લંડન અનેક પ્રવૃત્તિઓનો ગઢ છે. કોઈ પણ ક્ષેત્રની અગત્યની ગતિવિધિઓ અહીં આકાર લેતી જોવા મળે છે. વિશ્વની નીતિઓ અહીં ઘડાતી હોય તેવું લાગે. ફેશન અહીંથી શરુ થતી હોય તેવું લાગે. વિવિધ ક્ષેત્રે લોકોના અભિપ્રાયો ઘડવા, તેના અંગે જાગૃતિ લગાવી, પ્રચાર કે દુષ્પ્રચાર કરવો કે પછી નવી સંસ્થાઓ ઉભી કરવી – એ બધું કરવા માટે લંડનથી સારી જગ્યા ભાગ્યે જ કોઈ હોઈ શકે. તેનું એક કારણ એ છે કે લંડન અંગ્રેજી ભાષા બોલનારા દેશો માટે કેન્દ્રબિંદુ ગણાય. અમેરિકા તો તેની જગ્યાએ મહત્વનું છે જ પરંતુ લંડનનું આગવું સ્થાન હજુયે બરકરાર છે. અંગ્રેજી ભાષાના મહત્વપૂર્ણ મીડિયા હાઉસ અહીં છે અને તેના સમાચારો વિશ્વભરમાં વંચાય છે અને ફેલાય છે, માટે લોકો સુધી જલ્દી પહોંચે છે.
આવી જ અનેક પ્રવૃત્તિ પૈકી એક મહત્વપૂર્ણ પ્રવૃત્તિ છે – એક્સટીનકસન રિબેલિયન, તેને ટૂંકમાં XR કહે છે. XR પર્યાવરણ જાગૃતિ માટેનું એક દબાણજૂથ છે. તેનો ઉદેશ્ય સરકારોને પર્યાવરણ અંગે સભાન બનાવવા, જૈવ વૈવિધ્યના નાશને અટકાવવા તથા લુપ્ત થઇ ગયેલી અને થઇ રહેલી પ્રજાતિઓ તરફ ધ્યાન દોરવાનો છે. અત્યારે લંડનમાં તેના દ્વારા વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. સેન્ટ્રલ લંડનમાં તેને કારણે કેટલાય રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. લોકોને અગવડ પણ પડે છે પરંતુ સરકાર મંજૂરી આપે છે આવા પ્રદર્શન કે વિરોધને. દેખાવ અને સભાઓ દ્વારા તે લોકોને પર્યાવરણની સમસ્યાઓથી વાકેફ કરાવી રહ્યું છે. તેની સ્થાપના ૩૧ ઓક્ટોબર ૨૦૧૮, એટલે કે ગયા વર્ષે જ થયેલી.
થોડા દિવસ પહેલા ઓફિસથી ઘરે જતા ટ્રાફિક સિગ્નલ પર કાર રોકાઈ ત્યારે પણ XR ના કાર્યકર્તાએ આવીને એક પેમફલેટ આપેલું અને કહેલું કે ફેશન બીજા નંબરની સૌથી મોટી પ્રદુષણ કરનારી ઇન્ડસ્ટ્રી છે. પ્રથમ નંબર પર તો ઓઇલ જ છે. ફેશનમાં અને તેના ઉપયોગમાં પરિવર્તન કરવું આસાન છે અને તે આપણા હાથમાં છે. કપડાં ખરીદીને પહેર્યા વિના, તેનો પૂરતો ઉપયોગ કર્યા વિના ફેંકી દઈને આપણે પર્યાવરણને મોટું નુકસાન કરીએ છીએ. કેમ કે એક શર્ટ બનાવવા માટે કેટલી લાંબી પ્રક્રિયા હોય છે. માનો કે ખેતરમાં કપાસ ઉગાડ્યો તો તેના માટે કેટલું પાણી, ખાતર, જંતુનાશકો, વીજળી, શ્રમ વગેરે ઉપયોગમાં આવે. ત્યાર બાદની તેને કારખાના સુધી પહોંચાડવાની પ્રક્રિયા અને તેમાંથી કાપડ અને ત્યાર પછી શર્ટ બનાવવાની પ્રક્રિયામાં પણ પર્યાવરણને નુકસાન થતું હોય છે. છેલ્લે જયારે તે બજાર સુધી આવે અને તેને આપણે ખરીદીયે અને યોગ્ય ઉપયોગ કર્યા વિના ફેંકી દઈએ તો કેટલું નુકશાન?
વાત તો સાચી લાગી. હવેથી આવું ના કરવું તેવો વિચાર પણ આવ્યો. અમલ કરવાની કોશિશ કરવાનો નિશ્ચય પણ કર્યો છે. આપણે પોતે પણ આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખીને પર્યાવરણની માવજત કરી શકીએ છીએ.