આ સપ્તાહ દરમિયાન બ્રિસ્ટોલ જવાનું થયું. બ્રિસ્ટોલ શબ્દ ગુજરાતીઓને સિગારેટની યાદ અપાવેને? બ્રિસ્ટોલમાં જ ઈમ્પૅરિઅલ ટોબેકો કંપનીએ સિગારેટનું કારખાનું સ્થાપેલું અને ૧૮૯૧ થી ૧૯૭૪ સુધી બ્રિસ્ટોલ બ્રાન્ડની સિગારેટ બનતી. ભારતમાં પણ ઈમ્પૅરિઅલ ટોબેકો (ITC) કંપની આ સિગારેટ વેચતી. હવે તે ઇન્ડિયન ટોબેકો કંપની બની ગઈ છે.
પરંતુ ખરેખર ભારતીય લોકો માટે આ બ્રિસ્ટોલ શહેર રાજા રાજમોહન રાયની સમાધિ માટે મહત્વનું છે. હા, ભારતના નવજીવનના પ્રણેતા રાજા રામમોહન રાય અહીં અઢી વર્ષ રહ્યા હતા અને ત્યાં જ અચાનક લાગુ પડેલી કોઈ બીમારીથી તેમનું મૃત્યુ નીપજ્યું હતું. તેમની સમાધિ અહીં જ છે અને દર વર્ષે તેની પુણ્યતિથિ પણ ઉજવવામાં આવે છે. ડો. કાર્લા કોન્ટ્રાક્ટર નામની એક પારસી મહિલાએ પહેલ કરીને રાજા રામમોહન રાયની બે પ્રતિમા બ્રિસ્ટોલના સીટી હોલમાં લગાવડાવી છે.
બ્રિસ્ટોલ નાનું પણ ખુબ સુંદર શહેર છે. અહીંની એક ખાસિયત છે ક્લીફટન સસ્પેન્શન બ્રિજ. કલકતામાં આવેલો હાવરા બ્રિજ પણ આ પ્રકારની રચના ધરાવે છે. જો કે ક્લીફટનની સરખામણીમાં તે ઘણો મોટો છે. ક્લીફટનનો આ લટકતો પુલ બે પહાડો વચ્ચે બંધાયેલો છે. નીચે ખીણમાં એવોન નદી વહે છે. આ પુલ જાહેર ફંડથી તૈયાર થયેલો અને આજે પણ ટોલ ટેક્સના પૈસાથી તેનો રખરખાવ કરવામાં આવે છે. ટોલની રકમ એક પાઉન્ડ છે, જે અહીં નજીવી ગણાય. ઇસ ૧૮૬૪માં તૈયાર થયેલ આ પુલના એક છેડે નાનું મ્યુઝિયમ બનાવાયું છે જેમાં પુલના બાંધકામ અંગેની રસપ્રદ માહિતી આપવામાં આવી છે. બીજા છેડે આવેલા પહાડ પર ઊંચાઈએ ઓબ્ઝર્વેટરી બનાવવામાં આવી છે જ્યાંથી પહાડ, શહેર અને નદીની ખીણનો સુંદર નઝારો જોવા મળે છે.
ઈસામબાર્દ કિંગડમ બ્રુનેલ નામનો સુપ્રસિદ્ધ ઈજનેર અને ધનિક વ્યક્તિ બ્રિસ્ટોલનો પ્રથમ રોકોર્ડેડ મિલિયોનેર હતો અને તેની પ્રેરણા અને સહકારથી અહીંના મોટાભાગના પ્રોજેક્ટ થયેલા જોવા મળે છે. તેને જ આ પુલ બનાવવાનો વિચાર ૧૮૩૦ના દશકમાં મુકેલો. સમિતિ બની. ભંડોળ ઉઘરાવાયું. મંજૂરીઓ મળી. પણ ૧૮૫૯માં તેનું નિધન થયું. હજી પુલ તૈયાર નહોતો. નાણા ઘટતા હતા. સમિતિના લોકોએ ફરીથી ભંડોળ ઉઘરાવ્યું અને ૧૮૬૪માં પુલ તૈયાર થયો.
અહીંનું એક બીજું મહત્વનું આકર્ષણ છે એસ.એસ. ગ્રેટ બ્રિટન નામનું જહાજ. તે પણ બ્રુનેલે ૧૮૪૩માં બનાવેલું. આ પહેલા કોઈએ ૧૦૦૦ હોર્સ પાવરના સ્ટીમ એન્જીન વાળું જહાજ નહોતું બનાવ્યું. જહાજની રચના પણ તેના સમયમાં બનતા અન્ય જહાજ કરતા ઘણી આધુનિક અને નવી હતી. તેને બ્રિસ્ટોલના ડોકમાં તરતું મુકાયું હતું. આજે તે જહાજ એક મ્યુઝીયમ તરીકે રખાયું છે.
બ્રિસ્ટલનું ડોકયાર્ડ ૧૮૦૯માં બનેલું અને ૨૦૦૯માં તેની બીજી શતાબ્દી ઉજવાઈ. ખુબ આધુનિક ગણાવી શકાય તેવા આ ડોકયાર્ડમાં માલસામાન લઇ જવા માટે નદીના કિનારા સુધી રેલવે આવી શકે તેવી વ્યવસ્થા પણ હતી. વિવિધ પ્રકારની ક્રેન ઉપયોગમાં આવતી. આ બધું હજીયે લોકો જોઈ શકે તે માટે રાખવામાં આવ્યું છે. આજે આ ડોકનો ઉપયોગ માલસામાનની અવરજવર માટે રહ્યો નથી પણ મ્યુઝિયમ બની ગયું છે.