આજે આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ કે જ્યાં સાધ્ય અને સાધન વચ્ચેનો તફાવત ભુલાઈ ગયો છે. લક્ષ્ય શું છે અને પ્રયત્ન શું છે તે સમજાતું નથી. માણસ સફળતા મેળવવા માટે જીવે છે કે જીવન જીવવા માટે સફળતા મેળવવા ઈચ્છે છે તે વાત સમજાતી નથી. આપણે સારી રીતે જીવી શકીએ એટલા માટે કારકિર્દીમાં સફળ થવું જરૂરી છે? કે પછી કારકિર્દીમાં સફળ થવું છે એટલા માટે જીવીએ છીએ? આ બંને વચ્ચેનો તફાવત માણસને સમજાતો નથી. માણસ સફળતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને જીવવાનું ભૂલી રહ્યો છે. જીવન જીવવા માટે જે પાયાની બાબતો છે તેને અવગણીને સફળતાની પાછળ ભાગી રહ્યો છે.
જીવન જીવવા માટે શું આવશ્યક છે તેના વિષે આજે કોઈ વિચારતું નથી. લોકો માત્ર સફળ થવા અંગે વિચાર કરે છે. કેવી રીતે દરેક ક્ષેત્રમાં સફળ થવું તેના અંગે અનેક પુસ્તકો અને વિડિઓ જોવા મળશે પરંતુ જીવન કેવી રીતે જીવવું તેના અંગે આવા વિશ્લેષણાત્મક પુસ્તકો કે જ્ઞાનાત્મક વિડિઓ દેખાતા નથી. કારણ કે આજે દુનિયામાં જાણે જીવનનું લક્ષ્ય જ સફળતા છે. જીવન સફળતા મેળવવાનું એક સાધન માત્ર બનીને રહી ગયું છે. સફળતા જીવનને સુધારવા માટે નથી, પરંતુ સફળતાનું સ્તર ઊંચું લઇ જવા માટે જીવન એક ઇંધણની જેમ કામ કરે છે. વાસ્તવિકતામાં થવું એવું જોઈએ કે જીવનને સારી રીતે જીવી શકાય, માણી શકાય એટલા માટે સફળતા એક ટૂલ હોવું જોઈએ, સાધન હોવું જોઈએ. પરંતુ તેનાથી ઉલ્ટું થઇ રહ્યું છે.
જીવન જીવવા માટે સૌથી પાયાની જરૂરિયાત શું છે? શરીર. આ શરીર વિના જીવન શક્ય નથી. માટે શરીરને સાચવવું, શરીરનું ધ્યાન રાખવું આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. શરીર કેવી રીતે સચવાય? સમયસર અને પ્રમાણસર ઊંઘ અને આરામ. સમયસર અને પ્રમાણસર પૌષ્ટિક આહાર. યોગ્ય પ્રમાણમાં વ્યાયામ. સ્વચ્છ હવા અને પાણી. આ પાયાની જરુરીઆત છે. તેમાં કોઈ જ બાંધછોડ થાય તેવું કામ કરવાથી આપણે જીવન સાથે બાંધછોડ કરીએ છીએ. પરંતુ આજની દુનિયામાં માણસ આ બધી જ બાબતોને બહુ જ ઓછું મહત્ત્વ આપી રહ્યો છે. તે માત્ર આ શરીરનો ઉપયોગ એટલા માટે કરે છે કે તેના થકી સારી નોકરી મેળવી શકે. નોકરીમાં સારું કામ કરી શકે. પગાર વધારે મેળવી શકે. વધારે પૈસા કમાઈ શકે. ઊંચો હોદ્દો પામી શકે. આ બધા જ સફળતાનાં પરિમાણો છે જેને શરીરના ભોગે પ્રાથમિકતા અપાઈ રહી છે.
આપણે સૌ જાણીએ છીએ કે આ દોડ કઈ તરફ જઈ રહી છે. તેમ છતાંય ભીડનો હિસ્સો બનીને દોડ્યા કરીએ છીએ. આપણને વાસ્તવિકતા તપાસવામાં અને તેને અનુસરવામાં ભીડથી છુટા પડી જવાનો ડર લાગે છે. આ ડરને કારણે કે પછી કોઈ ભયને કારણે આપણે જાણવા છતાંય એક એવી રેસમાં શામેલ થઇ જઈએ છીએ કે જેનો અંત ક્યારેય આવવાનો જ નથી. કારકિર્દીનો અંત નથી, સંપત્તિ બનાવવાનો અંત નથી. આ બધું જ આપણા માટે માત્ર કોઈ પદ, પ્રતિસ્થા કે આંકડા છે. તેમ છતાંય તેનું પ્રાધાન્ય આજના સમાજમાં વધી રહ્યું છે.
આ કારણે જ એવું લાગી રહ્યું છે કે શું આપણે સફળતા માટે જીવી રહ્યા છીએ કે પછી સફળતા એટલા માટે ઇચ્છીએ છીએ કે જેનાથી જીવન સારી રીતે જીવી શકાય. કમનસીબે જવાબ સંતોષકારક નથી. જાણકારીનો અભાવ નથી. સમજવું મુશ્કેલ નથી. પરંતુ તેને અનુસરવું અઘરું છે. એક વખત શાંતિથી બેસીને આ વાત વિચારવા જેવી છે. કેટલું દોડવું છે? ક્યાં જવું છે? શું પામવું છે? લિઓ તોલ્સટોય નામના રશિયન લેખકની લોકપ્રિય વાર્તા “કેટલી જમીન માણસ માટે જરૂરી છે?” ઈ.સ. ૧૮૮૬માં લખાયેલી હતી. પાહોમ નામનો લાલચી વ્યક્તિ વધારે જમીન મેળવવા માટે મૃત્યુ સ્વીકારી લે છે. આવી લાલચની કથાઓ ત્યારે પણ લખાતી હતી અને આજે તો જાણે આપણા દરેકનું જીવન પાહોમ જેવું બની ગયું છે. શું તમારી અંદર પણ એક પાહોમ છે? શું તમે પણ સૂર્યાસ્ત પહેલા વધારે જમીન મેળવી શકાય એટલા માટે દોડી રહ્યા છો?
આપણું જીવન સફળતા માટે છે કે સફળતા જીવન માટે તે સમજવું અને તેને અનુસરવું જરૂરી છે. બીજા લોકો શું કરે છે તેના કરતા વધારે આપણે શું કરવાની જરૂર છે તે નિર્ણય કરવો વધારે જરૂરી છે.