યુકેમાં સોમવારથી – પંદરમી ફેબ્રુઆરીથી – આંતરરાષ્ટ્રીય સફર કરીને પરત આવી રહેલા લોકો માટે ક્વોરેન્ટાઇનના નિયમો સખત બનવાના છે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયાથી લોકડાઉન લાગ્યું છે અને તે આખા દેશમાં લાગુ છે. ત્યારથી વિદેશ યાત્રા પર પ્રતિબંધ છે. અમુક એવા કારણો કે જેના માટે પરવાનગી આપવામાં આવી હોય, લોકોને વિદેશમાં પ્રવાસ કરવાની મનાઈ છે. હરવા ફરવા માટે લોકો અત્યારે વિદેશ જઈ શકતા નથી.
જે લોકો યુકેમાં આવતા હશે તેમને પણ પ્રવાસ શરુ કર્યાના ૭૨ કલાકની અંદર કોરોના ટેસ્ટ કરાવીને તેનો નેગેટિવ રિપોર્ટ લઈને જ પ્રવાસ કરવો તેવી જાહેરાત કરાઈ છે. યુકેમાં આવ્યા પછી દરેક મુસાફરે ૧૦ દિવસ ફરજીયાત ક્વારન્ટાઇન કરવું પડશે. ઉપરાંત, યુકેએ ૩૩ દેશોનું રેડ લિસ્ટ બનાવ્યું છે જ્યાં કોરોનાના નવા વેરિએન્ટ આવ્યા છે અથવા કોરોનાનું રિસ્ક વધારે છે. આ દેશોમાંથી તો કોઈને યુકેમાં આવવાની પરવાનગી જ નથી. (ભારત આ રેડ લિસ્ટમાં નથી.) સિવાય કે યુકેના નાગરિકોને આ દેશોમાંથી પાછા આવવું હોય, બીજા કોઈને તે દેશોમાંથી યુકેમાં આવવા નહિ મળે. આ નિયમો ઇંગ્લેન્ડ માટે છે પરંતુ વધતા ઓછા અંશે યુકેના અન્ય ત્રણ સભ્યો – વેલ્સ, નોર્ધર્ન આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ – પણ તેનો અમલ કરશે.
યુકેના નવા ક્વોરેન્ટાઇન નિયમો ત્રણ પાયા પર આધારિત છે: ક્વોરેન્ટાઇન, ટેસ્ટ અને અમલીકરણ.
રેડલિસ્ટમાં આવેલા કોઈ પણ દેશમાંથી પાછા ફરતા કે આવતા લોકોએ £૧૭૫૦ નું પેકેજ બુક કરવું પડશે જેમાં ૧૦ દિવસનું હોટેલ ક્વોરેન્ટાઇન, ટેસ્ટિંગ અને એરપોર્ટથી હોટેલ સુધી ટ્રાન્સપોર્ટનો ખર્ચો સામેલ છે. લગભગ પોણા બે લાખ રૂપિયા જેટલો ખર્ચો વ્યક્તિએ ઈંગ્લેન્ડમાં આવ્યા પછી કરવો પડશે. જો ૧૦ દિવસના હોટેલ ક્વોરેન્ટાઇન પછી તેઓ પોઝિટિવ હશે તો વધારે સમય ત્યાં રહેવું પડશે. લોકોએ હોટેલમાં પોતાના જ રૂમમાં રહેવું ફરજીયાત રહેશે.
જે પેસેન્જર રેડ લિસ્ટ સિવાયના કોઈ દેશમાંથી પરત આવે ત્યારે તેણે દશ દિવસ ઘરે આઇસોલેશનમાં રહેવાનો નિયમ બનાવ્યો છે. વ્યક્તિ હોટેલમાં હોય કે ઘરમાં હોય, તેમને બીજા અને આઠમા દિવસે ટેસ્ટ કરાવવાની થશે અને બંનેમાં નેગેટિવ આવવું જરૂરી છે નહીંતર જ્યાં સુધી તે નેગેટિવ ન આવે ત્યાં સુધી ક્વોરેન્ટાઇન રહેવાનું. જે જે લોકો પોઝિટિવ આવશે તેની ટેસ્ટનો જિનેટિક એનાલિસિસ કરવામાં આવશે જેથી એ ખબર પડે કે તે કોઈ નવો વેરિએન્ટ તો નથી ને.
આ નિયમનું પાલન અને અમલીકરણ સારી રીતે થાય એટલા માટે સખત દંડની જોગવાઈ પણ કરાઈ છે. જે વ્યક્તિ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરીને પાછા આવ્યા બાદ સમયસર ટેસ્ટ ન કરાવે તો £ ૧૦૦૦ એટલે કે લગભગ એક લાખ રૂપિયાનો દંડ છે. બીજી ફરજીયાત ટેસ્ટ લેવામાં જે નિષ્ફળ જાય તેણે £ ૨૦૦૦નો દંડ ભાવનો અને તેનું ક્વોરેન્ટાઇન બીજા ૧૪ દિવસ સુધી વધી જશે. જે લોકો તેમને ફાળવવામાં આવેલી હોટેલમાં ક્વોરેન્ટાઇન ન કરે તેણે £ ૫૦૦૦ થી £ ૧૦૦૦૦ સુધીનો દંડ કરશે. જો કોઈ પોતાની માહિતી ખોટી આપે અથવા છુપાવે તેણે તો ૧૦ વર્ષ સુધીની જેલ ભોગવવી પડી શકે તેમ છે.
યુકેમાં કોરોનનો નવો વેરિએન્ટ આવ્યો ત્યારથી પરિસ્થિતિ ખરાબ બની છે અને આ દેશને ક્રિસ્મસ અને નવવર્ષમાં પણ લોકડાઉનમાં રહેવું પડ્યું છે. આ સમય દરમિયાન સરકારે લોકોને કેટલીય સહાય આપવી પડે છે. તેની અસર અર્થવ્યવસ્થા અને લોકોના આરોગ્ય પર પડી છે. હવે જયારે વિશ્વમાં કેટલાય દેશોમાં અલગ અલગ વેરિએન્ટ આવી રહ્યા છે ત્યારે યુકેએ વધારે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો તે ખોટો નથી. આ દંડની રકમ આમ તો અહીંના લોકો માટે પણ ખુબ વધારે છે પરંતુ તેનો ઉદેશ્ય જ એ છે કે કોઈપણ વ્યક્તિ આ નિયમોનો ભંગ ન કરે.