રેસના મોંઘા કબૂતર

એક કબુતરની કિંમત કેટલી આંકી શકાય? થોડા દિવસો પહેલા પાંચ વર્ષનું આર્મનડો નામનું કબૂતર સાડા બાર લાખ યુરો એટલે કે લગભગ ચૌદ લાખ ડોલરમાં વેચાયું. ઘણા દેશોમાં કબુતરની રેસ થાય છે અને તેમાં આ આર્મનડો ચેમ્પિયન છે. ગયા વર્ષે તે યુરોપિયન અને ઓલમ્પિક ગોલ્ડ મેડલ સમાન રેસ જીતેલું અને એટલે ઓલાઈન હરાજીમાં તેની કિંમત માટે આટલી ઊંચી બોલી લગાવવામાં આવી.

આ પહેલા પણ મોંઘા ભાવે રેસના કબુતરો વેચાયા છે. ૨૦૧૩માં બોલ્ટ ૩,૧૦,૦૦૦ યુરોમાં, ૨૦૧૭માં નાદીન ૪,૦૦,૦૦૦ યુરોમાં અને ૨૦૧૮માં ન્યુ બ્લિક્સેમ ૩,૭૬,૦૦૦ યુરોમાં વેચાયેલા રેસના કબૂતર છે. પરંતુ આ વખતે આર્મનડોની કિંમતે તો હદ જ કરી દીધી. યુરોપના બેલ્જીયમમાં રેસ માટે કબૂતર તૈયાર કરવામાં આવે છે. ઉપરાંત અત્યારે ચીનમાં ફરીથી કબૂતર રેસનો ટ્રેન્ડ જોર પકડી રહ્યો છે અને આ મોંઘી કિંમતના કબુતરો મોટા ભાગે ચીનમાં જ વેચાયા છે. આમ તો ચીનમાં પ્રાચીનકાળથી કબૂતર રેસનો શોખ રહ્યો છે પરંતુ તેને મૂડીવાદ સાથે સાંકળવામાં આવતી હોવાથી ચીનની ક્રાંતિ દરમિયાન આ રમત પર પ્રતિબંધ મુકવામાં આવેલો. હવે ફરીથી તેનો શોખ ધમધમતો થયો હોય તેવું જણાય છે.

આ મુદ્દો આપણને કેટલીક બાબતો અંગે વિચારવા મજબૂત કરી દે તેમ છે. એકતરફ જ્યાં સમાજનો મોટા ભાગનો વર્ગ હજીયે ગરીબી અને મધ્યમવર્ગની સ્થિતિમાં જીવી રહ્યો છે ત્યારે શા માટે લોકો આવા શોખ માટે ખર્ચ કરતા હશે? જવાબ આમ તો તદ્દન સરળ છે – આ એક ઇન્વેસ્ટમેન્ટ છે. રેસમાં જીતનાર કબૂતરને ઈનામની માતબર રકમ પણ મળે છે. ઉપરાંત ફરીથી તેને વેચવામાં આવે ત્યારે સારો એવો નફો મળે છે. એટલે કે રેસના કબૂતરને એક રીતે તો રોકાણ જ ગણાવી શકાય.

લોકોના શોખ અને રોકાણ બંને એકબીજા સાથે સંકળાતા જોવા મળી રહ્યા છે. પૈસાદાર વર્ગ કે જેની પાસે અમુક મર્યાદા કરતા વધારે નાણા છે તે તો આવા ક્ષેત્રોમાં રોકાણ કરીને પણ પૈસા કમાઈ લે છે. બિઝનેસ કરીને, ઉદ્યોગ ચલાવીને, રોકાણ કરીને પોતાની સંપત્તિમાં વધારો કરનારા લોકોમાં તો આપણે સૌ આવી જઈએ. પરંતુ એક ક્લાસ એવો પણ છે કે જે પેઇન્ટિંગ ખરીદે છે, રેસના ઘોડા કે કબૂતર ખરીદે છે, એન્ટિક વસ્તુઓ ખરીદે છે, સ્ટેમ્પ ખરીદે છે અને તેને અમુક સમય બાદ વેચીને અઢળક ધનોર્પાર્જન કરી જાણે છે.

તેમના રોકાણનું વળતર પણ ખુબ માતબર હોય છે. લાખો ડોલરમાં પેઇન્ટિંગ ખરીદીને થોડા વર્ષો બાદ તેને વેંચીને તેમાંથી લાખો ડોલર કમાઈ લેતા લોકો કોઈ પણ નોકરિયાત કરતા ઘણા વધારે પૈસા બનાવી લે છે. અને તે પણ વગર મહેનતે. રેસના ઘોડામાં રોકાણ કરતા લોકો હાથમાં સિગાર અને શેમપેઇન લઈને રેસકોર્સમાં ફરતા જોવા મળે છે અને સાંજે પાર્ટી કરતા દેખાય છે. આપણને લાગે કે આ લોકોને કામ ધંધો નહિ હોય, ઓફિસ જવાનું નહિ હોય? ક્યારેક આપણે તેમની બાપે કમાયેલા પૈસે મોજ કરનારા લોકોમાં ગણતરી કરી લઈએ છીએ. પણ સચ્ચાઈ ઘણીવાર અલગ જ હોય છે. તેઓ આવી મોજમસ્તી કરતા કરતા એટલા પૈસા કમાઈ લે છે કે જે આપણા જેવા લોકો જીવનભરની મોજમસ્તી છોડીને કામધંધામાં પડ્યા રહેવા છતાં વિચારી પણ ન શકીએ.

આજકાલ સ્ટાર્ટઅપનો જમાનો છે. કેટલાય લોકો મોબાઈલમાં માથું નાખીને ગેમ રમતા રમતા કે એપ બનાવીને પણ પૈસા કમાય છે. ડિજિટલ પ્લેટફોર્મ પર લોકો સોશ્યિલ  મીડિયામાં એક્ટિવ રહીને ફોટા અપલોડ કરી કરીને પણ બેશુમાર પૈસા કમાય છે. એટલે આજે એવો સમય આવી ગયો છે કે કોઈને નોકરી ન હોય તો એવું ન માની લેવું જોઈએ કે તે નિર્ધન હશે. શક્ય છે જયારે આપણે તેના પર દયા ખાતા હોઈએ કે તિરસ્કાર કરતા હોઈએ એ બે-ત્રણ મિનિટના સમયમાં તેના એકાઉન્ટમાં હજારો ડોલર જમા થઇ રહ્યા હોય.

જે હોય તે, પણ તમનેય જો આજુબાજુમાં કોઈ સારું કબૂતર દેખાય તો તેને રેસનું કબૂતર બનાવવા પ્રયત્ન કરી લેજો. તમારા ગામમાં આવી કોઈ રેસ થાય છે ખરી? ન થતી હોય તો તમે પણ નવું સ્ટાર્ટઅપ બનાવીને આવી રેસનું આયોજન કરાવી શકો અને લોકોને કબૂતરમાં (કબૂતરબાજીમાં નહિ!) પૈસાનું રોકાણ કરાવીને લખપતિ બનાવડાવી શકો છો!