જીપીએસસીએ ઉમેદવારોને તેમની જવાબવાહીની નકલ આપવાનું શરુ કર્યું છે. આ પારદર્શિતાને કારણે દરેક ઉમેદવાર પોતાના જવાબ અને તેના માટે મળેલા ગુણોની ચકાસણી કરી શકે છે. કેટલાક કિસ્સામાં ઉમેદવારોને પોતાને મળેલા માર્ક્સથી અસંતોષ હોય તેવું પણ સામે આવે છે. જયારે જવાબની નકલ હાથમાં હોય ત્યારે થોડી પણ કચાસ રહી ગઈ હોય તો તરત સામે આવી જાય.
આ પહેલને કારણે ઉમેદવારોએ એકબીજાની જવાબવાહીની સરખામણી કરવાની તક પણ મળે છે. જયારે આપણે બોર્ડમાં ભણતા ત્યારે પણ આવી સુવિધા ઉપલબ્ધ ન હતી. ખાસ કરીને જયારે જવાબ નિબંધલક્ષી પ્રકારના હોય ત્યારે તેમાં માર્ક્સ આપવામાં પરીક્ષકે બહુ ધ્યાન રાખવું પડતું હોય છે. અલગ અલગ પરીક્ષક એક પ્રશ્નને ચકાસે તો પણ તેમાં ૧૦-૨૦% માર્ક્સ તફાવત હોવાની શક્યતા છે. ઉદાહરણ તરીકે એક દશ માર્ક્સનો પ્રશ્ન હોય અને તેનો જવાબ ૧૫૦ શબ્દમાં માંગ્યો હોય તો પાંચ અલગ અલગ ઉમેદવારો બધી જ માહિતી આપતો જવાબ લખે તો પણ તેમને માર્ક્સ થોડા અલગ અલગ મળે તેવું બને. કારણ કે કોઈની લખવાની પદ્ધતિ અલગ હોય, કોઈની શબ્દ પસંદગી અલગ હોય, ક્યારેક પ્રેઝન્ટેશન અલગ હોય અને ક્યારેક મુદ્દાસર રજૂઆત કરવાની આવડત અલગ હોય. આ તો થઇ ઉમેદવારની વ્યક્તિલક્ષીતા. પરંતુ પરીક્ષક પણ માણસ જ છે ને, તેનામાં પણ વ્યક્તિલક્ષીતા આવી શકે. એક જ જવાબ બે વાર ચેક કરે તો તેમાં એકાદ માર્કનો તફાવત આવી શકે.
સારી વાત એ થઇ છે કે જીપીએસસીએ એક પ્રશ્ન એક જ પરીક્ષક ચકાસે તેવી પદ્ધતિ શરુ કરી છે. તેને કારણે જો એક પરીક્ષક બંધારણનો નિબંધ પ્રકારનો પ્રશ્ન ચકાસતો હોય તો તેને તે એક જ પ્રશ્ન ચાર-પાંચ હજાર જેટલા પણ ઉમેદવાર હોય તેમનો બધાનો ચકાસવાનો થાય. તેનાથી વ્યક્તિલક્ષી તફાવતો ઓછા થઇ જાય. પરિણામે કોઈ પરીક્ષક્નો હાથ માર્ક આપવામાં છૂટો હોય કે બંધાયેલો તે બધા જ ઉમેદવારોને સરખી રીતે અસર કરે.
આ પદ્ધતિના કેટલાક આગવા ફાયદા છે. પરંતુ જીપીએસસીના પરીક્ષકો પર વધારે ધ્યાન દઈને પેપર ચકાસવાની જવાબદારી પણ વધી જાય છે. વ્યક્તિલક્ષી અભિગમ લેવાને બદલે તેઓએ વધારેને વધારે વસ્તુલક્ષી ચકાસણી કરવી પડે છે. પ્રશ્ન ચકાસતા પહેલા તેમને જવાબના મુદ્દાઓ નોંધીને તેના માટે ગુણવિભાજન કરી લેવું પડે છે. પછી ઉમેદવારના જવાબને તેના માપદંડથી ચકાસવાથી વધારે નિષ્પક્ષ મૂલ્યાંકન શક્ય બને છે.
ઉપરાંત, જીપીએસસીના ચેરમેન સતત ટ્વીટર પર સક્રિય રીતે ઉમેદવારોના પ્રશ્નોનું નિરાકરણ કરતા રહે છે તે પણ ખુબ સારી બાબત કહેવાય.