ તેને લીઝ પર ચલાવે છે, તે પનામામાં રજીસ્ટર્ડ છે અને એક જર્મન કંપની તેની તકનીકી રખરખાવની જવાબદારી ધરાવે છે. જહાજ પર પચીસેક જેટલા ભારતીય ખલાસી પણ કામ કરે છે. આ ૧૩૧૨ ફુટ અને ૨ ઇંચ લાબું જહાજ છ દિવસ સુધી સુએઝ કેનાલમાં ફસાયેલું રહ્યું અને તેને બહાર કાઢવાના કેટલાય પ્રયત્નો થયા.
એવર ગીવને મલેશિયાથી નેધરલેન્ડના રોટરડેમ પોર્ટ જવાની સફર શરુ કરી હતી. સુએઝ કેનાલમાંથી પસાર થતા ૨૩મી માર્ચના સવારે તે સાંકડી કેનાલના બે કિનારા વચ્ચે આડું થઇ ગયું અને એક કિનારે રેતીમાં ફસાઈ ગયું. પવન વધારે હતો અને તેને કારણે જહાજને સીધી દિશામાં ચલાવવા અને તેના પર નિયંત્રણ રાખવા એવર ગીવનના કપ્તાને જહાજને લગભગ ૧૫ નોટિકલ માઈલથી વધારે ગતિએ સુએઝ કેનાલમાં તરાવ્યું હતું. અધિકૃત ગતિ મર્યાદા ૧૦ માઈલથી ઓછી છે.
લગભગ બે લાખ વિસ હજાર ટનનો વજન ધરાવતું આ જહાજ ૭૯,૫૦૦ હોર્સપાવરનું એન્જિન ધરાવે છે અને ૨૬ માઈલની ઝડપે તરી શકે છે. જેને આપણે લાર્જ કન્ટેઇનર શિપ તરીકે ઓળખીએ છીએ તેની કેપેસીટી ૯૦૦૦ કન્ટેઈનરની હોય છે જયારે એવર ગીવન જહાજમાં ૨૦,૦૦૦ જેટલા કન્ટેઇનર લોડ થઇ શકે છે એટલે તેને આપણે મેગાશીપ કહી શકીએ. જ્યાં બે લાર્જ કન્ટેઇનર શીપની જરૂર હોય ત્યાં આવી એક જ મેગાશીપ કામ પૂરું કરી દેતી હોવાથી છેલ્લા કેટલાક સમયથી આવા અતિમહાકાય જહાજોની સંખ્યા વધી રહી છે. તેમ છતાં આજે પણ એવર ગીવન જેવા મેગાશીપ વિશ્વની કુલ સમુદ્રી જહાજોની વસ્તીનો ૧% કરતા પણ ઓછો હિસ્સો છે. જયારે કેનાલમાં ફસાયું ત્યારે આ જહાજ પર લગભગ ૧૮,૦૦૦ કન્ટેઇનર હતા. એક કન્ટેઈનરની સાઈઝ એક કારના ગેરેજ જેટલી હોય છે.
જહાજ આટલું મોટું હોવાથી તે ફસાયું એટલે પરિણામે આખી કેનાલ બ્લોક થઇ ગઈ હતી. તેનો એક છેડો કેનાલના એક કિનારે રેતીમાં ફસાયો હતો અને બીજો છેડો નહેરના બીજા કિનારાને અડવો બાકી હતો. પણ નહેર બ્લોક થઇ જવાને કારણે બંને તરફથી આવતા જતા જહાજોનો માર્ગ અવરોધાયો અને લગભગ ૨૦૦ જેટલા બીજા નાના-મોટા જહાજો પણ રોકાઈ ગયા. સુએઝ કેનાલ ૧૮૬૦ના દશકમાં બની તે પહેલા એશિયાથી યુરોપ જવાની સમુદ્રી મુસાફરી કેપ ઓફ ગુડ હોપના માર્ગેથી થતી. સુએઝ કેનાલ બનવાથી લગભગ બે અઠવાડિયા જેટલો જહાજની મુસાફરીનો સમય બચી ગયો છે જેને પરિણામે કેટલુંય ઇંધણ, સમય અને ખર્ચ બચ્યો છે.
જહાજનો છેડો કિનારેથી છૂટો કરીને ફરીથી તેને પાણીમાં તરતું કરવા તેને સીધું કરવું પડે તેમ હતું. તેના માટે જહાજને ખેંચીને, ધક્કા મારીને સીધું કરવાના પ્રયત્નો થયા. આ માટે ટગ બોટ – કે જેનું કામ આવા જહાજોને ખેંચવા કે ધકેલવાનું હોય છે – તેમનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ઉપરાંત રેતી અને તળિયાના કાંપને ખસેડવાથી જહાજ મુક્ત થઇ શકે. તેના માટે ઇજિપ્તની સુએઝ કેનાલ ઓથોરિટી પાસે ૩૧ જેટલા ડ્રેજીંગ જહાજો છે. આ ડ્રેજીંગ મશીન રેતી અને તળિયાના કાંપને ખોદીને હટાવે છે જેથી પાણીનો માર્ગ મોકલો બને અને જહાજ તરી શકે. આ કંપનીના બધા જ જહાજો ને વારાફરતી કામે લગાવી દેવામાં આવ્યા હતા અને જ્યાં એવર ગીવન ફસાયું હતું ત્યાંથી રેતી અને કાંપ હટાવવામાં આવી રહ્યો હતો પણ આ મહાકાય જહાજ કેમેય કરીને તારવી શકાતું નહોતું. દિવસો વીતતા જતા હતા અને દિવસે દિવસે ચિંતા વધતી જતી હતી. આ જહાજને કાઢવા માટે વિશ્વના બધા જ ટેક્નિકલ નિષ્ણાતો અને મોટી મોટી કંપનીઓ શામેલ થઇ ગઈ હતી. જયારે સ્થાનિક સ્તરે કામ નહિ થાય તેવું સ્પષ્ટ થઇ ગયું ત્યારે નેધરલેન્ડની Smit કંપનીને પણ બોલાવીને ડ્રેજિંગનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. આ કંપનીના નિષ્ણાતો અને તેમની ટીમે પણ ખુબ મહેનત કરવી પડી અને કુલ મળીને લગભગ ૨૭,૦૦૦ ઘનમીટર જેટલી માટી અને રેતી કાઢવી પડી હતી. તેના માટે ઇજિપ્તની મશહૂર નામની કંપનીના ડ્રેજર સિવાય Smit કંપની દ્વારા મહાકાય ડ્રેજર લાવવામાં આવ્યું હતું જેની ક્ષમતા એક કલાકમાં ૭૦,૦૦૦ ઘનફૂટથી વધારે રેતી ઉલેચવાની છે. આખરે બધા પ્રયત્નોને અંતે છ દિવસ બાદ ૨૯મી માર્ચે જહાજને મુક્ત કરાવી તરાવવામાં આવ્યું ત્યારે લોકોએ નિરાંતનો શ્વાસ લીધો અને બીજા જહાજોની પણ અવરજવર શરુ થઇ.