વર્ષ ૨૦૧૯ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિક

આ વર્ષે ભૌતિકશાસ્ત્રનો નોબલ પુરસ્કાર ત્રણ વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે અપાયો છે. તેમાં જેમ્સ પીબલ્સ, મિશેલ મેયર અને ડિડીઅર ક્લોઝનો સમાવેશ થાય છે. જેમ્સ પિબલ્સને ૫૦% જયારે બીજા બંને વૈજ્ઞાનિકોને ૨૫-૨૫% પ્રાઈઝ વહેંચવામાં આવશે. નોબેલ કમિટી દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર આ વૈજ્ઞાનિકોને “બ્રહ્માંડના ઉત્ક્રાંતિ અને બ્રહ્માંડમાં પૃથ્વીના સ્થાન વિશેની આપણી સમજમાં ફાળો આપવા બદલ” નોબેલ પુરસ્કાર એનાયત કરાયો છે.

પીબલ્સએ બીગ બેંગ દ્વારા છોડવામાં આવેલા રેડિયેશનનો અભ્યાસ કર્યો. તેમના સંશોધનથી વૈજ્ઞાનિકોને બ્રહ્માંડની રચના કેવી રીતે થઈ તથા બ્લેક મેટર – શ્યામ પદાર્થ – નાં રહસ્યો વિશે વધુ જાણવા મદદ કરી છે. બિગ બેંગ મોડેલ બ્રહ્માંડની તેની ઉત્પત્તિની પહેલી ક્ષણોનું વર્ણન કરે છે. લગભગ 14 અબજ વર્ષો પહેલા બિગ બેંગ થયું ત્યારે તે ખુબ ગરમ અને ગાઢ હતું. ત્યારથી, બ્રહ્માંડ વિસ્તૃત થઈ રહ્યું છે. તેનો વિસ્તાર થતા તે મોટું અને ઠંડુ બન્યું. આ પૈકીનો માત્ર ૫% ભાગ જ આપણી જાણમાં છે. બાકીનો ૯૫% ભાગ હજુ આપણા માટે અકાળ છે, બ્લેક મેટર છે. પીબલ્સએ આ કલ્પનાને વિજ્ઞાન સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. સતત સંશોધન દ્વારા તેને વિકિરણોનો અભ્યાસ કર્યો અને એવી પદ્ધતિ શોધી કે જેનાથી આપણે બ્રહ્માંડને વધારે સારી રીતે સમજી શકીશું.  

૧૯૯૫ માં મિશેલ અને ડિડિઅરે આપણા સૌરમંડળની બહારનો પ્રથમ ગ્રહ શોધી કાઢ્યો, જેને એક્ઝોપ્લેનેટ કહે છે. તેમના સંશોધનની મદદથી ગ્રહ શોધવાની ક્રાંતિ શરૂ થઈ. ત્યારથી કરીને આજ સુધીમાં ૪,૦૦૦ થી વધુ એક્ઝોપ્લેનેટની શોધ થઈ છે. આ એક્ઝોપ્લેનેટ એવા ગ્રહો છે જે આપણા સૌરમંડળની બહાર છે. પરંતુ તે આપણી જ ગેલેક્ષી – દૂધ ગંગા – નો ભાગ છે. તેઓનું પોતાનું સૌરમંડળ છે. આપણું સૌરમંડળ દુધગંગા ગેલેક્ષીના કેન્દ્રથી ૩૦,૦૦૦ પ્રકાશવર્ષ દૂર આવેલું છે.

નવા એક્ઝોપ્લેનેટની શોધે વૈજ્ઞાનિકોને બ્રાહ્મણની ઉત્પત્તિ, તેના કદ આકાર અને ઉમર વિશેના ખયાલોમાં પરિવર્તન કરવા, તેના અંગે પુનઃવિચારણા કરવા મજબુર કાર્ય છે. વધારે એક્ઝોપ્લેનેટ શોધાઈ રહ્યા છે અને તેના માટે નવા નવા પ્રોજેક્ટ હાથ ધરાઈ રહ્યા છે.

આ ત્રણયે વૈજ્ઞાનિકોનું યોગદાન આપણને બ્રાહ્મણ વિષે વધારે માહિતી મેળવવામાં, અત્યાર સુધી અજ્ઞાત રહેલી બીજી ઘણી બાબતો અંગે જાણકારી મેળવવાનો માર્ગ ખોલી આપે છે.

GPSC પેપર ચકાસણી

ફુલછાબ, યુવાભુમિ, શનિવાર, 5 ઑક્ટોબર 2019

જીપીએસસીએ ઉમેદવારોને તેમની જવાબવાહીની નકલ આપવાનું શરુ કર્યું છે. આ પારદર્શિતાને કારણે દરેક ઉમેદવાર પોતાના જવાબ અને તેના માટે મળેલા ગુણોની ચકાસણી કરી શકે છે. કેટલાક કિસ્સામાં ઉમેદવારોને પોતાને મળેલા માર્ક્સથી અસંતોષ હોય તેવું પણ સામે આવે છે. જયારે જવાબની નકલ હાથમાં હોય ત્યારે થોડી પણ કચાસ રહી ગઈ હોય તો તરત સામે આવી જાય.

આ પહેલને કારણે ઉમેદવારોએ એકબીજાની જવાબવાહીની સરખામણી કરવાની તક પણ મળે છે. જયારે આપણે બોર્ડમાં ભણતા ત્યારે પણ આવી સુવિધા ઉપલબ્ધ ન હતી. ખાસ કરીને જયારે જવાબ નિબંધલક્ષી પ્રકારના હોય ત્યારે તેમાં માર્ક્સ આપવામાં પરીક્ષકે બહુ ધ્યાન રાખવું પડતું હોય છે. અલગ અલગ પરીક્ષક એક પ્રશ્નને ચકાસે તો પણ તેમાં ૧૦-૨૦% માર્ક્સ તફાવત હોવાની શક્યતા છે. ઉદાહરણ તરીકે એક દશ માર્ક્સનો પ્રશ્ન હોય અને તેનો જવાબ ૧૫૦ શબ્દમાં માંગ્યો હોય તો પાંચ અલગ અલગ ઉમેદવારો બધી જ માહિતી આપતો જવાબ લખે તો પણ તેમને માર્ક્સ થોડા અલગ અલગ મળે તેવું બને. કારણ કે કોઈની લખવાની પદ્ધતિ અલગ હોય, કોઈની શબ્દ પસંદગી અલગ હોય, ક્યારેક પ્રેઝન્ટેશન અલગ હોય અને ક્યારેક મુદ્દાસર રજૂઆત કરવાની આવડત અલગ હોય. આ તો થઇ ઉમેદવારની વ્યક્તિલક્ષીતા. પરંતુ પરીક્ષક પણ માણસ જ છે ને, તેનામાં પણ વ્યક્તિલક્ષીતા આવી શકે. એક જ જવાબ બે વાર ચેક કરે તો તેમાં એકાદ માર્કનો તફાવત આવી શકે.

સારી વાત એ થઇ છે કે જીપીએસસીએ એક પ્રશ્ન એક જ પરીક્ષક ચકાસે તેવી પદ્ધતિ શરુ કરી છે. તેને કારણે જો એક પરીક્ષક બંધારણનો નિબંધ પ્રકારનો પ્રશ્ન ચકાસતો હોય તો તેને તે એક જ પ્રશ્ન ચાર-પાંચ હજાર જેટલા પણ ઉમેદવાર હોય તેમનો બધાનો ચકાસવાનો થાય. તેનાથી વ્યક્તિલક્ષી તફાવતો ઓછા થઇ જાય. પરિણામે કોઈ પરીક્ષક્નો હાથ માર્ક આપવામાં છૂટો હોય કે બંધાયેલો તે બધા જ ઉમેદવારોને સરખી રીતે અસર કરે.

આ પદ્ધતિના કેટલાક આગવા ફાયદા છે. પરંતુ જીપીએસસીના પરીક્ષકો પર વધારે ધ્યાન દઈને પેપર ચકાસવાની જવાબદારી પણ વધી જાય છે. વ્યક્તિલક્ષી અભિગમ લેવાને બદલે તેઓએ વધારેને વધારે વસ્તુલક્ષી ચકાસણી કરવી પડે છે. પ્રશ્ન ચકાસતા પહેલા તેમને જવાબના મુદ્દાઓ નોંધીને તેના માટે ગુણવિભાજન કરી લેવું પડે છે. પછી ઉમેદવારના જવાબને તેના માપદંડથી ચકાસવાથી વધારે નિષ્પક્ષ મૂલ્યાંકન શક્ય બને છે.

ઉપરાંત, જીપીએસસીના ચેરમેન સતત ટ્વીટર પર સક્રિય રીતે ઉમેદવારોના પ્રશ્નોનું નિરાકરણ કરતા રહે છે તે પણ ખુબ સારી બાબત કહેવાય.