બાળપણમાં એક વાર્તા ભણવામાં આવતી, તેને જરા અલગ રીતે લખી છે.

ત્રણ વાંદરા હતા. એક આગેવાન, બીજો ચમચો અને ત્રીજો ચાલાક. તેમને ત્રણ કેળા મળ્યા. ત્રણેયે સમજદારીપૂર્વક એક એક કેળું વહેંચીને રાખી લીધું. આગેવાન વાનરે સૂચન કર્યું કે આપણે સવારે નાસ્તામાં કેળા ખાઈશું તો પાકીને વધારે મીઠા લાગશે. ચમચાએ હકારમાં માથું હલાવ્યું. ચાલકને લાગ્યું કે અત્યારે ખાઈને પતાવી દેવા સારા પણ બીજા બેઉ સવારે ખાવા માટે સહમત હતા એટલે કઈ ન બોલવું સારું એવું વિચારીને તેણે પણ હામી ભરી.

આગેવાને કહ્યું, ‘આપણે આ ત્રણેય કેળા બખોલમાં રાખી દઈએ અને સવારે ઉઠીને ખાઈશું.’

ચમચો અને ચાલાક બંનેની સહમતીથી ત્રણેય કેળા ઝાડની બખોલમાં રાખવામાં આવ્યા.

ત્રણેય વાનર ઊંઘવા માટે ઝાડ પર ચડી ગયા. આંખ બંધ કરવાનું નાટક તો કર્યું પરંતુ દરેકના મનમાં ડર હતો કે જો હું ઊંઘી જઈશ અને બીજું કોઈ કેળા ખાઈ જશે તો? આ વિચારથી એકેયને ઊંઘ આવી નહિ. થોડી સળવળ થાય કે ત્રણેય આંખ ખોલે – કોઈ કેળા તો નથી ખાઈ રહ્યું ને!

સ્થિતિ જયારે અસહ્ય બની ત્યારે ચાલાક વાંદરાએ પ્રસ્તાવ મુક્યો, ‘મને ભય છે કે આપણે કેળા બખોલમાં રાખીશું તો કદાચ સાપ આવીને ખાઈ જશે.’

આગેવાને આ પ્રસ્તાવ પર વિચાર કરતા પૂછ્યું, ‘તો ઉપાય શું છે?’

‘મારો પ્રસ્તાવ છે કે આપણે ત્રણેય કેળા આગેવાનને સોંપીએ જેથી તેની રખેવાળીમાં તે સુરક્ષિત રહે અને આપણે સૌ શાંતિથી ઊંઘી શકીએ.’ ચમચાએ કહ્યું.

‘હા, એ ઉપાય તો સારો છે. પરંતુ મને ડર એ છે કે ત્રણેય કેળાની જવાબદારીથી આગેવાનના મન પર બોજો રહેશે અને તે સારી રીતે ઊંઘી નહિ શકે. એટલા માટે આપણે સૌએ જવાબદારી વહેંચી લેવી જોઈએ અને એક એક કેળાની રક્ષા કરવી જોઈએ.’ ચાલકે પોતાનું સૂચન આપ્યું.

‘હા, આ સારો ઉપાય છે. ચાલો આપણે એક એક કેળું પોતપોતાના હાથમાં રાખીને ઊંઘી જઈએ.’ આગેવાને આદેશ કર્યો.

હવે ત્રણેય વાનર અલગ અલગ ડાળીઓ પર પોતપોતાના હાથમાં એક એક કેળાને ખુબ સારી રીતે પકડીને સુઈ રહ્યા હતા પરંતુ હજીયે એકેયને ઊંઘ આવતી નહોતી. હાથમાં રાખેલા કેળાનો સ્વાદ કેવો મીઠો લાગશે તેનો વિચાર જ તેમને ઊંઘવા દેતો નહોતો.

થોડીવાર પડખા ફેરવ્યા પછી એ ચાલાક વાનરે કહ્યું, ‘મને અચાનક એક વિચાર આવ્યો કે જયારે આપણે ઊંઘી જઈશું ત્યારે કેળામાં કીડી ચડશે તો?’

‘આગેવાન વાનરે આંખ ખોલી અને ગંભીરતાથી આ વાત પર વિચાર કર્યો અને પછી કહ્યું, ‘હા વાત તો સાચી છે. પણ ઉકેલ શું છે?’

‘આપણે એવું કરી શકીએ કે કેળાની છાલ ઉતારીને નીચે નાખી દઈએ જેથી કીડીઓ ત્યાં જશે અને આપણા હાથમાં કેળા સુરક્ષિત રહેશે.’ ચાલાક વાનરે સૂચન કર્યું.

‘આ વાત સાચી છે. કીડીઓને જમીન પર જ કેળાની છાલ દેખાશે તો તેઓ ઝાડ પર નહિ ચડે.’ ચમચાએ સહમતી દર્શાવી.

‘સારું તો આપણે એવું કરીએ.’ આગેવાને હુકમ કર્યો અને ત્રણેયે જલ્દીથી કેળાની છાલ ઉતારીને જમીન પર ફેંકી દીધી અને કેળું પોતપોતાના હાથમાં પકડીને ફરીથી આંખ બંધ કરીને ઊંઘવા લાગ્યા.

‘મારા હાથમાંથી કેળું સરકી રહ્યું છે.’ ચમચાએ અચાનક કહ્યું.

‘હા, મારા હાથમાંથી પણ કેળું તો સરકી રહ્યું છે. હું જેવો ઊંઘીશ કે કેળું પડી જશે. હવે શું કરવું?’ આગેવાને ચિંતા જતાવી.

‘મને લાગે છે કે કેળાને મોઢામાં મૂકીને મોઢું બંધ કરીને ઊંઘી જઈએ જેથી ન તો સાપ આવે, ન કીડી આવે કે ન તો સરકીને નીચે પડે. વળી સવારે ઊઠીશું ત્યારે મહેનત પણ ઓછી. તરત જ ખાઈ જઈશું.’ ચાલાક વાનરે ઉપાય બતાવ્યો.

‘હા આપણે સૌએ કેળાને મોઢામાં મૂકીને ઊંઘવું જોઈએ જેથી તે સુરક્ષિત રહે.’ આગેવાને નિર્દેશ કર્યો એટલે ત્રણેય વાનરોએ કેળું પોતપોતાના મોંમાં ઠૂંસ્યું.

ચાલાક વાનર ધીમે ધીમે કેળાનો સ્વાદ લેતો મલકાતો રહ્યો અને થોડીવારમાં ઊંઘી ગયો.

આ વાતના કેટલાય અર્થઘટન થઇ શકે. જેમ કે અચાનક પ્રાપ્ત થતી સંપત્તિ મનમાં અસુરક્ષાનો ભાવ પેદા કરે છે અને તેને કારણે શાંતિ હણાઈ જાય છે. એમ પણ કહી શકાય કે જયારે એક જૂથમાં અલગ અલગ સ્વભાવ ધરાવતા લોકો હોય, આગેવાન પોતાનો નિર્ણય ન લઇ શકતો હોય, ઉપરાંત, અમુક લોકો હંમેશા બીજાની વાત સાથે સહમત થવાની આદત ધરાવતા હોય ત્યારે એકાદ ચાલાક વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે જૂથ પાસે કામ કરાવ્યે જાય છે અને જૂથના લોકોને એ વાતનો અહેસાસ પણ થતો નથી. વળી, જૂથની ક્ષમતા કરતા વધારે સંપત્તિ તેની પાસે આવી જાય તો તેને સાચવવી મુશ્કેલ પડે છે અને એટલા માટે તેઓ તરત જ તેને ભોગવી લેવામાં સગવડ અનુભવે છે.

Don’t miss new articles