ટીપ ઓફ આઇસબર્ગ વિષે જાણતા હશો. ઠંડા મહાસાગરોમાં બરફની મોટી ચટ્ટાનો હોય છે પરંતુ તેની માત્ર નાની ટોંચ જ પાણીની સપાટી પર દેખાય છે. તેના કરતા અનેકગણી વધારે મોટી બરફની ચટ્ટાન પાણીની અંદર ડૂબેલી હોય છે જે ઉપરથી જોતા કોઈને દેખાતી નથી. ટાઇટેનિક જેવું એ સમયનું વિશ્વનું સૌથી મહાકાય જહાજ સમુદ્રમાં ડૂબી જવાનું કારણ આવી જ છેતરામણી ટીપ ઓફ આઇસબર્ગ હતી એટલે કે બરફની ચટ્ટાનીની એ ટોંચ કે જે સમુદ્રની બહાર તરતી હતી તે દેખાણી નહિ અને જહાજ પાણીની નીચે રહેલ વિશાલ બરફની ચટ્ટાન સાથે અથડાઈને તૂટી પડ્યું.

સફળતાને પણ ટીપ ઓફ આઇસબર્ગ સાથે સરખાવવી જોઈએ કેમ કે જયારે કોઈ વ્યક્તિ સફળ થાય છે ત્યારે લોકોને જે નજરમાં આવે છે તે હોય છે માત્ર તેનો રૂતબો, તેના જલવા અને સફળતા સાથે મળતી ચમકદમક. પરંતુ તે જલવા, રૂબતા અને ચમકદમક તો માત્ર ટોંચ જ છે. આ ટોંચની નીચે જે મોટી ચટ્ટાન જેટલા પરિશ્રમ, નિષ્ફળતાઓ, હતાશા, પુનઃપ્રયત્નો, ત્યાગ, બલિદાન, વેઠેલી તકલીફ વગેરે હોય છે તે કોઈને નજરમાં આવતા નથી. એટલા માટે જ કહી શકાય કે સફળતામાં પણ બહાર જેટલું દેખાતું હોય તેના કરતા અનેકગણું વધારે કાર્ય અને પરિશ્રમ વ્યક્તિએ કરેલા હોય છે, અનેક તકલીફો વેઠેલી હોય છે જે બધું પાણીની સતહની નીચે એક મોટી ચટ્ટાન બનીને રહેલું હોય છે પરંતુ કોઈની નજરમાં આવતું નથી. જેમ ટીપ ઓફ આઇસબર્ગ જોઈને ચટ્ટાનના કદનો અંદાજ ન આવી શકે તેવી જ રીતે કોઈ વ્યક્તિની અત્યારની સફળ અવસ્થા જોઈને ત્યાં સુધી પહોંચવા માટે તેને શું શું વેઠવું પડ્યું હશે અને આજે પણ તેની આ સફળ જિંદગી પાછળ કેટલી કેટલી મહેનત શામેલ હશે તે ન સમજી શકાય.

કોઈ સરકારી અધિકારીને કે મોટી કંપનીના મેનેજરને ગાડી, બંગલો, પટ્ટાવાળા, સ્ટાફ વગેરે બધું મળતું હોય, તેમને અલગ અલગ જગ્યાએ મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવતા હોય એ બધું જોઈને ક્યારેક આપણને લાગે કે તેમનું જીવન તો કેટલું સરળ, સુખદ અને ખુશખુશહાલ છે પરંતુ વાસ્તવમાં આ બધી સુવિધાઓ અને સમ્માન મેળવવા માટે તેને જે મહેનત કરવી પડી હોય, મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય તે છુપાયેલી ચટ્ટાનના જેવા હોય છે. તે આપણી નજરમાં આવતી નથી. ઉપરાંત, તેમને રોજબરોજના જીવનમાં પણ કેટલા તણાવપૂર્ણ આયોજન સાથે દિવસ વિતાવતો પડતો હોય, અનેક કાર્યક્રમો કે મીટિંગ્સ કરવી પડતી હોય અને એકસામટા કેટલા બધા કામ પર ધ્યાન આપવું પડતું હોય તેનો અંદાજ આપણને આવી શકતો નથી. લોકો તો માત્ર તેમના જીવનનો સૌથી સારો હિસ્સો કે જે માત્ર બરફની ચટ્ટાનની ટોંચ જેવો અને જેટલો જ હોય છે તેનાથી વાકેફ થાય છે પરંતુ તેની નીચે રહેલી પુરી ચટ્ટાન વિષે બહુ ઓછાને જાણ હોય છે.

ટૂંકમાં કહીએ તો સફળતાની ટીપ નીચે જે આઇસબર્ગ હોય તે ખુબ વિશાળ હોય છે અને તેમાં પરિશ્રમ, ખંત, ખતરો, રાત ઉજાગરા, સંઘર્ષ, નિષ્ફળતા, ક્રિયાશીલતા, દ્રઢતા, અનુશાસન – શિસ્ત, હિમ્મત, શંકા, પરિવર્તન, ટીકા, હતાશા, નિરાશા, પ્રતિકૂળતાઓ, સમર્પણ, અસ્વીકાર, બલિદાન વગેરે જેવા કેટકેટલા પરિબળો છુપાયેલા હોય તેના વિશે માત્ર એ વ્યક્તિને જ ખબર હોય છે જેની સફળતાને લઈને આપણે ક્યારેક ગૌરવ, ક્યારેક પ્રેરણા તો ક્યારેક ઈર્ષ્યા અનુભવતા હોઈએ છીએ. સારી વાત એ છે કે આવી સફળતા મેળવવા માટે કોઈપણ વ્યક્તિ લાયક બની શકે પરંતુ શરત માત્ર એટલી જ કે તેના માટે આવશ્યક મહેનત તથા સમર્પણ કરવાની તૈયારી હોવી જોઈએ. ઉપરાંત, અહીં નોંધેલા પરિબળો કે પરિસ્થિતોનો સામનો પણ કરવા તૈયાર રહેવું પડે. તમે પણ હવે ક્યારેય કોઈની સફળતાને લઈને કે કોઈના સુખી જીવનને લઈને ઈર્ષ્યા કે દ્વેષ અનુભવો ત્યારે એ વાત યાદ રાખજો કે વાસ્તવિકતા દેખાય તેનાથી અલગ જ હોય છે અને તેમાં બીજા કેટલાય પાસાઓ પણ સંકળાયેલા હોય છે જે આપણને ઉપરછરી રીતે જોતા દ્રષ્ટિમાન થતા નથી. કેમ કે સફળતા તો ટીપ ઓફ આઇસબર્ગ જેવી છે!